તાજેતરમાં એક લીડિંગ રિસર્ચ જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક આયુર્વેદિક દવાઓમાં મોટી માત્રામાં ધાતુઓની ભસ્મ જોવા મળી અને એનાથી લિવર અને કિડનીને નુકસાન પહોંચ્યું છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
આયુર્વેદની દવાઓમાં ભસ્મ હોય છે અને એનાથી લિવર અને કિડની ખરાબ થાય છે એવો અધકચરો પ્રચાર આજકાલ સોશ્યલ મીડિયા પર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આજે નૅનો-ટેક્નૉલૉજી એ મેડિસિનમાં ક્રાન્તિકારી બદલાવ તરીકે જોવાઈ રહી છે ત્યારે વિવિધ ધાતુઓની પદ્ધતિસર પ્રોસેસ્ડ થયેલી ભસ્મ એ પણ એ જ નૅનો મેડિસિન્સ છે જેને સેંકડો વર્ષ પહેલાં આપણા વૈજ્ઞાનિક ઋષિમુનિઓએ ડેવલપ કરી હતી અને આજે પણ એ દિશામાં ભરપૂર સંશોધનો થઈ રહ્યાં છે. જ્યાં જડીબુટ્ટીઓ ન પહોંચી શકે એવા રોગોમાં ટાર્ગેટેડ થેરપી તરીકે ભસ્મનો દવા તરીકે ઉપયોગ કરવાથી પરિણામ મળી રહ્યું છે ત્યારે જાણીએ ભસ્મ સાથે સંકળાયેલા ભ્રમ અને વાસ્તવિકતાઓ વિશે
તાજેતરમાં એક લીડિંગ રિસર્ચ જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક આયુર્વેદિક દવાઓમાં મોટી માત્રામાં ધાતુઓની ભસ્મ જોવા મળી અને એનાથી લિવર અને કિડનીને નુકસાન પહોંચ્યું છે. આયુર્વેદની દવાઓમાં રહેલી ધાતુઓની આડઅસરો વિશે ઘણા મેડિકલ ડૉક્ટરો પણ એના ઊંડાણમાં ગયા વિના કમેન્ટ કરી દેતા હોય છે. વિવિધ ધાતુને પ્રોસેસ કરીને બનાવવામાં આવતી ભસ્મને આયુર્વેદની દવાઓમાં હજારો વર્ષ પહેલાં સામેલ કરાઈ હતી એની પાછળ કોઈક તો કારણ હશે? આ ભસ્મ શું છે? એના લાભ શું છે? કેવી બીમારીઓમાં એ અકસીર છે અને કયા સંજોગોમાં એ જોખમી બની જાય છે? આજે આ વિષય પર નિષ્ણાત સાથે વાત કરીએ.
રિસર્ચ શું હતું?
Frontiers in Gastroenterologyમાં પબ્લિશ થયેલા સંશોધનમાં ૩૮૬ જેટલી પ્રોડક્ટ્સનાં સૅમ્પલનું સંશોધકોએ લૅબ-ટેસ્ટિંગ કરાવ્યું હતું. એમાંથી ૩૪ ટકા નમૂનાઓમાં પારો, ૧૪ ટકામાં સીસું અને ઘણામાં આર્સેનિકનું પ્રમાણ WHO દ્વારા નક્કી કરવામાં આવેલી સુરક્ષિત મર્યાદા કરતાં ઘણું વધારે જોવા મળ્યું હતું. રિપોર્ટ મુજબ કેટલીક દવાઓમાં આધુનિક દવાઓ જેવી કે સ્ટેરૉઇડ્સ અને પેઇનકિલર્સની ભેળસેળ કરવામાં આવી હતી. જોકે સૌથી વધુ નુકસાન એવી દવાઓથી થયું હતું જેના પર કોઈ લેબલ નહોતું અથવા જે સ્થાનિક વૈદ્યો દ્વારા જાતે બનાવીને આપવામાં આવી હતી. આ દવાઓના સેવનથી દરદીઓમાં ઍક્યુટ-ઑન-ક્રોનિક લિવર ફેલ્યર જોવા મળ્યું હતું. આ સંશોધન ચકચાર મચાવનારું બન્યું, પરંતુ હવે સંશોધનની મર્યાદાઓ પર વાત કરીએ.
ભસ્મના ઑથોરાઇઝ્ડ નિષ્ણાતોએ રિપોર્ટ્સના દાવાઓમાં રહેલી ખામીઓ તરફ પણ ધ્યાન દોર્યું. જેમ કે રિપોર્ટમાં માત્ર ખરાબ પ્રોડક્ટ્સના લૅબ-ટેસ્ટિંગનાં પરિણામોના આધારે આખા આયુર્વેદશાસ્ત્રને જોખમી ચીતરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે જે દવાઓ નુકસાન કરી રહી હતી એ શાસ્ત્રોક્ત શુદ્ધીકરણ વિધિથી બનેલી હતી કે નહીં. ભસ્મની આડઅસરનાં જે તારણો મળ્યાં એની પાછળનું મુખ્ય કારણ આયુર્વેદ નહીં પણ દવા બનાવવાની ખોટી પદ્ધતિ અને બજારમાં મળતી નકલી દવાઓ હતું. દરદીની જીવનશૈલી વિશેનો એમાં કોઈ ઉલ્લેખ નથી. રિપોર્ટમાં સ્ટાન્ડર્ડ GMP સર્ટિફાઇડ કંપનીઓ અને ગલીકૂંચીમાં મળતી નકલી દવાઓ વચ્ચે પૂરતો તફાવત દર્શાવવામાં આવ્યો નહોતો. થોડા સમય પહેલાં કૅન્સરની ટ્રીટમેન્ટમાં કીમોથેરપીમાં કેટલીક ફાર્મસીઓ ખોટાં લેબલવાળા ડોઝ આપતી હતી અને એની આડઅસર જાહેર થઈ હતી. એનાથી આખી કીમોથેરપી જ ખરાબ છે એવો દાવો કોઈએ નહોતો કર્યો. જોકે ભસ્મની ફેક મેડિસિન્સથી થયેલી આડઅસરોને દેખાડીને ભસ્મયુક્ત ઑથેન્ટિક આયુર્વેદિક દવાઓ સામે પણ આંગળી ઉઠાવવી અને આખી સિસ્ટમને જોખમી દેખાડવી એ કેટલું યોગ્ય છે?
આયુર્વેદની દૃષ્ટિએ
આયુર્વેદમાં ભસ્મને માત્ર રાખ નથી માનવામાં આવતી પરંતુ એને અત્યંત શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. આ દિશામાં ભરપૂર સંશોધન કરનારી રાષ્ટ્રીય સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સના ડિરેક્ટર જનરલ અને પ્રોફેસર વૈદ્ય રાબીનારાયણ આચાર્ય કહે છે, ‘દવા તરીકે મિનરલ ઍશ એટલે કે ધાતુઓની ભસ્મને આયુર્વેદમાં રસશાસ્ત્રનો હિસ્સો ગણવામાં આવે છે. આઠમી સદીમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ધાતુ અને ખનિજો પર શોધન, જારણ અને મારણ તરીકે ઓળખાતી વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા પ્રયોગો કર્યા અને એને કેટલીક બીમારીઓના ઇલાજ માટે વિશિષ્ટ ભસ્મમાં કન્વર્ટ કરી. રસ રત્નસમુચ્ચય, રસ તરંગિણી, રસચેન્દ્ર ચિંતામણિ અને આયુર્વેદ પ્રકાશ જેવા ગ્રંથોમાં ધાતુઓના શુદ્ધીકરણથી લઈને એના પરીક્ષણ સુધીની વિગતો આપેલી છે. એમાં એમને બનાવવાની પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા, પ્રક્રિયા દરમ્યાન શું કરવું અને શું ન કરવું અને ભસ્મનો ઉપયોગ કરવાની સાચી રીત, એની સાથે જોડાયેલા વિરોધાભાસો જેવી અઢળક બાબતોનો રેફરન્સ મળે છે. ઇન ફૅક્ટ, જો ભસ્મનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે તો એની સંભવિત આડઅસરો રસશાસ્ત્રના ઘણા ગ્રંથોમાં નોંધવામાં આવી છે અને એ આડઅસરોનું સંચાલન કરવાની રીતો પણ નોંધવામાં આવી છે. ભસ્મનો ઉપયોગ ભાગ્યે જ સિંગલ ઔષધ તરીકે થાય છે. એ સારી રીતે કામ કરે અને સંભવિત આડઅસરોનું સંચાલન કરી શકાય એટલે મોટા ભાગે વનસ્પતિ મૂળની અન્ય દવાઓ સાથે વાપરવાની હિમાયત કરવામાં આવે છે. જ્યારે સામાન્ય જડીબુટ્ટીઓ ગંભીર રોગોમાં અસર નથી કરતી ત્યારે ધાતુઓ જેમ કે સોનું, ચાંદી, તાંબું, પારો, લોખંડ જેવી ધાતુઓને હજારો ડિગ્રી તાપમાને શુદ્ધ કરી એમને ભસ્મ સ્વરૂપમાં ફેરવીને આપવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ એક પ્રકારની નૅનો-ટેક્નૉલૉજી છે જ્યાં ધાતુના કણોને એટલા સૂક્ષ્મ નૅનો-પાર્ટિકલ્સમાં પરિવર્તિત કરવામાં આવે છે કે એ કોષોના સ્તર સુધી જઈને રોગને જડમૂળથી મટાડી શકે.’
કયા રોગોમાં ઉપયોગી?
ભસ્મ સામાન્ય રીતે જૂના અને ગંભીર રોગોમાં વપરાય છે. વૈદ્ય રાબીનારાયણ કહે છે, ‘ડાયાબિટીઝમાં શિલાજિત સાથે લોહ ભસ્મ વપરાય છે. ન્યુરોલૉજી સાથે સંકળાયેલા એપિલેપ્સી માટે અને યાદશક્તિ વધારવા માટે સુવર્ણ ભસ્મ ઉપયોગી છે. અસ્થમા અને ટીબી જેવા શ્વાસના રોગો માટે અભ્રક ભસ્મ, હૃદયરોગ માટે મુક્તા (મોતી) ભસ્મ અને પાંડુરોગમાં લોહ ભસ્મ, કૅન્સર જેવા રોગોમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ ઇમ્યુનિટી વધારવા માટે થાય છે. સંશોધનોમાં સુવર્ણ ભસ્મ સોજો દૂર કરનારી અને રોગપ્રતિકારક શક્તિ વધારનારી સાબિત થઈ છે. લોહ ભસ્મ આયર્ન સલ્ફેટ કરતાં ઓછી સાઇડ-ઇફેક્ટ સાથે હીમોગ્લોબિન વધારે છે. તામ્ર ભસ્મ ઍન્ટિ-માઇક્રોબાયલ ગુણો ધરાવે છે. યશદ (જસત) ભસ્મ પર થયેલાં સંશોધનો જણાવે છે કે એ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનના સ્રાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આધુનિક ઝિન્ક સપ્લિમેન્ટ્સ કરતાં આ ભસ્મ શરીરમાં વધુ સારી રીતે શોષાય છે. જોકે આ બધી જ દવાઓ સાથે અન્ય દવાઓ અને એના સેવનની રીતને લઈને બહુ જ ચોકસાઈ રાખવાની હોય છે.’
વૈજ્ઞાનિક દૃષ્ટિએ
આયુર્વેદિક ભસ્મની અકસીરતા અને એની સુરક્ષા પર છેલ્લા કેટલાક દાયકાઓમાં વૈશ્વિક સ્તરે અનેક સંશોધનો થયાં છે. આધુનિક વિજ્ઞાન હવે સ્વીકારી રહ્યું છે કે ભસ્મ એ માત્ર રાખ નથી પણ ભારતની પરંપરાગત નૅનો-મેડિસિન છે. વૈદ્ય રાબીનારાયણ કહે છે, ‘રિસર્ચમાં સાબિત થયું છે કે ભસ્મીકરણની પ્રક્રિયા ધાતુના કણોને પાંચથી ૫૦ નૅનોમીટર જેટલા સૂક્ષ્મ બનાવી દે છે. સૂક્ષ્મ કણો લોહીમાં ઝડપથી ભળી જાય છે અને કોષની દીવાલને ભેદીને સીધી અસર કરે છે જે સામાન્ય જડીબુટ્ટીઓ નથી કરી શકતી. રિસર્ચ મુજબ સ્વર્ણ ભસ્મ મૅક્રોફેજ એટલે કે શરીરના રક્ષક કોષોની કાર્યક્ષમતા વધારે છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઉંદર પર કરેલા પ્રયોગોમાં સાબિત થયું છે કે લોહ ભસ્મ અને અભ્રક ભસ્મ જો નિર્ધારિત ડોઝમાં આપવામાં આવે તો એનાથી ઑર્ગન ડૅમેજ થતું નથી. ‘જર્નલ ઑફ એથનોફાર્મોકોલૉજી’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ જો શાસ્ત્રોક્ત વિધિથી બનેલી સ્વર્ણ ભસ્મ યોગ્ય માત્રામાં આપવામાં આવે તો એ કિડની કે લિવર પર કોઈ ઝેરી અસર કરતી નથી. આ દિશામાં આજે પણ દેશની ઘણી અગ્રણી સંસ્થાઓ દ્વારા રિસર્ચ થઈ રહ્યાં છે.’
ભસ્મ જ શું કામ?
ધાતુઓનો ઉપયોગ કરવા પાછળ વૈજ્ઞાનિક કારણો છે. વૈદ્ય રાબીનારાયણ કહે છે, ‘આગળ કહ્યું એમ શુદ્ધીકરણ અને મારણ પ્રક્રિયા દ્વારા ધાતુઓને નૅનો-પાર્ટિકલ્સમાં ફેરવવામાં આવે છે જે શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે. એ કામ મૅક્રો સ્વરૂપમાં રહેલી વનસ્પતિઓ નથી કરી શકતી. આથી જ ભસ્મનો ઉપયોગ ક્રોનિક, ઊંડાં મૂળ ધરાવતા અથવા ડીજનરેટિવ રોગોમાં થાય છે જ્યાં માત્ર વનસ્પતિઓ અપૂરતી હોય છે. ભસ્મયુક્ત દવાઓ ઓછા ડોઝમાં વધુ અસર કરે છે. ઉદાહરણ તરીકે સુવર્ણ ભસ્મ માત્ર મિલીગ્રામમાં અસરકારક છે, જ્યારે એના જેટલી જ અસર માટે વનસ્પતિનો જથ્થો ઘણો મોટો જોઈએ. ભસ્મ સદીઓ સુધી ખરાબ થતી નથી. જૂની ભસ્મમાં પુરાણ ભસ્મ વધુ શક્તિશાળી માનવામાં આવે છે. બીજું, ઘણી વનસ્પતિઓ કડવી હોય છે, જ્યારે ભસ્મ સ્વાદહીન હોવાથી લેવામાં સરળ રહે છે. આવાં ઘણાં કારણો છે કે આપણા પૂર્વના ઋષિમુનિઓએ એ સમયે રસશાસ્ત્ર દ્વારા આ નૅનો-મેડિસિનની શોધ કરી હતી.’
|
ભસ્મને લગતી સમાધાન શંકા |
|
|
શું બધી આયુર્વેદિક દવાઓમાં મેટલ હોય છે? |
|
|
શું ભસ્મ કિડની ફેલ કરી શકે? |
|
|
શું ભસ્મ નૅનો-ટેક્નૉલૉજી છે? |
|
|
શું એ આજીવન લઈ શકાય? |
|
ADVERTISEMENT
ભસ્મ લેતાં પહેલાં ધ્યાન રાખજો આ વાતો
ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ હેઠળ લાઇસન્સ ધરાવતી ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ એટલે કે GMP સર્ટિફાઇડ કંપનીની જ દવા લો. દવા પર AYUSH લાઇસન્સ-નંબર છે કે નહીં એ ખાસ ચેક કરો. ક્યારેય કોઈ સાધુ કે બાવા પાસે જઈને છૂટી ભસ્મ કે લેબલ વગરની, ઇન્ટરનેટ પરથી ડાયરેક્ટ આવી કોઈ દવા ન ખરીદો.
રસ તરંગિણી જેવા રસશાસ્ત્રના ગ્રંથોમાં લખાયું છે કે ધાતુની બનાવટો ક્યારેય જાતે લેવી જોઈએ નહીં. લાયકાત ધરાવતા આયુર્વેદિક ચિકિત્સક પાસેથી ડોઝ, અનુપાન અને સહપાન, સમયમર્યાદા અને એની સાથેની અન્ય જડીબુટ્ટીઓના સેવન વિશે જાણીને દવા લો.
દવા ચાલુ હોય ત્યારે પુષ્કળ પાણી પીઓ જેથી ધાતુઓ શરીરમાં જમા ન થાય.
દવા શરૂ કરતાં પહેલાં કિડની અને લિવરના રિપોર્ટ કરાવો.
કિડની કે લિવરની ગંભીર બીમારી હોય, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન, ૧૨ વર્ષથી નાનાં બાળકોએ ભસ્મનું સેવન ન કરવું
નિર્ધારિત ડોઝથી વધુ ન લેવી અને આ દવાઓ સાથે દારૂનું સેવન લિવર માટે અત્યંત જોખમી છે.
જો તમે અન્ય કોઈ દવાઓ લઈ રહ્યા હો તો તમારા ડૉક્ટરને આયુર્વેદિક દવા વિશે ચોક્કસ જણાવો.
|
આયુર્વેદ વિશેની ગેરમાન્યતાઓ અને સાચી હકીકત |
|
|
ગેરમાન્યતા |
સાચી હકીકત |
|
બધી આયુર્વેદિક દવાઓ સુરક્ષિત છે કારણ કે એ કુદરતી છે. |
|
|
આયુર્વેદિક દવાઓની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. |
|
|
આયુર્વેદિક દવાઓ ખૂબ ધીમી અસર કરે છે. |
ખોટું. ઍક્યુટ રોગોમાં સાચી રીતે અપાયેલી ભસ્મ કે કાઢા ઍલોપથી જેટલી જ ઝડપથી અસર કરી શકે છે. |
|
આયુર્વેદમાં પરેજી પાળવી જ પડે, નહીંતર દવા કામ ન કરે. |
સાચું. આયુર્વેદમાં ખોરાકને જ પ્રથમ દવા માનવામાં આવે છે એટલે પરેજી વગર દવાની અસર ઓછી થઈ જાય છે. |
|
આયુર્વેદ અને ઍલોપથી દવાઓ સાથે ન લઈ શકાય. |
ખોટું. યોગ્ય ડૉક્ટરની સલાહ મુજબ ઘણી વાર બન્ને પદ્ધતિઓ સાથે લેવાથી દરદીને વધુ ફાયદો થાય છે. |
|
આયુર્વેદમાં સર્જરી નથી હોતી. |
ખોટું. આયુર્વેદના જનક સુશ્રુતને ‘ફાધર ઑફ સર્જરી’ કહેવામાં આવે છે. આયુર્વેદમાં પણ શલ્યચિકિત્સાનું મોટું મહત્ત્વ છે. |
