આવું સુપ્રીમ કોર્ટે હાલમાં જણાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
માસિકની તકલીફ ‘ફક્ત સ્ત્રીઓની’ નથી, પુરુષોને પણ એ બાબતે સમજ હોવી જરૂરી છે. જે છોકરાઓ આ બાબત સમજતા નથી તે છોકરીઓની મજાક-મશ્કરી કરે છે. છોકરીઓ માટે સ્કૂલમાં એક સપોર્ટિવ વાતાવરણ ઊભું કરવા માટે છોકરાઓને આ સમજ આપવી જરૂરી છે. આ સિવાય પણ એના ઘણા ફાયદા છે એ સમજવાની કોશિશ કરીએ. વળી એ પણ જાણીએ કે છોકરાઓને આ એજ્યુકેશન કઈ રીતે આપવું જોઈએ જેથી એનું રિઝલ્ટ આપણે જે ઇચ્છીએ એ મુજબનું જ આવે.
સુપ્રીમ કોર્ટે આર્ટિકલ ૨૧ અંતર્ગત માસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્સ્ટ્રુઅલ હેલ્થને મૂળભૂત અધિકાર બનાવ્યો છે, જેને લીધે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે આ બાબતે શરમ અને છોછ બન્ને દૂર થાય એ માટે જરૂર છે સ્કૂલોમાં આ વિશેનું એજ્યુકેશન છોકરા અને છોકરીઓ બન્નેને આપવામાં આવે. આ સમાનતાના સંદર્ભે એક મોટું પગલું કહી શકાય. કોર્ટે આ બાબતે ખાસ ભાર આપ્યો છે કે સ્કૂલમાં છોકરીઓને સહયોગ જનક વાતાવરણ મળી રહે એ માટે માસિક સંબંધિત જાગૃતિ છોકરાઓ, પુરુષ ટીચર્સ અને સ્ટાફ બધા સુધી પહોંચવી જોઈએ. માસિક ધર્મ એક શારીરિક પરિસ્થિતિ છે, કોઈ ટૅબુ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માસિક ધર્મ ‘ફક્ત સ્ત્રીઓની સમસ્યા’ નથી, એ એક વહેંચાયેલી જવાબદારી છે. કોર્ટે કહ્યું હતું કે માસિક બાબતે છોકરીઓને જ ફક્ત એજ્યુકેશન આપીશું તો એ પૂરતું નહીં થાય, છોકરાઓને પણ આ એજ્યુકેશન આપવું જરૂરી છે. કોર્ટે NCERT-નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ તથા SCERT એટલે કે તેમના રાજ્ય વિભાગોને પ્યુબર્ટી અને માસિક ધર્મ પર પાઠ્યક્રમ એવો બનાવવાની વાત કરી છે જેમાં છોકરાઓનો પણ સમાવેશ થાય. આ કરવા પાછળ સુપ્રીમ કોર્ટનો હેતુ એ છે કે છોકરીઓ માસિક સમયે ડર્યા વગર, શરમ રાખ્યા વગર અને કોઈ સામાજિક લાંછનોને ધ્યાનમાં રાખ્યા વગર સ્કૂલ ભણવા માટે જઈ શકે. એજ્યુકેશન સિવાય કોર્ટે છોકરીઓ માટે ફ્રી સૅનિટરી પૅડ્સ, અલગથી ટૉઇલેટ્સ અને ડિસ્પોઝલની વ્યવસ્થા ફરજિયાતપણે સ્કૂલમાં કરવાનું ફરમાન પણ કર્યું છે. માસિક ધર્મ વિશે દરેક છોકરી પાસે પૂરતું એજ્યુકેશન હોવું જ જોઈએ એ આજ સુધી દૃઢપણે માનવામાં આવતું હતું પરંતુ છોકરાઓને આના વિશે શા માટે માહિતગાર કરવા જરૂરી છે, એનાથી શું ફાયદો થાય, છોકરાઓને જો આ પ્રકારનું એજ્યુકેશન આપવું હોય તો કઈ રીતે આપવું જોઈએ એ પણ સમજવાની કોશિશ કરીએ.
ADVERTISEMENT
છોકરાઓની બાદબાકી
છેલ્લાં ૪ વર્ષથી ભાઈંદર-મીરા રોડ એરિયાની ૪૮થી પણ વધુ સ્કૂલોમાં છોકરીઓના માસિક ધર્મ વિશે એજ્યુકેશન આપનારાં ‘વિહાન ફાઉન્ડેશન’નાં પ્રણેતા વૈશાલી એન્જિનિયરનો અનુભવ કહે છે કે સુપ્રીમ કોર્ટે આ બાબતે વાત કરી એ ખૂબ સારું થયું, કારણ કે આ બાબતે કામ કરવું ઘણું અઘરું છે. વૈશાલી એન્જિનિયર માસિક ધર્મ વિશે ચોથા ધોરણથી લઈને સાતમા ધોરણની છોકરીઓને એજ્યુકેશન આપે છે. તે ખુદ ઇચ્છે છે કે છોકરાઓને પણ આ એજ્યુકેશન મળે પણ એ શક્ય નથી બનતું. એવું કેમ છે એ જણાવતાં વૈશાલી કહે છે, ‘એક સમય હતો જ્યારે છોકરીઓ સાથે પણ માસિક સંબંધિત વાત કરવા સ્કૂલો ઉત્સુક નહોતી. દરેક સ્કૂલમાં જઈને અમને સ્કૂલના પ્રિન્સિપાલની પરમિશન જોઈએ. અમુક લોકોએ તો મને ના જ પાડી દીધી કે અમે સ્કૂલમાં છોકરીઓને ગાઇડ કરી દઈશું, તમારી જરૂર નથી. જ્યારે કહો કે આ એકદમ ફ્રી છે ત્યારે તેઓ માંડ સેશન લેવા દે. જ્યારે મેં તેમની પાસે પરવાનગી માગી કે મને આવું એક સેશન લેવા દો જેમાં હું વિદ્યાર્થીઓને માસિક વિશે સાચી સમજણ આપી શકું ત્યારે સ્કૂલોએ મને કહ્યું કે તમે છોકરાઓને આમાંથી બાદ જ રહેવા દો. તમે જે એજ્યુકેશન આપવા માગો છો એ છોકરીઓને આપો. અમુક સ્કૂલોનું માનવું હતું કે છોકરાઓ આ બાબતે કન્ટ્રોલમાં નહીં રહે; એ લોકો વધુ મજાક-મસ્તી કરશે, છોકરીઓને વધુ હેરાન કરશે, તેમને હાથમાં રાખવા મુશ્કેલ થઈ જશે. છોકરાઓને નહીં, તમે છોકરીઓને સમજ આપો એટલું બસ છે.’
છોકરાઓને સામેલ કરવા જરૂરી
માસિક સંબંધિત જાણકારી છોકરાઓમાં તો શું, છોકરીઓમાં પણ ઓછી હોય છે અને જે હોય છે એ સાચી હોતી નથી. એટલે તેમને એક યોગ્ય રીતથી સમજાવવું જરૂરી છે. એ વિશે વાત કરતાં વૈશાલી એન્જિનિયર કહે છે, ‘તકલીફ એ છે કે માસિકને હજી પણ ગંદી વસ્તુ જ સમજવામાં આવે છે. છોકરીઓ ખુદ એને ગંદું સમજે છે. મનમાં આ માટે હીન ભાવના રાખે છે. કશે અડકવું નહીં, બહાર જવું નહીં, ક્યાંક ડાઘ પડી જાય તો હો-હા થવી. આ સિવાય હાઇજીનનો અભાવ, હજી પણ લોકો પૅડ્સ ખરીદવાની બાબતમાં ખચકાય છે કારણ કે આ એક બિનજરૂરી ખર્ચો ગણાય છે. સમાજસેવી સંસ્થા તરીકે જો તમે પૅડ્સ માટે ફન્ડ એકઠું કરવા માગો તો લોકો એના માટે ડોનેશન આપવા પણ તૈયાર નથી હોતા કે પૅડ્સ માટે નહીં, કંઈ બીજું હોય તો કહો. આટલો છોછ સમાજમાંથી કાઢવો જરૂરી છે. સમાજમાં પચાસ ટકા પુરુષો છે. જો ફક્ત સ્ત્રીઓમાં જાણકારી આપીશું તો આખો સમાજ કઈ રીતે બદલાશે? એક હેલ્ધી વાતાવરણ ઊભું કરવાની જરૂર છે જ્યાં માસિકને એક શારીરિક પ્રક્રિયા, જે જીવનના નિર્માણ માટે અતિ જરૂરી છે, એ રીતથી જોવામાં આવે ત્યારે બદલાવ શક્ય બનશે. એ બદલાવ માટે પુરુષોને એમાં સામેલ કરવા જરૂરી છે.’
લાભ શું થશે?
મુંબઈ જ નહીં, ભારતનાં ૧૩ રાજ્યોમાં માસિક વિષયક એજ્યુકેશન ફેલાવવા માટે છેલ્લાં ૯ વર્ષથી કાર્યરત સંસ્થા પિન્કીશ ફાઉન્ડેશનના પ્રણેતા અરુણ ગુપ્તા માને છે કે માસિક સંબંધિત સમાજમાં એક સાયલન્સ આપણે ઊભું કરી દીધું છે. એ વિશે વાત ન કરાય, એને છુપાવીને રખાય, કોઈને ખબર ન પડવા દેવાય આ બધું એક સાયલન્સનો ભાગ છે જેને તોડવું જરૂરી છે. એ માટે છોકરીઓને તો ખરું જ, પણ છોકરાઓને પણ એજ્યુકેશન આપવાની જરૂર છે. જો બન્ને પાસે સાચું એજ્યુકેશન હશે, સમાજ હશે તો જ આ સાયલન્સને આપણે તોડી શકીશું. આ વાત પર ભાર મૂકતાં અરુણ ગુપ્તા કહે છે, ‘આજના નાના છોકરા મોટા થઈને પતિ અને પિતા બનશે. જો તેમને નાનપણથી ખબર હશે તો તે મોટા થઈને તેમનો રોલ સારી રીતે નિભાવી શકશે. આપણે આજે ફરિયાદ કરીએ છીએ કે પુરુષો નિષ્ઠુર છે, સમજતા નથી, બસ મજાક ઉડાવે છે, સેન્સિબલ નથી. તો આ બધી ફરિયાદોનો ઉપાય એ છે કે તેમને નાનપણથી ટ્રેઇનિંગ આપવી જરૂરી છે. તેમને તમે જેટલા અંધારામાં રાખશો, તકલીફો વધશે. આપણે ઇચ્છીએ છીએ કે સ્ત્રીઓ જે પોતાના માસિક દરમિયાન તકલીફમાં હોય તો તેના પિતા, ભાઈ, પતિ, તેના મિત્રો કે તેના બૉસ બધા જ એ તકલીફને તકલીફ તરીકે જુએ અને સમજી શકે. એની શરૂઆત બેઝિક એજ્યુકેશન છે.’
પણ છોકરાઓને શીખવવું કઈ રીતે?
છોકરીઓની માસિક સંબંધિત જાણકારી તેમને આપીએ ત્યારે તેઓ થોડી શરમ અનુભવે છે. એમાંથી તેમને ધીમે-ધીમે બહાર કાઢી શકાય. આજના જે ૮-૧૪ વર્ષનાં બાળકો છે તેમની પાસે ઇન્ટરનેટનું અઢળક એક્સપોઝર છે. તેમને એકસાથે બેસાડીને માસિક વિશે શીખવવું યોગ્ય ગણાય કે નહીં? એવું ન થાય કે આપણે તેમને સારા માટે શીખવવા જઈએ અને તેમનું કશું ખૂબ ખોટું કરી બેસીએ. છોકરીઓને સેફ્ટી આપવા જઈએ અને ઊલટું તેમની હાલત કફોડી થઈ જાય. આવું ન થાય એ માટે છોકરાઓને માસિક વિશે સમજાવવાની યોગ્ય રીત શું છે એ પ્રશ્નનો જવાબ આપતાં અરુણ ગુપ્તા કહે છે, ‘આ ખૂબ જ સેન્સિટિવ વસ્તુ છે. પહેલાં તો એજ્યુકેટર્સને વ્યવસ્થિત ટ્રેઇનિંગ આપવી જરૂરી છે. છોકરા અને છોકરીઓને એક જ ક્લાસમાં બેસાડીને આ વાત આજની તારીખે થઈ શકે એમ નથી. ઊલટું અમે તો ગામડાંઓમાં પણ કામ કરીએ છીએ ત્યાં તો તકલીફો વધી જાય. એટલે અમે પહેલાં છોકરીઓને પૂરેપૂરી જાણકારી આપીએ છીએ. તેમને છોછ અને શરમમાંથી બહાર લાવીએ છીએ. એકાદ વર્ષ લાગી જાય છે તેમને પૂરી રીતે તૈયાર કરતાં અને તેમનામાં આ બાબતે આત્મવિશ્વાસ લાવતાં. એ પછી અમે તેમના એરિયા અને સ્કૂલના છોકરાઓને ટ્રેઇન કરવાનું શરૂ કરીએ છીએ. છોકરાઓને એવા રેફરન્સ સાથે ન સમજાવી શકાય કે તમારા ક્લાસની છોકરીઓ સાથે આવું કંઈ થઈ રહ્યું છે. તો તેઓ મજાક ઉડાવશે. તેમને તેમની મમ્મી અને બહેનના રેફરન્સ સાથે સમજાવવું પડે છે, તો એક આદર અને પ્રેમ સાથે તેઓ સમજે છે. છોકરાની મમ્મી અને બહેન સાથે આવું થાય છે, તેમને દર મહિને માસિક આવે છે અને પાંચ દિવસ એક ભાઈ કે એક દીકરા તરીકે તમારે તેમની કાળજી લેવી જોઈએ એ સમજાવવામાં આવે છે. એ સમજી લીધા પછી એ વાત સ્થાપિત કરાય છે કે દુનિયાની દરેક છોકરી સાથે આવું થાય છે. એ સમયે છોકરીઓને એક સપોર્ટની જરૂર હોય ત્યારે છોકરાઓએ તેમની તકલીફને સમજવી જોઈએ. આ રીતે વાતને મૂકીએ તો વાંધો આવતો નથી.’
સતત શીખવવું જરૂરી
આ બાબતે પોતાનો અનુભવ અને મંતવ્ય જણાવતાં કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના ડિરેક્ટર-એજ્યુકેશન કવિતા સંઘવી કહે છે, ‘મારું માનવું છે કે માસિક વિશેની વ્યવસ્થિત જાણકારી છોકરીઓ અને છોકરાઓ બન્નેને અપાવી જોઈએ. હું જે સ્કૂલની પ્રિન્સિપાલ હતી એમાં અમારી સામે એક પરિસ્થિતિ આવી હતી. સ્કૂલમાં એક હોશિયાર છોકરી નવમા ધોરણમાં હતી અને અનિયમિત માસિકને કારણે તે જાડી થઈ ગઈ હતી. તેના ફેસ પર વાળ આવી ગયા હતા. સ્કૂલમાં તેની મજાક ઊડવા લાગેલી. એથી તે એટલી અસરગ્રસ્ત થઈ કે તેને ભણવાનું મૂકી દેવું હતું. માસિક વિશેની જાણકારી આ બાળકોને ૧૨ વર્ષની ઉંમર પહેલાં અપાઈ જ હતી, પરંતુ છતાં આ પરિસ્થિતિ ઉદ્ભવી. એથી એ સમજી શકાય કે આ કામ એક વાર થઈ ગયું એટલે પતતું નથી, દર ત્રણ મહિને આ બાબતે ફૉલો-અપ સેશન્સ પણ જરૂરી છે. બીજું એ કે ફક્ત છોકરીઓના માસિક વિશે જ નહીં, છોકરાઓમાં આવતા બદલાવ વિશે પણ છોકરા અને છોકરીઓ બન્નેને સમજ આપવી જરૂરી છે. પ્યુબર્ટી એક એવું ચૅપ્ટર છે જેના વડે છોકરા અને છોકરીઓ બન્ને એકબીજાની પરિસ્થિતિ વિશે એક સમજ કેળવી શકે. એ ફક્ત કોઈ સિલેબસ નહીં, અતિ જરૂરી એજ્યુકેશન છે જે તેમને જીવનભર ઉપયોગી થાય છે.’
છોકરા અને છોકરીને સાથે શીખવી શકાય
અંધેરીના ભવન્સ કૅમ્પસ ખાતે આવેલી રાજહંસ સ્કૂલનાં પ્રિન્સિપાલ રિતુ દુબેએ ગયા વર્ષે ‘રૂબરૂ’ નામની સંસ્થાની મદદથી તેમની સ્કૂલમાં છોકરા અને છોકરીઓને બન્નેને એક છત નીચે જ બેસાડીને પ્યુબર્ટીનું એજ્યુકેશન અપાવેલું. એ વિશે વાત કરતાં રિતુ દુબે કહે છે, ‘છોકરા અને છોકરીઓને એકસાથે આ જ્ઞાન આપી શકાય. એકવીસમી સદીમાં જ્યાં આપણે કહીએ છીએ કે છોકરા અને છોકરી એકસમાન છે ત્યાં સમાનતા કઈ રીતે સાધી શકાય જો બન્ને એકબીજાથી છોછ અનુભવતાં રહે? હું સમજું છું કે આ મુદ્દો સેન્સિટિવ છે. તેમને સાથે શીખવવું ટ્રિકી થઈ જાય. એક અક્વર્ડનેસ આવી જાય. પણ સમજવાનું એ છે કે તો એ અક્વર્ડનેસ દૂર કરવા માટે જ તો આપણે આ એજ્યુકેશન આપી રહ્યા છીએ. મારો અંગત અનુભવ કહું તો એવું છે કે શરૂઆતની ૧૫ મિનિટ થોડું એવું લાગે. બાળકો નજર ન મેળવે, નીચું જોઈ જાય, ઘણા ટૉઇલેટ બ્રેક માગીને ભાગવા ઇચ્છે; પણ એનો સદંતર આધાર એના પર છે કે તમને કોણ અને કેવી રીતે સમજાવી રહ્યું છે. એ પંદર મિનિટમાં એ રીતે વાતને મૂકવામાં આવે કે વિદ્યાર્થીઓને રસ પડે. આખું સેશન એટલું સારું ગયું હતું કે છેલ્લી ૧૫ મિનિટમાં તો વિદ્યાર્થીઓએ એટલાબધા પ્રશ્નો પૂછ્યા કારણ કે તેમની જિજ્ઞાસા જાગૃત થઈ ચૂકી હતી.’
બાળકોમાં પોતાના શરીર, એમાં આવનારા બદલાવો વિશે ઉત્સુકતા હોય એ સહજ છે. આજનાં બાળકો પાસે દરેક ઉત્સુકતાનો જવાબ તેમનું ઇન્ટરનેટ છે. બાળકો પોતાની ઉત્સુકતા દૂર કરવા ઇન્ટરનેટ પાસે જાય છે અને એટલે જ નાની ઉંમરે પૉર્ન જોતાં થઈ જાય છે. આ મુદ્દા વિશે વાત કરતાં રિતુ દુબે કહે છે, ‘બાળકની ઉત્સુકતાનો જવાબ જો ઇન્ટરનેટ આપશે તો બાળક ખોટી દિશામાં ભટકી જઈ શકે છે. મહત્ત્વનું એ છે કે બાળકો આ જે પણ માહિતી છે એ ઇન્ટરનેટ પાસેથી નહીં, આપણી પાસેથી શીખે. એમાં ફક્ત સ્કૂલ જ નહીં, માતા-પિતા પણ સામેલ થાય. છોકરીઓ તકલીફ વિશે ફક્ત મા સાથે અને છોકરાઓ સાથે ફક્ત પિતા વાત કરે એ પણ મારા મતે યોગ્ય નથી. માતા-પિતા બન્નેએ આ વાત કરવી જોઈએ. તો એક આખેઆખો સંદર્ભ બાળક સમજી શકે. આ સમજ જ્યારે આપણે તેમને આપીશું તો તેમનામાં સાચી સમજ ડેવલપ થશે અને ખોટા માર્ગે જવાની શક્યતા નહીંવત બનશે.’
