Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સંબંધોમાં કમ્યુનિકેશન ઇઝ ધ કી, પણ થોડા જૅપનીઝ ટ‍્વિસ્ટ સાથે

સંબંધોમાં કમ્યુનિકેશન ઇઝ ધ કી, પણ થોડા જૅપનીઝ ટ‍્વિસ્ટ સાથે

Published : 01 October, 2026 11:12 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

લાંબા, સુખી અને સમજણભર્યા સંબંધો માટે કમ્યુનિકેશન જ હર મર્ઝ કી દવા છે. જોકે જૅપનીઝ થેરપિસ્ટો કમ્યુનિકેશન માટે ‘મા’ થેરપી વાપરે છે. એમાં પણ કમ્યુનિકેશન જ મહત્ત્વનું છે. માત્ર ક્યારે કમ્યુનિકેટ કરવું એ બદલાઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંબંધોમાં તનાવ ઘણી વાર મતભેદને કારણે નહીં પરંતુ એ સમયે આપણે આપેલી પ્રતિક્રિયાને કારણે વધે છે. કોઈ વાત ન ગમે કે મતભેદ થાય ત્યારે ગુસ્સામાં બોલાયેલા શબ્દો વાતને ઉકેલવાને બદલે વધુ ગૂંચવી શકે છે અને એકબીજાને વધુ દુઃખ પહોંચાડી શકે છે. ‘મા’ તરીકે પ્રચલિત જૅપનીઝ કન્સેપ્ટ આમાં બહુ કામ લાગી શકે. આ વિચાર વ્યક્તિને થોડો વિરામ લેવાનું શીખવે છે. ગરમાગરમીની મોમેન્ટ વખતે થોડો પૉઝ લઈ લેવાથી મન અને શરીર શાંત થાય છે અને પછી વાતચીત વધુ સમજણથી થઈ શકે છે. શાંત થયા પછી આપણે માત્ર પોતાની વાત કહેતા નથી, પરંતુ સામેની વ્યક્તિને સાંભળી અને સમજી પણ શકીએ છીએ. સંબંધોમાં આ થોડો વિરામ ખરેખર કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ ચાલો જાણીએ સાઇકોથેરપિસ્ટ અને માઇન્ડ બી ક્લિનિકનાં ફાઉન્ડર નિધિ શાહ પાસેથી.

દરેક વાતનો તરત ઉકેલ લાવવો જરૂરી નથી
મુદ્દો ઊભો થાય એટલે તરત એનો ઉકેલ લાવવો જ જોઈએ એવું જરૂરી નથી. ક્યારેક થોડો વિરામ લેવાથી વ્યક્તિ પોતાની સાથે બનેલી ઘટનાને સમજી શકે છે. ગુસ્સો કે દુઃખ હોય ત્યારે આપણે એ ક્ષણે પ્રતિક્રિયા આપીએ છીએ, પણ શાંત થયા પછી આપણે એ વાત કદાચ અલગ રીતે કરવા માગતા હોઈએ. આવા સમયે થોડો વિરામ લેવાનો અર્થ સંબંધમાંથી ભાગી જવું નથી. ઊલટું એ પ્રતિક્રિયા આપવાને બદલે સમજી-વિચારીને જવાબ આપવાની પસંદગી હોઈ શકે છે. સંબંધોમાં સમસ્યા ઘણી વાર માત્ર મતભેદથી નથી વધતી, મતભેદ વખતે આપણે કેવી રીતે વર્તીએ છીએ એનાથી વધે છે. કોઈ વાતથી ગુસ્સો આવે એ સ્વાભાવિક છે, પરંતુ એ ગુસ્સામાં બૂમો પાડવી, અપમાન કરવું કે સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડવું યોગ્ય નથી. લાગણી સાચી હોઈ શકે, પરંતુ એ લાગણીમાંથી થતી દરેક વર્તણૂક યોગ્ય હોય એવું જરૂરી નથી.



મતભેદ વખતે શરીર સતર્ક થઈ જાય છે
મતભેદ કે ઝઘડાની ક્ષણે માત્ર મન પર જ નહીં, શરીર પર પણ અસર થાય છે. વ્યક્તિ ગુસ્સામાં, ડરી ગયેલી કે ખૂબ જ ભાવનાત્મક સ્થિતિમાં હોય ત્યારે શરીર સતર્ક સ્થિતિમાં જઈ શકે છે. હૃદયના ધબકારા વધી શકે છે, શ્વાસ ઝડપી કે છીછરો થઈ શકે છે અને કૉર્ટિઝોલ જેવાં તનાવ સાથે સંકળાયેલાં હૉર્મોન્સનું સ્તર વધી શકે છે. આવી સ્થિતિમાં મગજનું ધ્યાન સમસ્યાનો ઉકેલ શોધવા કરતાં પોતાનો બચાવ કરવા તરફ વધુ જઈ શકે છે. પરિણામે સામેની વ્યક્તિ શું કહે છે એ સમજવાની ક્ષમતા ઘટી શકે છે, અવાજનો ટોન કડક થઈ શકે છે અને વિચારીને બોલવાને બદલે તરત પ્રતિક્રિયા આપી શકે છે. એટલે ગુસ્સાની આ સ્થિતિમાં વાતને આગળ વધારવાને બદલે થોડો વિરામ લેવાથી શરીર અને મનને શાંત થવાની તક મળે છે. ત્યાર પછી એ જ વાત વધુ સ્પષ્ટ રીતે સાંભળવી, સમજવી અને કહેવી શક્ય બની શકે છે.


ગુસ્સાની નીચે બીજી કોઈ લાગણી પણ હોઈ શકે
ગુસ્સો ઘણી વખત બહાર દેખાતી લાગણી હોય છે, પરંતુ એની નીચે ડર પણ હોઈ શકે છે. વ્યક્તિને અસ્વીકારનો, છોડી દેવાનો, ગેરસમજ કે અનાદર થવાનો અથવા પોતે સામેની વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ નથી એવો ડર હોઈ શકે છે. વ્યક્તિને જ્યારે અંદરથી અસુરક્ષિત અથવા ખૂબ જ ભાવનાત્મક રીતે ભાર અનુભવાય ત્યારે નાની વાત પણ મોટી કે ધમકી જેવી લાગી શકે છે. પરિણામે કોઈ વ્યક્તિ બૂમો પાડે, પોતાનો બચાવ કરવા લાગે, વાતચીતમાંથી દૂર થઈ જાય કે એકદમ ચૂપ થઈ જાય. આવી સ્થિતિમાં વિરામ ઉપયોગી બની શકે છે, કારણ કે તે વ્યક્તિને પોતે શું અનુભવે છે અને ખરેખર શું કહેવા માગે છે એ સમજવાનો સમય આપે છે. લાગણીને દબાવવાની જરૂર નથી, પરંતુ એ લાગણીને કેવી રીતે વ્યક્ત કરવી એની જવાબદારી પોતાની રહે છે.

વિરામ અને ચુપકીદીનો ભેદ
અહીં એક મહત્ત્વનો ફરક સમજવો જરૂરી છે. થોડો સમય શાંત રહેવું અને સામેની વ્યક્તિને સજા આપવા માટે વાત બંધ કરી દેવી આ બન્ને એક જ વાત નથી. સ્વસ્થ વિરામમાં સ્પષ્ટતા હોય છે. જેમ કે ‘હું અત્યારે બહુ દુઃખી છું. મને થોડો સમય જોઈએ છે. આપણે આજે રાત્રે આ વિશે વાત કરીશું.’ આ વાક્યમાં થોડો સમય લેવાની વાત પણ છે અને સંબંધ જાળવી રાખવાની ખાતરી પણ. સામેની વ્યક્તિને ખબર છે કે વાત ટાળી નથી રહી અને સંબંધમાંથી જોડાણ તોડવાનો ઇરાદો નથી. બીજી તરફ સામેની વ્યક્તિને અનિશ્ચિતતામાં રાખવી અથવા વાત ન કરીને તેને સજા આપવી એ અલગ બાબત છે. આવી ચુપકીદી સામેની વ્યક્તિમાં અસુરક્ષા ઊભી કરી શકે છે. એટલે થોડો સમય માગતી વખતે પણ પ્રેમ અને સંબંધથી દૂર થવાની લાગણી ન આવે એ રીતે વાત કરવી જરૂરી છે. ‘હું તારી સાથે આ વાત કરવા માગું છું, પરંતુ અત્યારે આપણે બન્ને ગુસ્સામાં છીએ. થોડો સમય લઈએ અને આજે રાત્રે ફરી વાત કરીએ’ એવું કહી શકાય.


પૉઝ લીધા પછી શું કરવું?
વિરામ લીધા પછી આખો સમય સામેની વ્યક્તિએ શું ખોટું કહ્યું એની યાદી બનાવવામાં પસાર કરશો તો વિરામનો હેતુ જ ખોવાઈ જશે. એ સમય પોતાની લાગણીઓને શાંત કરવા માટે વાપરવો. ચાલવા જવું, શરીરને સ્ટ્રેચ કરવું, કસરત કરવી, નહાવું, સંગીત સાંભળવું, લખવું, ઊંઘ લેવી કે થોડો સમય શાંતિથી બેસવું મદદરૂપ બની શકે છે. પછી પોતાની જાતને કેટલાક સવાલ પૂછી શકાય. જેમ કે મને અત્યારે ખરેખર શું લાગી રહ્યું છે? મને આ વાતથી આટલી અસર કેમ થઈ? એ સમયે મને સામેની વ્યક્તિ પાસેથી ખરેખર શું જોઈતું હતું? શું હું અત્યારે જે કહેવા માગું છું એ સમસ્યાનો ઉકેલ લાવશે કે માત્ર મારો ગુસ્સો બહાર કાઢશે? મારી કઈ જરૂરિયાત કે અપેક્ષા પૂરી ન થઈ હોવાથી મને આટલું ખરાબ લાગ્યું? ક્યારેક ‘મને ગુસ્સો આવ્યો’ની પાછળ ‘મને અવગણવામાં આવ્યો હોય એવું લાગ્યું’ હોઈ શકે છે. ઈર્ષ્યાની પાછળ કોઈને ગુમાવવાનો ડર હોઈ શકે છે. વાતચીતમાંથી દૂર થવા પાછળ ‘હું આ સમયે ખૂબ જ ભાર અનુભવું છું’ એવી લાગણી હોઈ શકે છે એટલે વિરામ દરમ્યાન માત્ર ‘સામેવાળાએ શું ખોટું કર્યું?’ એ વિચારવાને બદલે ‘મારી અંદર શું થયું અને મને ખરેખર શું જોઈએ છે?’ એ સમજવું વધુ જરૂરી છે.

કેટલો સમય વિરામ લેવો?
આ માટે કોઈ એક ચોક્કસ સમય નક્કી કરી શકાય નહીં. કોઈ માટે ૨૦ મિનિટ પૂરતી હોઈ શકે, કોઈને થોડા કલાકો જોઈએ અને ક્યારેક રાતભર આરામ કરવો પણ મદદરૂપ થઈ શકે. અહીં એક બાબત જરૂરી છે અને એ છે ફરી ક્યારે વાત કરવી એ નક્કી કરવું. ‘આજે રાત્રે વાત કરીએ’ અથવા ‘કાલે સવારે આ મુદ્દે બેસીને વાત કરીશું’ એવું નક્કી કરવાથી વિરામ વાત ટાળવાનો રસ્તો બનતો નથી. જો મુશ્કેલ વાતચીત વારંવાર ટાળવામાં આવે અથવા ચુપકીદી દિવસો સુધી ચાલતી રહે તો એ વિરામ નહીં પરંતુ વાતથી બચવાનો રસ્તો બની શકે છે. વિરામનો હેતુ વાતચીતને થોડા સમય માટે પાછળ ધકેલવાનો છે, વાતચીતને જ ખતમ કરવાનો નથી.

પૉઝ લીધા પછી વાત આરંભો ત્યારે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા 
૧. જૂની વાતોની આખી યાદી લઈને બેસવાને બદલે સામેની વ્યક્તિને સમજવાની ભાવના સાથે વાત કરવી વધુ ઉપયોગી બની શકે છે. સામેવાળાએ એ સમયે શું અનુભવ્યું હશે? મારી કઈ વાત કે વર્તણૂકથી તેને દુઃખ થયું હશે? એ સમયે તેને મારી પાસેથી ખરેખર શું જોઈતું હતું? આવા સવાલો વાતચીતને ‘કોણ સાચું અને કોણ ખોટું’ એ સાબિત કરવાથી દૂર લઈ જઈને એકબીજાને સમજવામાં મદદ કરી શકે છે. 
૨. દરેક વાતમાં બન્ને સહમત થાય એ જરૂરી નથી. સામેની વ્યક્તિ જે અનુભવે છે એ સમજવા માટે તેની દરેક વાત સાથે સહમત થવું પણ જરૂરી નથી. તેની લાગણીને સાચી માનીને સાંભળવી અને એ લાગણી પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરવો એ અલગ બાબત છે. ક્યારેક આપણી દાનત ખરાબ ન હોય છતાં આપણી વાત કે વર્તણૂકથી જીવનસાથીને દુઃખ થઈ શકે છે. એટલે વાતચીતનો હેતુ પોતાની વાત સાચી સાબિત કરવાનો નહીં પરંતુ એકબીજાને શું લાગ્યું અને એકબીજાથી શું અપેક્ષા હતી એ સમજવાનો હોવો જોઈએ.
૩. સારા સંબંધનો અર્થ એવો નથી કે દંપતી ક્યારેય એકબીજાથી નારાજ નહીં થાય કે કોઈ વાતે મતભેદ નહીં થાય. વાત એ છે કે લાગણી આવે ત્યારે એની સાથે શું કરવું એ શીખવું. મારી લાગણી મહત્ત્વની છે અને સામેની વ્યક્તિની લાગણી પણ એટલી જ મહત્ત્વની છે. મારી મર્યાદાઓ જરૂરી છે અને સામેની વ્યક્તિની મર્યાદાઓ પણ. સ્વસ્થ સંબંધ માટે વાતચીત જરૂરી છે, પરંતુ વાતચીતનો અર્થ દરેક વાત તરત કરી નાખવી એવો નથી. ક્યારેક વધુ સારી વાતચીત માટે થોડો સમય લેવો જરૂરી બને છે, કારણ કે વિરામનો અર્થ સંબંધથી દૂર થવું નથી. ક્યારેક આ વિરામ જ એવી જગ્યા બનાવે છે જ્યાં બન્ને વ્યક્તિ એકબીજાને વધુ શાંતિથી સાંભળી અને સમજી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 11:12 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK