હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી કરવા માટે અમેરિકાએ બ્રિટન પાસેથી યુદ્ધજહાજની માગણી કરી હતી
ડોનલ્ડ ટ્રમ્પ
અત્યાર સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા માટે અમેરિકા ઈરાનને ધમકી આપી રહ્યું હતું, પરંતુ હવે ટ્રમ્પે અવળી ધમકી આપી છે કે ઈરાને જો ટોલ લઈને કોઈ જહાજ પસાર થવા દીધું તો અમે એને જવા નહીં દઈએ. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને જહાજો હિન્દ મહાસાગર તરફ આવે ત્યાં જ અમેરિકાએ નાકાબંધી ગોઠવી દીધી છે. ટ્રમ્પે ગઈ કાલે સવારે જ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘અમેરિકાના સમય અનુસાર સવારે ૧૦ વાગ્યે અને ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યાથી હિન્દ મહાસાગરમાં નાકાબંધી કરી દેવામાં આવશે.’
સાંજે સમયમર્યાદા પૂરી થતાં ફરીથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. મરીન ટ્રાફિક વેબસાઇટ અનુસાર આખા ખાડી વિસ્તારોમાંથી વેપારી જહાજો હટાવી લેવામાં આવ્યાં છે. ગઈ કાલે નાકાબંધીની ડેડલાઇન પછી ટ્રમ્પે ફરીથી હુંકાર કરીને સોશ્યલ મીડિયા પર દાવો કર્યો હતો કે ‘ઈરાનની નૌસેના તબાહ થઈ ચૂકી છે અને તેમનાં ૧૫૮ જહાજો સમુદ્રમાં ડૂબી ચૂક્યાં છે. જો ઈરાનનાં બચેલાં ફાસ્ટ અટૅક શિપ અમેરિકાની નાકાબંધીની નજીક પણ આવ્યાં તો એમને તરત ખતમ કરી દેવામાં આવશે.’
ADVERTISEMENT
ઇઝરાયલે નાકાબંધીનું સમર્થન કર્યું
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાની સમુદ્રી નાકાબંધીનું સમર્થન કરતાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય સાચો છે અને ઇઝરાયલ આ મામલે અમેરિકાને પૂરો સાથ આપશે.’
બ્રિટન નાકાબંધીમાં સાથે નથી
હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી કરવા માટે અમેરિકાએ બ્રિટન પાસેથી યુદ્ધજહાજની માગણી કરી હતી. જોકે બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે માગણી નકારીને કહ્યું હતું કે ‘હોર્મુઝને અવરોધવા માટે અમેરિકાની નાકાબંધીને અમે સમર્થન નથી અપાતા એટલે અમે એમાં ભાગ નથી લેવા માગતા.’
