પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ એક એવી બીમારી છે જેમાં સ્ત્રીઓના અંડાશયમાં ઘણાબધા સીસ્ટ એટલે કે રસોળી ટાઇપના બબલ્સ કે ફોલ્લાઓ થઈ જાય છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આમ જોવા જઈએ તો આજકાલ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગોનો જમાનો છે એટલે કે આપણી બદલાતી જતી લાઇફસ્ટાઇલને કારણે આપણા શરીરમાં ઉત્પન્ન થતા પ્રૉબ્લેમ્સ દિવસે નહીંને રાત્રે વધતા જ ચાલ્યા છે. બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, અસ્થમા, હાર્ટ-પ્રૉબ્લેમ્સ જેવા રોગોનું વધતું પ્રમાણ આપણી આજની લાઇફસ્ટાઇલને આભારી છે. એમાં એક વધારાનું નામ ઉમેરવું હોય તો પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમને આપી શકાય. સ્ત્રીઓની રીપ્રોડક્ટિવ એજ એટલે કે ૨૦થી ૩૫ વર્ષની ઉંમર દરમ્યાન જોવા મળતો આ પ્રૉબ્લેમ અત્યારે ઘણો કૉમન થતો ચાલ્યો છે.
પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ એક એવી બીમારી છે જેમાં સ્ત્રીઓના અંડાશયમાં ઘણાબધા સીસ્ટ એટલે કે રસોળી ટાઇપના બબલ્સ કે ફોલ્લાઓ થઈ જાય છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ છે સ્ત્રીઓમાં થતું હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ. મોટા ભાગે ઓબીસ કે ઓવરવેઇટ સ્ત્રીઓને આ પ્રકારનો પ્રૉબ્લેમ થવાની શક્યતા વધુ રહે છે, પરંતુ જે સ્ત્રીઓ ઓબીસ કે ઓવરવેઇટ નથી તેઓ પણ આ રોગનો શિકાર બની શકે છે જેને કારણે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ઘણા પ્રૉબ્લેમ્સનો તેમણે સામનો કરવો પડતો હોય છે. છેલ્લાં ૧૦ વર્ષમાં આ રોગનું પ્રમાણ લગભગ બેવડાઈ ગયું છે. વળી આ રોગ ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ પણ કહેવાય છે.
ADVERTISEMENT
પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની શરૂઆત મોટા ભાગની છોકરીઓમાં તેઓ જ્યારે પુખ્ત બને ત્યારથી જ થઈ જતી હોય છે જેમાં તેમનું માસિક ચક્ર અનિયમિત હોય છે. પછી જ્યારે તેમની રીપ્રોડક્ટિવ એજ ચાલુ થાય ત્યારે ધીમે-ધીમે લક્ષણો દેખાવા લાગે છે. સ્ત્રીને જ્યારે અચાનક જ દાઢી પર કે પ્રાઇવેટ પાર્ટ્સ પર વધુ પ્રમાણમાં હેર-ગ્રોથ થાય, વજન વધારે હોય કે એકદમ વધી જાય, બાળક માટે કોશિશ કરતા હોય પરંતુ સફળતા ન મળતી હોય ત્યારે ડૉક્ટર તેની અમુક ટેસ્ટ કરાવે છે જેનાથી અમુક લક્ષણો સામે આવે છે - જેમ કે તેનામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થયું હોય કે બ્લડ-પ્રેશર વધી ગયું હોય કે કૉલેસ્ટરોલનું લેવલ વધારે હોય અને એની સાથે-સાથે અંડાશયમાં વધુ પ્રમાણમાં ફોલ્લીઓ હોય. આ બધાં લક્ષણો કદાચ હોય અને કદાચ ન પણ હોય, પરંતુ મુખ્ય લક્ષણ તો એ જ છે કે આ રોગમાં સ્ત્રીનું માસિક ક્યારેય નિયમિત હોતું નથી. સ્ત્રીઓની રીપ્રોડક્ટિવ એજમાં એટલે કે ૨૦થી ૩૫ વર્ષની ઉંમરમાં વધુ પડતું સ્ટ્રેસ તેના માટે ઘણું જ નુકસાનદાયક હોય છે. ખાસ કરીને વર્કિંગ વુમને પોતાના સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખવું ખૂબ જરૂરી છે. આ રોગ એક વખત કાબૂમાં આવે અને પછી સ્ત્રી પ્રેગ્નન્ટ થાય ત્યાર બાદ ફરી પાછો આવવાની શક્યતા ઓછી છે, પરંતુ જો ફરી એ જ જૂની લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો એ પાછો પણ ફરી શકે છે એટલે સાવચેતી અનિવાર્ય છે.


