Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વિશ્વ ડાયાબિટીસ દિવસ: લગભગ 4 કરોડ લોકોને ખબર જ નથી કે તેમને ડાયાબિટીસ છે...

વિશ્વ ડાયાબિટીસ દિવસ: લગભગ 4 કરોડ લોકોને ખબર જ નથી કે તેમને ડાયાબિટીસ છે...

Published : 13 November, 2026 05:58 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિશ્વ ડાયાબિટીસ દિવસ 2026 નિમિત્તે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ભારતમાં લગભગ 43 ટકા દર્દીઓને પોતાની બીમારી વિશે જાણ જ નથી. જાણો તેના પ્રારંભિક લક્ષણો અને બચાવના સરળ ઉપાયો. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિશ્વ મધુમેહ દિવસ ઉજવવામાં આવે છે. 
  2. વર્ષ 2026-27ની થીમ છે: ડાયાબિટીસ સામે વહેલી તકે પગલાં લેવા. 
  3. વિશ્વભરમાં 58. 9 કરોડ પુખ્ત વયના લોકો ડાયાબિટીસના સકંજામાં છે. 

વિશ્વ ડાયાબિટીસ દિવસ 2026ની થીમ: વિશ્વભરમાં મહામારીની જેમ ઝડપથી ફેલાઈ રહેલી મધુમેહ એટલે કે ડાયાબિટીસની બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 14 નવેમ્બરના રોજ ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ’ ઉજવવામાં આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન અને WHO દ્વારા વર્ષ 2026-27 માટે સત્તાવાર થીમ (ડાયાબિટીસ સામે વહેલી તકે પગલાં લેવા) નક્કી કરવામાં આવી છે. વિશ્વભરમાં ચલાવવામાં આવી રહેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બીમારીની શરૂઆતના તબક્કામાં જ તેની ઓળખ કરવી, તેના વધતા જોખમને ઘટાડવું અને દર્દીઓને સમયસર વધુ સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. 

માત્ર દેશ-દુનિયામાં જ નહીં, ભારતમાં પણ ઝડપથી વધી રહ્યા છે ડાયાબિટીસના દર્દીઓ



આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશનના તાજેતરના અહેવાલના આંકડા ખરેખર ચોંકાવનારા છે. આ અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં 20થી 79 વર્ષની વયજૂથના આશરે 58. 9 કરોડ લોકો ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે. એટલે કે, દુનિયાના દર 9 પુખ્ત વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બની રહી છે. એક અંદાજ મુજબ, વર્ષ 2050 સુધીમાં આ આંકડો વધીને 85. 3 કરોડ સુધી પહોંચી શકે છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે આમાંથી 40 ટકાથી વધુ લોકોને પોતાને ડાયાબિટીસ હોવાની ખબર જ નથી. 


ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત બીજા ક્રમે

ભારતમાં પણ આ બીમારીની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. 8. 98 કરોડ દર્દીઓ સાથે આપણો દેશ સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને છે. આ સંખ્યા વિશ્વના દર 7 ડાયાબિટીસના દર્દીઓમાંથી 1 દર્દી જેટલી છે અને દક્ષિણ-પૂર્વ એશિયાના કુલ દર્દીઓમાં આશરે 80 ટકા હિસ્સો ધરાવે છે. 
ચિંતાની વાત એ છે કે ભારતમાં ડાયાબિટીસના આ 8. 98 કરોડ દર્દીઓમાંથી આશરે 43 ટકા લોકોને પોતાની બીમારી વિશે અજાણ્યા છે. આ ઉપરાંત, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષ 2050 સુધીમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધીને 15. 67 કરોડ સુધી પહોંચી શકે છે. 


ભારતમાં કયા રાજ્યમાં ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું?

ભારત દેશમાં ડાયાબિટીસના ફેલાવા અંગે કરવામાં આવેલા ICMR-INDIAB અભ્યાસના પરિણામો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અભ્યાસ મુજબ, ભારતમાં પુખ્ત વયના લોકોમાં ડાયાબિટીસનો સરેરાશ દર 11. 4 ટકા છે. જો રાજ્યો પ્રમાણે આંકડા જોઈએ તો ગોવામાં સૌથી વધુ 26. 4 ટકા લોકો ડાયાબિટીસથી પીડિત છે. ત્યારબાદ પુડુચેરીમાં 26. 3 ટકા અને કેરળમાં 25. 5 ટકા લોકો આ બીમારીમાં સંડોવાયેલા છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં ડાયાબિટીસનો દર સૌથી ઓછો એટલે કે માત્ર 4. 8 ટકા નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે દેશના અલગ-અલગ વિસ્તારોમાં જીવનશૈલી અને અન્ય પરિબળોના આધારે ડાયાબિટીસની અસર પણ અલગ-અલગ જોવા મળે છે. 

સમયાંતરે તપાસ કરાવવી એ જ સૌથી મોટો બચાવ

આરોગ્ય નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે ટાઇપ-2 ડાયાબિટીસ ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો વિના શરીરમાં ધીમે ધીમે વિકસે છે. ઘણી વખત લોકોને આ બીમારીની જાણ ત્યારે થાય છે, જ્યારે શરીરમાં ગંભીર સમસ્યાઓ શરૂ થઈ ચૂકી હોય છે. 
IDFના આંકડા મુજબ, ટાઇપ-2 ડાયાબિટીસનું નિદાન થાય ત્યાં સુધીમાં આશરે 50 ટકા દર્દીઓમાં પહેલેથી જ કોઈ ને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થઈ ચૂકી હોય છે. 
તબીબોનું કહેવું છે કે જો સમયાંતરે બ્લડ શુગરની તપાસ કરાવવામાં આવે તો પ્રી-ડાયાબિટીક અવસ્થામાં જ ખાવા-પીવાની આદતોમાં સુધારો કરીને અને દરરોજ કસરત કરીને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. 
સમયસર સારવાર મળવાથી હાર્ટ એટૅક, કિડની ફેલ થવી, આંખોની રોશની ગુમાવવી અને નસોને લગતી ગંભીર સમસ્યાઓ જેવા જીવલેણ જોખમોથી પણ બચી શકાય છે. 

શરીરમાં દેખાતા આ પ્રારંભિક સંકેતોને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ડૉક્ટરએ લોકોને અપીલ કરી છે કે શરીરમાં જોવા મળતા શરૂઆતના ફેરફારોને હળવાશથી ન લેતાં તમને સામાન્ય કરતાં વધુ વાર તરસ લાગતી હોય અને મોઢું સુકાઈ જતું હોય અથવા વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય, તો આ ડાયાબિટીસના જોખમની ચેતવણી હોઈ શકે છે. આવા કોઈપણ લક્ષણો જોવા મળે તો તેને નજરઅંદાજ કરવાને બદલે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. 

ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો

સામાન્ય કરતાં વધુ વાર તરસ લાગવી અને વારંવાર મોઢું સુકાઈ જવું. 
વારંવાર પેશાબ કરવા જવું પડવું. 
કોઈ પણ કારણ વગર ઝડપથી વજન ઘટવું. 
હંમેશાં ખૂબ થાક અને નબળાઈનો અનુભવ થવો. 
આંખો સામે ઝાંખું દેખાવા લાગવું. 
શરીર પર થયેલો કોઈ ઘા રુઝાવામાં ઘણો સમય લાગવો. 

દરરોજ 30 મિનિટની કસરતથી અટકી શકે છે આ `સાયલન્ટ મહામારી`

IDF દ્વારા આ વર્ષે જાહેર કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે જે લોકો ડાયાબિટીસના જોખમનો સામનો કરી રહ્યા છે, તેમાંથી મોટાભાગના લોકો એ સ્વીકારવા તૈયાર જ નથી કે તેમને પણ આ બીમારી થઈ શકે છે અને આ જ બેદરકારી તેમને આગળ જતાં ભારે પડી શકે છે.
વિશ્વ ડાયાબિટીસ દિવસ 2026નો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે બીમારી ગંભીર બને ત્યાં સુધી રાહ ન જુઓ. નિયમિત રીતે તમારા બ્લડ શુગરની તપાસ કરાવો, સંતુલિત અને પૌષ્ટિક આહાર લો તથા દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવાની કે શારીરિક કસરત કરવાની આદત પાડો. 
આજે લીધેલું એક નાનું પગલું તમારા આવનારા ભવિષ્યને સુરક્ષિત રાખી શકે છે

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 05:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK