કુદરતી આફતો અને માનવસર્જિત આપત્તિના સમયે જાનહાનિ ન થાય અને લોકો તેમનો જીવ બચાવી શકે એ માટે પગલું લેવાયું
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લો આદિવાસી અને ગ્રામીણ જિલ્લો છે. કુદરતી આફતો અને માનવસર્જિત આપત્તિના સમયે જાનહાનિ ન થાય અને લોકો તેમનો જીવ બચાવી શકે એ માટે જિલ્લાની ૨૫૯ ગ્રામપંચાયતોને સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા ડિઝૅસ્ટર રિસ્પૉન્સ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કિટમાં ફર્સ્ટ એઇડ બૉક્સ, ફ્લોટિંગ અને ફોલ્ડ કરી શકાય એવાં લાર્જ અને મિડિયમ સાઇઝનાં સ્ટ્રેચર, લાઇફ જૅકેટ, હેલ્મેટ, ગમબૂટ, હૅન્ડગ્લવ્ઝ, સેફ્ટી નેટ અને અન્ય આઇટમો સાથે ૩૦ ફુટ લાંબો રૅપલિંગ રોપ પણ છે. પાલઘર જિલ્લાનાં નવાં જ નિમાયેલાં કલેક્ટર ઇન્દુરાણી જાખડે કહ્યું હતું કે ‘કોઈ જગ્યાએ હોનારત થઈ હોય તો આ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ કિટનો ઉપયોગ કરીને જાનમાલની રક્ષા કરી શકાશે. ખાસ કરીને એવા વખતે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રેસ્ક્યુ કે ડિઝૅસ્ટરની ટીમ પહોંચે એમાં સમય લાગી શકે. એથી એવા વખતે ગામના લોકો જ આ કિટનો ઉપયોગ કરીને એ મદદ મળે એ પહેલાં લોકોને બચાવવાના પ્રયાસ કરી શકે.’

