છેતરપિંડીનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ ચાલુ કરી છે. જોકે હજી આરોપી શરદ હેગડેની ધરપકડ કરવામાં આવી નથી.
પ્રતીકાત્મક તસવીર
ડૉક્ટરોની કૉન્ફરન્સમાં એક ગઠિયાએ હાજરી આપીને તેમને સસ્તામાં ફૉરેન-ટ્રિપની લાલચ આપતાં ડૉક્ટરો છેતરાયા હતા અને ડૉક્ટરોએ તેના કહેવા પ્રમાણે અઝરબૈજાનમાં આવેલી બાકુની ટ્રિપ માટે તેની પાસે નોંધણી કરાવી હતી. તે ગઠિયો તેમને ટ્રિપ પર પણ નહોતો લઈ ગયો અને પૈસા પણ પાછા ન આપતાં આખરે ડૉક્ટરોએ આ સંદર્ભે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. દાદર પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.
છેતરપિંડીના આ કેસ વિશે વિગતો આપતાં એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘પવઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં નવેમ્બર મહિનામાં ધ ફેડરેશન ઑફ ઑબસ્ટેટ્રિક ઍન્ડ ગાયનેકોલૉજિકલ સોસાયટીઝ ઑફ ઇન્ડિયા (FOGSI)ની કૉન્ફરન્સ હતી, જેમાં ઇવેન્ટ-મૅનેજમેન્ટનું કામ કરતા શરદ હેગડેએ તેમનો સંપર્ક કરીને કહ્યું હતું કે તે ડૉક્ટરો માટે વિદેશમાં કૉન્ફરન્સ પણ યોજે છે
અને ડૉક્ટરો અને તેમના પરિવાર માટે ફૉરેન-ટ્રિપ પણ વાજબી દરે ગોઠવી આપે છે. એથી ડૉક્ટરોએ એમાં રસ દાખવતાં તેણે ડૉક્ટરોનું વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું હતું. એ પછી અઝરબૈજાનના બાકુમાં મે મહિનાની ૧૮થી ૨૪ તારીખ દરમ્યાન ટ્રિપ લઈ જવાનું નક્કી થયું હતું. એ માટે શરદ હેગડેએ વ્યક્તિદીઠ ૧.૫ લાખ રૂપિયાનું પૅકેજ આપ્યું હતું જેમાં વીઝા ચાર્જિસ, ટ્રાવેલ એક્સ્પેન્સિસ, લૉજિંગ અને બોર્ડિંગનો સમાવેશ હતો. તેની એ ઑફર જોઈને કુલ ૮૮ ડૉક્ટરોએ એ ટ્રિપ માટે હા પાડી હતી. ત્યાર બાદ તેમણે શરદ હેગડેની કંપનીમાં એ માટે પેમેન્ટ પણ કર્યું હતું. કુલ મળી ૨.૧૪ કરોડ રૂપિયા ડૉક્ટરોએ જમા કરાવ્યા હતા. શરદ હેગડેએ તેમને આ પેમેન્ટની સામે રિસીટ પણ આપી હતી.’
ADVERTISEMENT
ડૉક્ટરોને કઈ રીતે છેતરવામાં આવ્યા એ વિશે જણાવતાં ઑફિસરે વધુમાં કહ્યું હતું કે ‘શરદ હેગડેએ ત્યાર બાદ ૭ એપ્રિલે તેમના વૉટ્સઍપ ગ્રુપ પર મેસેજ મૂક્યો હતો કે કેટલાક ડૉક્ટરોએ લેટ પેમેન્ટ કર્યું હતું એટલે તેમની ટ્રિપની વ્યવસ્થા નથી થઈ શકી, તેમને પૈસા પાછા આપી દેવામાં આવશે. એ પછી શરદ હેગડેએ કેટલાક ડૉક્ટરોને ૧૩.૧૦ લાખ રૂપિયા પાછા આપ્યા હતા. જોકે બાકીના ૭૨ ડૉક્ટરોના અંદાજે બે કરોડ રૂપિયા તેણે પાછા આપ્યા નહોતા અને એ રકમ તે ચાંઉ કરી ગયો હતો. ડૉક્ટરોએ જ્યારે તેની પાસે વારંવાર માગણી કરવા છતાં પૈસા પાછા ન મળ્યા ત્યારે તેમણે દાદર પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી. અમે છેતરપિંડીનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ ચાલુ કરી છે. જોકે હજી આરોપી શરદ હેગડેની ધરપકડ કરવામાં આવી નથી.’

