રેલવે-સ્ટેશન પર બાળકને વાયર સાથે બાંધી રાખનારી મમ્મીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મીરા રોડ રેલવે-સ્ટેશન પરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વિડિયોમાં મમ્મીએ લૅન્ડલાઇન ફોનનું રિસીવર હોય એવા વાયર સાથે પોતાના બાળકને બાંધી રાખ્યું છે અને પોતે મોબાઇલમાં વ્યસ્ત છે. બાળકને દોડાદોડી કરવી છે, પણ વાયર સાથે બંધાયેલું હોવાથી દૂર સુધી દોડી નથી શકતું. આ વિડિયો પર નેટિઝન્સ જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ મમ્મીના આઇડિયાની તારીફ કરી હતી તો કેટલાક એને લાપરવાહી માની રહ્યા છે. મોબાઇલ માટે બાળકને બાંધી રાખવું યોગ્ય નથી એવી કમેન્ટ્સ પણ આવી રહી છે. ઘણા કહી રહ્યા છે કે માર્કેટમાં નવી વાયરબદ્ધ ટેક્નૉલૉજી આવી ગઈ છે.
નાના બાળકોના કિડનૅપિંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે સુરક્ષા મહત્ત્વની છે, પણ સવાલ એ થાય કે બાળકના જતનથી વધુ એવું તે કયું કામ હોઈ શકે જેને કારણે આવા પ્રયોગો કરવા પડે? સોશ્યલ મીડિયા પર એવા ઘણા વિડિયો અપલોડ થાય છે જેમાં કિચનમાં કામ કરતી મમ્મી બાળકની સંભાળ લેવા તેમ જ તેને દોડાદોડી કરતું અટકાવવા દોરડાનો એક છેડો પોતાની કમરમાં ખોસી રાખે છે અને બીજો છેડે બાળકને બાંધી રાખે છે. ઘણાં બાળકો ચંચળ અને તોફાની હોય છે, એક જગ્યાએ પગ વાળીને બેસે નહીં. ત્યારે મમ્મીઓએ તેમને સ્માર્ટ્લી ટૅકલ કરવાં પડે છે. જોકે સાર્વજનિક જગ્યાએ આવું ભાગ્યે જ જોવા મળે. આને તમે શું કહેશો? સલામતી, મમ્મીની લાપરવાહી કે કાળજી?
ADVERTISEMENT
- વર્ષા ચિતલિયા
