દિવસ સારો જાય એ માટે હિંમતદાદાનાં ધર્મપત્ની શાંતિકાકી રોજ જાગતાંવેંત ઠાકોરજીનાં દર્શન કરે, પણ એક દિવસ તેમણે જોયું કે ઠાકોરજી અવળા ઊભા હતા તો કાકીએ ઠાકોરજીને પૂછ્યું ને ઠાકોરજીએ કાકીને આ જવાબ દીધો
પ્રતીકાત્મક તસવીર
અમારા હિંમતદાદાનાં ધર્મપત્ની શાંતિકાકીએ ખૂબ સત્સંગ કર્યો. ઠાકોરજીની સામે કાકી સૌથી વહેલાં ને પહેલાં સત્સંગ માટે પહોંચી જાય. પૂજારી હજી તો પડદો ઉઘાડે ત્યાં તેને શાંતિકાકીનાં દર્શન સૌથી પહેલાં થાય. શાંતિકાકી પાછાં પોતાના બોખા સ્વરમાં ઠાકોરજીને કહે પણ ખરાં, ‘ઠાકોરજી, તારાં દર્શન કરું ને મારો દિવસ સારો જાય!’ એક મહિનો આ ક્રમ રેગ્યુલર ચાલ્યો. શાંતિકાકીએ એક પણ રજા પાડ્યા વગર નિત્યક્રમ જાળવી રાખ્યો. છેલ્લા દિવસે સવારે મંગળાનાં દર્શન જેવાં ખૂલ્યાં કે ઠાકોરજી મોઢું ફેરવીને ઊભા’તા! પૂજારીનું દિમાગ ઘૂમી ગ્યું. અફરાતફરી મચી ગઈ.
શાંતિકાકીએ પણ તરત ટેન્શનમાં પૂછી લીધું, ‘કેમ ઠાકોરજીએ આજે મોઢું ફેરવ્યું? તમારાં દર્શન કરું ને મારો આખો દિવસ સારો જાય છે.’
ADVERTISEMENT
ઠાકોરજીએ જવાબ દીધો, ‘બધું સાચું કાકી, પણ કોક દી મારેય દિવસ સારો કાઢવો હોયને!’
મૉરલ ઑફ ધ સ્ટોરી : ભગવાનના દી બગાડી નાખે એવા માણસો પાકવા માંડ્યા છે. બી અલર્ટ, ચાલો કૈંક એવું જીવન જીવવાની શરૂઆત કરીએ કે ઈશ્વરને સ્વર્ગ છોડીને માણસો ભેગું રહેવાનું અને જીવવાનું મન થાય. આપણી અઢળક પ્રાર્થનાથી તો તે નથી આવતો, ચિત્કારો અને ચીસોથી તો તે પણ નથી પીગળતો. તે ચાહે છે એમ કદાચ આપણે જીવવા લાગીએ તો તે આપણા ગુના માફ કરી દે.
બાકી આ રહ્યા અમારા હિંમતદાદા. એક દી સવારના પો’રમાં છાપું વાંચીને આંસુડાં સારતા ઓટલે બેઠા’તા. હું સ્કૂલમાં જવા નીકળ્યો. મારાથી પૂછાઈ ગ્યું...
‘કાં દાદા, કુટુંબમાં કોઈ ઊકલી ગ્યું? કેમ રડો છો?’
મારા દાદાની તો તમને ખબર જ છે, જવાબ દીધે શૂરાપૂરા.
‘ના રે ના સાંઈ, મહિલામંડળની બસ ખાઈમાં પડી એ ન્યુઝ વાંચીને રડું છું. બિચાડી મિની બસમાં બેઠેલી સત્તરેસત્તર વૃદ્ધ મહિલાઓ ત્યાં જ મૃત્યુ પામી.’
મનમાં સહેજે સવાલ થાય એ મારા હોઠે આવી ગ્યો, ‘એમાં તમારું કોઈ સગું હતું?’
‘એનું તો રોણું આવે છે કે તારી કાકી એ બસમાં હોત તો?’ આંસુ લૂછતાં-લૂછતાં કાકા ક્યે, ‘ભાયડો પાછો લંડન ઊપડતને?! હે રામ...’
કાકાએ પોક મૂકી અને હું તેમનો જવાબ સાંભળીને સ્કૂલ ભેળો થઈ ગ્યો.
શાંતિકાકી જ્યારે-જ્યારે પ્રાર્થના કરે ત્યારે એમ બોલે કે ‘હે ઠાકોરજી, મને આ જનમે આપ્યો એનો એ જ પતિ સાત જનમ સુધી દેજે.’
એક દિવસ મેં પૂછ્યું, ‘કાકી, હજી તમે દાદાથી કંટાળ્યાં નથી
કે બીજા સાત જનમ રિપીટ
માગો છો?’
‘બેટા, એમાં મોટો ફાયદો છે. એક જનમમાં જેને તૈયા૨ કરીને આપણે જોઈએ એવો ઘાટ દઈ દીધો હોય તો શું આવતા જનમે પાછી મહેનત નો કરવીને?!’
મારો ને કાકીનો આ વાર્તાલાપ હિમાદાદા સાંભળી ગ્યા ને તે સીધા મેદાનમાં કૂદ્યા.
‘સાંઈ, એમ કાંઈ ભગવાન બહેરો નથી. તે બે’ય પક્ષે સાંભળીને જ નિર્ણય લ્યે હોં!’
કાકીના લાલચોળ ચહેરાને જોઈને મેં નક્કી કર્યું કે આમાં પક્ષ કાકીનો લેવો પડે.
‘કાકા, સતી અનસૂયાએ જમરાજા પાસેથી પણ તેના પતિને છોડાવીને ફરી જીવતો કર્યો. મતલબ એ કે પત્નીથી તમને જમરાજા પણ છોડાવી ન શકે.’
આટલું કહીને મેં ભારતભરના પતિદેવો વતી એક હળવી ફૂલ કવિતા સંભળાવી...
પતિદેવો વ્યથિત વદને હવે આ વાત બોલે છે
કરેલાં કર્મની કથની આ પ્રત્યાઘાત બોલે છે!
મારું અંગત માનવું છે કે જેણે આપણી સગાઈ કરાવી હોય તે કાકા-મામા, ઈ પાડોશી કે પછી વૉટએવ૨, પહેલાં પાંચ વરસ તો આપણને એવા વહાલા લાગે છે કે વાહ, આ ફલાણાભાઈ કે બહેન ન હોત તો આપણું ઘર બંધાત જ નહીં. જોકે લગનનાં વીસ વરસ પછી ઈ જ સગાઈ કરાવનારા આપણને ઝેર જેવા લાગે છે કે આણે જ મારો પગ આ ભેંસના શિંગડામાં નખાવ્યો. દરેક પુરુષ ચેક કરી લ્યે, પોતાની સગાઈ કરાવનારાનું વર્તમાન સ્ટેટસ ક્યાં છે?
હું બોલું તોય બોલે છે, ન બોલું તોય બોલે છે
દિવસે હું મૌન પાળું તો એ આખી રાત બોલે છે
એક બહુ જૂની જોક છે. એક ભાઈ રાતે શું કામ બબડતા હતા? કારણ કે તેને તેની વાઇફને લીધે દિવસે બોલવાનો મોકો જ નહોતો મળતો.
હિંમતદાદા કાકી ઉપર ખિજાણા કે લગનને આટલાં વરસ થ્યાં, તેં કોઈ દી મને વાલથી જમાડ્યો નથી! બીજે દી શાંતિકાકીએ જમવાનું બનાવ્યું અને થાળી હિંમતદાદાની સામે મૂકીને બોલ્યાં, ‘લ્યો સ્વામીનાથ, આ વાલ... હવે રાજી?’
હિંમતદાદાની થાળીમાં વાલનું શાક હતું.
ગઝલ લખવા હું બેઠો’તો ને સાસુમા પધાર્યાં ત્યાં
હઝલ થઈ ગઈ વ્યથા મારી, આ ઝંઝાવાત બોલે છે..!
દરેકના ઘરમાં સાસુ એક ખતરનાક વિલનના પાત્રમાં જ હોય છે. મારા એક મિત્રે મને એક દી કહેલું કે સીતામાતા વનમાં રામ સાથે ચાલ્યાં ગયાં એનું કારણ કદાચ એ જ હશે કે ઘ૨માં ૧૪ વરસ ત્રણ-ત્રણ સાસુઓ સાથે રહેવું એના કરતાં તો જંગલમાં પતિ સાથે ભટકવું સારું! મેં કહ્યું કે એવું નથી, પૂજ્ય મોરારીબાપુ ખૂબ સરસ દૃષ્ટાંત આપે છે કે સીતાએ રામનો સાથ જંગલ ભણી ન દીધો હોતને તો આ દેશની કોઈ પણ અર્ધાંગના તેના પતિના કપરા સમયમાં તેને સાથ ન આપત. જાનકીએ તો દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોકે અટાણે તો હવે આજુબાજુ એવા પ્રસંગો જોવા મળે છે કે પતિદેવ શૅરબજા૨માં ડૂબી જાય એટલે પત્ની બીજે દી સામાન લઈને રફુચક્કર થાય.
હાલો હવે તમે’ય ઊપડો! આટલું જ કાફી છે! જય છટકેશ!

