હું ઘરે સાત વાગ્યે પહોંચીશ આ ઇન્ફર્મેશન છે, જ્યારે તારી અમુક વાતો મને દુખી કરે છે એ કમ્યુનિકેશન છે
તસવીર સૌજન્ય : એ.આઈ
એ મિત્રતા હોય કે પ્રેમ, સ્નેહીઓ હોય કે કુટુંબીજનો, કોઈ પણ સંબંધનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા કમ્યુનિકેશન જરૂરી છે. વ્યવસાયિક હોય કે વ્યક્તિગત, મોટા ભાગના સંબંધો સંચાર કે સંદેશાવ્યવહાર પર ટકેલા છે. ‘બાત કરને સે હી બાત બનતી હૈ’ એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી એ વાત પણ છે કે મિસકમ્યુનિકેશન કે ગેરસમજણને કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. જ્યૉર્જ બર્નાર્ડ શોનું એક અદ્ભુત વિધાન છે, ‘કમ્યુનિકેશનની સૌથી મોટી સમસ્યા એ છે કે તમને એવો ભ્રમ રહ્યા કરે છે કે એ થઈ ચૂક્યું છે.’
ફોન કે મેસેજ પર આપણે જે કહ્યું છે એવું અને એટલું જ સામે રિસીવ થયું હોય એ જરૂરી નથી. રિસીવરના મન સુધી પહોંચવાની પવિત્ર યાત્રામાં નીકળેલા આપણા શબ્દો, વાક્યો કે સંદેશાઓ ક્યારેક માર્ગમાં એટલા બદલાઈ જાય છે કે તદ્દન નવો જ અર્થ ધારણ કરીને સામે છેડે પહોંચે છે. તો ગેરસમજણ અટકાવવા શું કરવું?
ADVERTISEMENT
લેટ્સ ફેસ ઇટ! અત્યારના સમયમાં આપણું મોટા ભાગનું કમ્યુનિકેશન ‘લિખિત શબ્દો’ દ્વારા થતું હોય છે. વૉટ્સઍપ, મેસેન્જર, SMS કે ઈ-મેઇલ. આપણી વાતચીતનો મોટા ભાગનો આધાર ‘Text’ કરેલા શબ્દો અને ઇમોજિસ પર રહેલો હોય છે. ખોટી જોડણી, ખામીયુક્ત વ્યાકરણ, તદ્દન ખોટા સ્પેલિંગ્સ કે શબ્દોની અયોગ્ય પસંદગી જેવા ‘સંચાર અપરાધો’ (કમ્યુનિકેશન ક્રાઇમ્સ)ને માફ કરીએ તો પણ આપણી વાત ક્યારેય એના મૂળ સ્વરૂપમાં સામે સુધી નથી પહોંચતી. આ સંદર્ભમાં કમ્યુનિકેશન એક્સપર્ટ, રિલેશનશિપ કોચ અને લેખક તારા બ્લેર બૉલની એક અદ્ભુત સલાહ આપણને સહુને કામ લાગે એવી છે. તેઓ કહે છે, ‘બને ત્યાં સુધી ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ માહિતી આપવા માટે કરો, વાતચીત માટે નહીં.’ Use text only for information, not for communication. આનો અર્થ શું થાય?
‘હું ઘરે સાત વાગ્યે પહોંચીશ’ આ ઇન્ફર્મેશન છે, જ્યારે ‘તારી અમુક વાતો મને દુખી કરે છે’ એ કમ્યુનિકેશન છે. એવી જ રીતે ‘સાંજે કૉફી શૉપમાં મળીએ’, ‘ઘરે આવ ત્યારે ફલાણું લેતો આવજે’, ‘આજનું ડિનર સ્વાદિષ્ટ હતું’ આ બધી ઇન્ફર્મેશન છે. એની સામે, ‘તારો મૂડ કેમ સારો નથી?’, ‘તને ખરાબ લાગ્યું છે?’ જેવાં વિધાનો કમ્યુનિકેશન છે. જો આપણે માહિતી અને સંચાર વચ્ચેનો ભેદ પારખી શકીએ તો ગેરસમજણો અટકાવી શકીએ. જ્યારે પણ આપણે લિખિત શબ્દો કે ટેક્સ્ટ મેસેજ દ્વારા કશુંક કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એમાં અર્થવિલોપન થાય છે. મૂળ અર્થ ઘસાતો જાય છે કે નાશ પામે છે. જ્યારે પણ કોઈ નાજુક, ગંભીર, સંવેદનશીલ કે અગત્યની વાત કરવી હોય ત્યારે એ વાતચીત મેસેજ પર કરવા કરતાં રૂબરૂમાં કરવી. સામસામે બેસી એકબીજાની આંખોમાં આંખો નાખીને. એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે.
UCLA પ્રોફેસર આલ્બર્ટ મેહરાબીઅનના સંશોધન પ્રમાણે આપણી વચ્ચે કમ્યુનિકેશન થાય ત્યારે ‘શબ્દો’ ફક્ત ૭ ટકાનો ભાગ ભજવે છે. આપણું ૩૮ ટકા કમ્યુનિકેશન અવાજના ટોન, પિચ અને વક્તૃત્વશૈલીથી થતું હોય છે; પણ એ પર્યાપ્ત નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણું પપ ટકા કૉમ્યુનિકેશન, આપણા હાવભાવ, બોડી લૅન્ગ્વેજ અને આંખોથી થતું હોય છે. માય ડિયર ફ્રેન્ડ, એટલે મળવું જરૂરી છે. રૂબરૂમાં જે સ્પષ્ટતા થાય છે એવી કમ્યુનિકેશન ક્લૅરિટી ઑડિયો—વિડિયો કૉલ્સ કે મેસેજિસમાં ક્યારેય નથી આવતી.
‘મને કોઈ પ્રૉબ્લેમ નથી’ એવું કહેતી વખતે જો સામેવાળી વ્યક્તિની આંખો નમેલી અને અદબ વળેલી હોય તો ક્લિયર છે કે તેમની બૉડી-લૅન્ગ્વેજ તેમણે કહેલા શબ્દો સાથે મૅચ નથી થતી. ભાષા કરતાં ભાવ અને આંખો અનેકગણું વધારે કમ્યુનિકેટ કરે છે. ઇન ફૅક્ટ, આપણો ભાવ અન્ય સુધી પહોંચાડવામાં સૌથી મોટો અવરોધ જ ભાષાનો છે! ક્યારેક ફક્ત કોઈની મૌન હાજરી જ શબ્દો કરતાં વધારે વાચાળ બની રહે છે. હજારો કે લાખો શબ્દો જે કામ નથી કરી શકતા એ જ કામ બોલકી આંખો, પ્રેમાળ સ્પર્શ, ટાઇટ હગ કે એક ચુંબન કેટલી સરળતાથી કરી દેતાં હોય છે. ટેક્નૉલૉજી ગમેતેટલી આગળ વધે, એ આંખો અને સ્પર્શથી થતા હ્યુમન કનેક્શનને ક્યારેય રિપ્લેસ નહીં
કરી શકે.
તો જ્યારે પણ એવું લાગે કે ભલે અજાણતામાં જ, પરંતુ તમે કરેલા ટેક્સ્ટ મેસેજ દ્વારા ગેરસમજણોનાં બીજ રોપાયાં છે તો તરત જ એનાથી ઉપરના સંચાર માધ્યમનો સહારો લેવો. ફોન કરો, વિડિયો કૉલ કરો, વૉઇસ મેસેજ છોડો અથવા સંચાર માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ, રૂબરૂ મુલાકાત લો. આ જ સંદર્ભમાં ખલીલ જિબ્રાનની એક અદ્ભુત વાત જેમની તેમ રજૂ કરું છું. ‘Between what is said and not meant, and meant and not said, most of love is lost.’
અર્થાત્ આપણા દ્વારા બોલાયેલી અને તેમના દ્વારા સમજાયેલી વાતોમાં જે અંતર રહેલું છે, એ અંતરમાં ક્યાંક પ્રેમ ખોવાઈ જાય છે. આ અંતર ઘટાડવાનો એક જ રસ્તો છે, યોગ્ય કમ્યુનિકેશન. આપણા સંચાર નેટવર્કની CEO આપણી આંખો અને હથેળીઓ છે, ટેક્નૉલૉજી નહીં કારણ કે ટેક્નૉલૉજી ફક્ત માહિતી પહોંચાડી શકે, ભાવ નહીં. પ્રિયજનો સુધી આપણો ભાવ પહોંચાડવા માટે તો આપણે રૂબરૂ જ જવું પડે.

