Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Pune: નંદોશીમાં હોસ્પિટલનું નામ ‘લતા-આશા મંગેશકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ રાખવાનો નિર્ણય

Pune: નંદોશીમાં હોસ્પિટલનું નામ ‘લતા-આશા મંગેશકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ રાખવાનો નિર્ણય

Published : 14 April, 2026 02:03 PM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pune: પુણેના નંદોશીમાં બની રહેલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ હવે સુપ્રસિદ્ધ ગાયિકાઓ લતા મંગેશકર અને આશા ભોસલેની સ્મૃતિમાં ‘લતા-આશા મંગેશકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો; ૪૦ એકરમાં બનશે ઇન્સ્ટિટ્યૂટ

પંડિત હૃદયનાથ મંગેશકર અને ડો. ધનંજય કેલકર

પંડિત હૃદયનાથ મંગેશકર અને ડો. ધનંજય કેલકર


ભારતીય સંગીત જગતની બે સુપ્રસિદ્ધ બહેનો આશા ભોસલે (Asha Bhosle) અને લતા મંગેશકર (Lata Mangeshkar)ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પતા, લતા મંગેશકર મેડિકલ ફાઉન્ડેશન (Lata Mangeshkar Medical Foundation)એ જાહેરાત કરી છે કે, પુણે (Pune)ના નંદોશી (Nandoshi)માં આકાર લઈ રહેલા ૪૦ એકરના મેડિકલ પ્રોજેક્ટનું નામ હવે ‘લતા-આશા મંગેશકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (LataAsha Mangeshkar Institute of Medical Sciences) રાખવામાં આવશે. તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના અવસાન બાદ, ગુરવાર ૧૬ એપ્રિલના રોજ યોજાનાર શિલાન્યાસ સમારોહ હવે પ્રાર્થના સભામાં પણ પરિવર્તિત થશે. આ કાર્યક્રમ આરોગ્ય ક્ષેત્રના એક મહત્વના પડાવની સાથે સાથે સેવાના વારસાને પણ ઉજાગર કરશે.

નંદોશીમાં બનશે `લતા-આશા મંગેશકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ`



લતા મંગેશકર મેડિકલ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. પુણે નજીક નંદોશી ખાતે બની રહેલા હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ બદલીને હવે `લતા-આશા મંગેશકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ` રાખવામાં આવ્યું છે. રવિવાર, ૧૨ એપ્રિલના રોજ આશા ભોસલેના નિધન (Asha Bhosle Death) બાદ, હવે આ કાર્યક્રમમાં શિલાન્યાસ વિધિની સાથે પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રસંગ શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે ભવિષ્ય તરફ ડગ માંડવાનો પણ રહેશે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) તેમજ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) અને સુનેત્રા પવાર (Sunetra Pawar) આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું અધ્યક્ષપદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત (Mohan Bhagwat) સંભાળશે. આ પ્રસંગે મંગેશકર અને ભોસલે પરિવારના સભ્યો પણ હાજર રહેશે. આ મર્યાદિત આમંત્રિતો માટેનો કાર્યક્રમ ગુરુવાર, ૧૬ એપ્રિલના રોજ સાંજે ૫.૦૦ કલાકે સિંહગઢ રોડ પર આવેલા નંદોશી પ્રોજેક્ટ સ્થળે યોજાશે. આ પ્રસંગે સાંજે ૪.૦૦ કલાકે આશા ભોસલેને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે. જેમાં શ્રીમતી વિભાવરી જોશી (ગાયન), શ્રી શાંતનુ ગોખલે (સંતૂર), શ્રી અમર ઓક (વાંસળી) અને શ્રી પાંડુરંગ પવાર (તબલા) પોતાની પ્રસ્તુતિ આપશે.

લતા દીદી અને આશા તાઈ અમારા માટે માત્ર નામ નહોતાઃ હૃદયનાથ મંગેશકર


આ પ્રસંગે બોલતા પંડિત હૃદયનાથ મંગેશકર (Pandit Hridaynath Mangeshkar)એ જણાવ્યું હતું કે, ‘લતા દીદી અને આશા તાઈ અમારા માટે માત્ર નામ નહોતા.. તેઓ અમારા શ્વાસ હતા. આ હોસ્પિટલનું નામ બંનેના નામ પર હોય તે યોગ્ય લાગે છે. અમે આ હોસ્પિટલને એશિયાની શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક બનાવવા માટે પ્રયત્નશીલ રહીશું.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘આવા સમયે જ્યારે કર્તવ્ય નિભાવવાની વાત આવે, ત્યારે વ્યક્તિગત દુઃખ કરતા કર્તવ્યને ઉપર રાખવું જ યોગ્ય છે. આશા ભોસલેજી આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવાના હતા, કારણ કે અમે લતા દીદીના નામે હોસ્પિટલ બનાવી રહ્યા હતા, જે રીતે તેમણે અમારા સ્વર્ગસ્થ પિતાના નામે હોસ્પિટલ બનાવી હતી.’

૪૦ એકરની હોસ્પિટલમાં પ્રાણીઓની સારવારની સુવિધા પણ હશે

પ્રોજેક્ટ વિશે વધુ વિગતો આપતા પંડિત હૃદયનાથ મંગેશકરે જણાવ્યું કે, ‘૪૦ એકરનું આ કેમ્પસ માત્ર દર્દીઓ માટે જ નહીં, પરંતુ નાના પ્રાણીઓની સારવાર માટેની સુવિધા પણ ધરાવશે.’

દીનાનાથ મંગેશકર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (Deenanath Mangeshkar Hospital and Research Center)ના મેડિકલ ડાયરેક્ટર ડો. ધનંજય કેલકર (Dr. Dhananjay Kelkar)એ આ વિશે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, ‘અમે લતા-આશા મંગેશકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માટે ૪૦ એકર જમીન સંપાદિત કરી છે, જ્યાં વિવિધ સંસ્થાઓ એક સંકલિત ઇકોસિસ્ટમ તરીકે સાથે મળીને કામ કરશે. પ્રથમ તબક્કામાં ૨૨.૫ લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ થશે, જેમાં ૧૦૦૦ બેડની સર્જિકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હશે. આ દેશની સૌથી આધુનિક સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલોમાંની એક હશે.’

લતા મંગેશકર અને આશા ભોસલે ભારતીય સંગીતના સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રહ્યા છે. તેમના સંયુક્ત નામની આ સંસ્થા તેમની સેવા, કરુણા અને હીલિંગના વારસાને આગળ ધપાવશે.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 02:03 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK