લાઇફને વધુ ઈઝી બનાવતાં અઢળક ગૅજેટ્સ માર્કેટમાં આવ્યે રાખે છે ત્યારે ઇલેક્ટ્રિક ફૂડ વૉર્મર ખરેખર તમારા કામની ચીજ છે
ઇલેક્ટ્રિક ફૂડ વૉર્મર
લાઇફને વધુ ઈઝી બનાવતાં અઢળક ગૅજેટ્સ માર્કેટમાં આવ્યે રાખે છે ત્યારે ઇલેક્ટ્રિક ફૂડ વૉર્મર ખરેખર તમારા કામની ચીજ છે. મૅટ જેવા દેખાતા નાનકડા અને ફ્લેક્સિબલ ફૂડ વૉર્મરનો ઉપયોગ ભોજનને ગરમ કરવા માટે થાય છે. સામાન્યપણે ઠંડા થયેલા ભોજનને ખાવા માટે ગૅસ પર ગરમ કરવું પડે છે. જોકે ઘરની બહાર હોઈએ તો એ શક્ય નથી થતું. આવા સમયે જો તમારી પાસે સિલિકૉન મટીરિયલનું બનેલું આ ઇલેક્ટ્રિક ફૂડ વૉર્મર હોય તો વાપરવું સુપર ઈઝી છે. એને ડાઇનિંગ ટેબલ પર પાથરીને વાયર ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટ કરવું અને જેટલું ગરમ જોઈતું હોય એ પ્રમાણે ટેમ્પરેચરને સિલેક્ટ કરીને એ મૅટ પર ખાવાનું રાખી દેવું. પાંચ મિનિટની અંદર એ તમારા ફૂડને ગરમ કરી આપશે. મૅટ પર ખાવાનું ઢોળાઈ જાય તો એ સરળતાથી સાફ થઈ જાય છે ત્યારે ભોજન ગરમ કરવા માટે સ્ટીલ અથવા સારી ક્વૉલિટીનાં પ્લાસ્ટિક કન્ટેનર્સનો ઉપયોગ કરી શકાય. સાંભળવામાં ડ્રીમી અને અનરિયલિસ્ટિક લાગતું હશે, પણ આ યુઝફુલ ગૅજેટ અત્યારે ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર લોકપ્રિય થઈ રહ્યું છે. આ ગૅજેટનો ભાવ ત્રણ હજાર રૂપિયા જેટલો છે.
સિલિકૉનના ઇલેક્ટ્રિક ફૂડ વૉર્મરમાં ટેમ્પરેચર ઍડ્જસ્ટ થઈ શકે એ રીતે નાની ડિજિટલ પૅનલ પણ આપેલી છે. એમાં ૬૦, ૭૦, ૮૦, ૯૦ અને ૧૦૦ ડિગ્રી એમ જે રીતે અને જેટલું ગરમ જોઈએ એ પ્રમાણે એક બટન ક્લિક કરીને કરી શકાય છે. એનો ઉપયોગ મુખ્યત્વે સ્ટીલ કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં દૂધ ગરમ કરવા, ઑફિસમાં લંચને ગરમ કરવા થઈ શકે તથા પ્રવાસ દરમિયાન ગરમ ભોજન ખાવાની આદત હોય તો આ ગૅજેટ તમારા કામની ચીજ છે. સિલિકૉનું લિડ તાપમાનને રોકે છે અને ભોજનને ભેજ વગર ગરમ રાખે છે. એ ફોલ્ડેબલ હોવાથી આરામથી તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો.

