૭ મહિનામાં મુસાફરોની સંખ્યામાં ૩૨ ટકાનો ઉછાળો, આવક ૪૨ કરોડ રૂપિયા વધી: એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન ૪.૧૬ કરોડ લોકોએ AC લોકલમાં મુસાફરી કરી
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેની ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો મુસાફરોમાં સતત લોકપ્રિય બની રહી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબરના ૭ મહિના દરમ્યાન AC લોકલના મુસાફરોની સંખ્યામાં ૩૨ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે, જ્યારે આવકમાં લગભગ ૪૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
સત્તાવાર આંકડા મુજબ વેસ્ટર્ન રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને આ ૭ મહિનાના સમયગાળામાં મુસાફર-ભાડા પેટે કુલ ૨૪૬૯.૩૬ કરોડ રૂપિયાની આવક મેળવી છે જે ગયા વર્ષના સમાન ગાળાના ૨૨૯૨.૩૭ કરોડ રૂપિયાની સરખામણીમાં ૭.૭૨ ટકા એટલે કે લગભગ ૧૭૭ કરોડ રૂપિયા વધુ છે.
ADVERTISEMENT
કુલ ૪.૧૬ કરોડ મુસાફરોએ વેસ્ટર્ન રેલવેની AC લોકલમાં મુસાફરી કરી હતી જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૩.૧૫ કરોડ હતી. આમ મુસાફરોની સંખ્યામાં એક કરોડથી વધુનો વધારો થયો છે. AC લોકલની આવક ૧૩૦.૮૮ કરોડ રૂપિયાથી વધીને ૧૭૨.૭૧ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે જે ૩૧.૯૬ ટકાનો તીવ્ર વધારો દર્શાવે છે. ડિવિઝનની કુલ સબર્બન પૅસેન્જર આવક ૫૩૩.૪૮ કરોડ રૂપિયા રહી છે જેમાં એકલી AC લોકલનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો છે.
કુલ મુસાફરો સ્થિર છતાં આવક વધી
રસપ્રદ બાબત એ છે કે આવકમાં મોટો વધારો થયો હોવા છતાં ડિવિઝનના કુલ મુસાફરોની સંખ્યા લગભગ સ્થિર રહી છે. એપ્રિલ-ઑક્ટોબર ૨૦૨૬ દરમ્યાન કુલ ૬૮.૫૬ કરોડ લોકોએ મુસાફરી કરી હતી જે ગયા વર્ષે ૬૮.૫૨ કરોડ હતી. આમ છતાં કુલ આવકમાં આશરે ૧૭૭ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
આવકની દૃષ્ટિએ નૉન-સબર્બન ટ્રેનો ૧૯૩૫.૮૮ કરોડ રૂપિયાની કમાણી સાથે મોખરે રહી છે જેમાં ૮.૨૨ ટકાનો વધારો થયો છે અને કુલ આવકમાં એનો હિસ્સો ૭૮ ટકાથી વધુ છે. બીજી તરફ સબર્બન સેવાઓમાંથી ૫.૯૬ ટકાના વધારા સાથે ૫૩૩.૪૮ કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાં નૉન-AC લોકલનો ફાળો ૩૬૦.૭૭ કરોડ રૂપિયા રહ્યો છે.
વેસ્ટર્ન રેલવેનું ૭ મહિનાનું રિપોર્ટ કાર્ડ (એપ્રિલ-ઑક્ટોબર ૨૦૨૬)
કુલ પૅસેન્જર આવક : ૨૪૬૯.૩૬ કરોડ રૂપિયા (૭.૭૨ ટકા વધારો),
AC લોકલની આવક : ૧૭૨.૭૧ કરોડ રૂપિયા (૩૧.૯૬ ટકા વધારો),
AC લોકલના મુસાફરો : ૪.૧૬ કરોડ (૩૨.૦૪ ટકા વધારો),
કુલ મુસાફરો : ૬૮.૫૬ કરોડ
