ભાઈંદરમાં રહેતાં બિરેન અને દિશા શાહ વચ્ચે પ્રેમ થયો ત્યારે તેમની વચ્ચેનો ૧૨ વર્ષનો એજ-ડિફરન્સ જરાય આડે ન આવ્યો. પારાવાર સંઘર્ષ અને કશમકશ વચ્ચે પણ એકબીજાનો સાથ ન છોડનારા આ કપલની લવસ્ટોરી અને લાઇફસ્ટોરી મજેદાર છે
૮ વર્ષનું લગ્નજીવન ધરાવતા આ કપલને ત્યાં ૪ વર્ષ પહેલાં એક દીકરીનો જન્મ થયો
પ્રેમ થવો અને થયેલા પ્રેમને નિભાવવો એ બે જુદી-જુદી બાબતો છે. દરેક વખતે પ્રેમ નિભાવી શકાય એવા અનુકૂળ સંજોગો હોતા નથી. છતાં એ તમામ પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રેમીઓ એકબીજાનો સાથ છેલ્લા શ્વાસ સુધી નિભાવવાનો સંકલ્પ કરતા હોય ત્યારે એક જુદી જ વ્યક્તિ બનીને નિખરતા હોય છે. સંબંધોનું એ ઊંડાણ તેમના જીવનને પ્રેમ, વિશ્વાસ અને સમર્પણથી છલોછલ કરી દેતું હોય છે. આવી પ્રેમકહાણીઓ અમરત્વને પામતી હોય છે. આજે એક એવી જ અનોખી પ્રેમકહાણી વિશે આપણે વાત કરવાના છીએ. ભાઈંદરમાં રહેતી એક જ જ્ઞાતિની બે વ્યક્તિ પરિચયમાં આવી. પહેલી જ નજરનો પ્રેમ હતો, પણ તેમની વચ્ચે ઉંમરનો ગૅપ બહુ મોટો વિલન બની ગયો. પરિવારની સહમતી નહોતી ત્યારે પરિવાર કે પ્રેમમાંથી કોને પસંદ કરવો એની કશમકશ શરૂ થઈ. છેલ્લે પ્રેમની જીત થઈ અને પાછળથી પરિવારને પણ આ પ્રેમની પાછળ રહેલી શુદ્ધતા પરખાઈ ગઈ અને અત્યારે બધાં જ સારાંવાનાં છે. બે પરિવારો વચ્ચે સંપ પણ છે. વાત ચાલી રહી છે બિરેન અને દિશા શાહની લવસ્ટોરીની.
સ્માઇલ પર ઓવારી ગયો
ADVERTISEMENT
દિશાનો ભાઈ મારો ખૂબ સારો મિત્ર હતો એમ જણાવતાં બિરેનભાઈ કહે છે, ‘એક વાર અનાયાસ તેણે જો મારી બહેને વેઇટલૉસ કર્યું છે એવી કોઈક વાત કરતાં-કરતાં તેની બહેનનો ફોટો દેખાડ્યો. અમે એક જ જ્ઞાતિના હતા, પણ ક્યારેય મેં મારા ફ્રેન્ડની બહેનને જોઈ નહોતી. એ ફોટોમાં તેના ચહેરાના સ્મિતમાં રહેલી નિર્દોષતાએ જાણે કે મારા પર એક જુદો જ પ્રભાવ પાડ્યો. એ સમયે મને તેના વિશે કંઈ ખબર નહોતી. જોકે જ્યારે પહેલી વાર હું દિશાને એક કૉમન સામાજિક પ્રોગ્રામમાં મળ્યો અને તેની સાથે વાતો કરી ત્યારે કોને ખબર લાગ્યું કે કંઈક તો કનેક્શન છે અમારી વચ્ચે.’
જાતને ટપારી હતી
બિરેનભાઈ પોતાના અંગત જીવનના કેટલાક કડવા અનુભવોને કારણે લગ્ન નથી કરવાં એવું મનોમન નક્કી કરીને બેઠા હતા અને એવા સમયે જ્યારે તેમને દિશા માટે કંઈક કૂણી લાગણી થઈ છે એવું થયું ત્યારે પણ એ સ્વીકાર્યું નહોતું. તેઓ કહે છે, ‘યસ, જાણે કે પૂર્વભવનો કોઈક સંબંધ હોય એવું પોતાપણું પહેલી જ વારમાં દિશા માટે ફીલ થયું હતું, પરંતુ મેં પોતે પણ એને સ્વીકારી નહોતું લીધું. મનમાં તો એમ જ હતું કે ભલે, આવું તો થાય, મારે કોઈ સંબંધમાં આગળ વધવું નથી. એમાં વળી ખબર પડી કે મારા કરતાં ઉંમરમાં પણ દિશા લગભગ ૧૨ વર્ષ નાની છે એ પછી તો મનને સાવ પાછું હટાવી લીધું હતું. જોકે પ્રકૃતિને કદાચ એ મંજૂર નહીં હોય. હું જેટલો તેનાથી દૂર જવાનો પ્રયાસ કરતો એટલી જ તીવ્રતા સાથે અમારા મળવાના વધુ પ્રસંગો બનવા માંડ્યા. મારા મનની લાગણીઓ આગળ ન વધે એ માટે હું સભાન હતો, પરંતુ કદાચ ત્યાં સુધીમાં દિશાના મનમાં પણ મારા માટે કંઈક એ જ પ્રકારની લાગણીઓ જન્મી ગઈ હશે. તેની મારી સાથેની વાતચીત વધી. અમારું મળવાનું ઓછું હતું, પણ ફોન પર દુનિયાભરની વાતચીતનો દોર ચાલતો. દરેક વખતે જાણે કે અમે એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ એવી જ ફીલ થતી હતી.’
દિશાએ પ્રપોઝ કર્યું
બિરેન પોતાનાથી ઉંમરમાં મોટા છે અને તેમના જીવનના તમામ પ્રસંગોથી પરિચિત હોવા છતાં તેણે બિરેનને જ લાઇફ-પાર્ટનર બનાવવાનો નિર્ણય કેવી રીતે લીધો અને પ્રપોઝ કરવાની પહેલ પણ પોતે જ કરી એ વિશે વાત કરતાં દિશા કહે છે, ‘હું બિરેનની મૅચ્યોરિટી, તેમની લોકોની સેવા કરવાની પ્રવૃત્તિ પર ઓવારી ગઈ હતી. મને લાઇફ-પાર્ટનર એવો જોઈતો હતો જે મને સમજી શકે, જે મારી નાદાનીઓનો રિસ્પેક્ટ કરે અને જેની સાથે હું પણ મૅચ્યોરિટીની દિશામાં સહજતા સાથે આગળ વધતી હોઉં. એક જ સમાજના હોવાથી તેમની તમામ બાબતોની તરત જ તપાસ કરી શકાય એમ હતી. જોકે મને ઉંમરને બાદ કરતાં ક્યાંય એવું કંઈ ન લાગ્યું જેમાં કોઈ પણ પેરન્ટ્સને પોતાની દીકરીના પાર્ટનર તરીકે વાંધો આવે. ઉંમર સામે મને કોઈ વાંધો નહોતો, કારણ કે મેં એવાં કેટલાંય કપલ જોયાં હતાં જેમાં ઉંમરનો ગૅપ તેમના રિલેશનને બહેતર બનાવતો હતો. પહેલાંના સમયમાં તો આમ પણ ઉંમરનો આવો ગૅપ જોવા મળતો. બિરેનનો સંકોચ મને સમજાતો હતો અને તેમનું મને અવૉઇડ કરવાનું આ કારણ પણ સમજાતું હતું એટલે મેં જ પહેલ કરી. મને ઉંમરનો આ ગૅપ જરાય મહત્ત્વનો નહોતો લાગતો એટલે એક દિવસ અમે બહાર ગયાં ત્યારે મેં જ તેમને સામેથી પ્રેમની રજૂઆત કરીને આપણે લગ્ન કરીએ તો? એવું પૂછી લીધું હતું. અફકોર્સ એ સમયે પણ તેમણે તો પહેલાં અમારી વાસ્તવિકતાઓ જ કહી. છેલ્લે જ્યારે હું અડગ છું એવું તેમને પાકું થયું ત્યારે તેમણે પોતાની ફીલિંગ્સ શૅર કરી હતી.’
પેરન્ટ્સનો વિરોધ
પોતાની દીકરી સારા ઘરમાં જાય એવું દરેક પેરન્ટ્સ ઇચ્છતા હોય અને બિરેનભાઈનું ઘર સારું જ મનાતું, પરંતુ ઉંમરમાં આવું અંતર તેમને સ્વીકાર્ય નહોતું. ઘરમાં વાત થઈ અને જ્યારે લાગ્યું કે પરિવાર નહીં માને ત્યારે કપલે કોર્ટમાં મૅરેજ કરી લીધાં. એ સમયે બિરેનભાઈની ઉંમર લગભગ ૩૬ વર્ષની અને દિશાની ઉંમર ૨૪ વર્ષની હતી. તેઓ કહે છે, ‘હું ડાયમન્ડનું કામ કરું છું અને દિશાનો ભાઈ પણ ડાયમન્ડમાં જ હતો. કોર્ટ-મૅરેજ થઈ ગયા પછી મેં મારા મિત્ર-કમ-સાળાને થોડીક પૂર્વભૂમિકા બાંધ્યા પછી કહ્યું કે અમે લગ્ન કરી લીધાં છે. ઘરે આ વાત કરવાનું કામ પણ તેણે જ કર્યું. લગ્ન પછી અમે બન્ને પોલીસ-સ્ટેશનમાં જઈને અમારાં આપસી સહમતીથી થયેલાં લગ્ન વિશે પોતે જ રજૂઆત કરી લીધી. પોલીસમાંથી તેના પેરન્ટ્સને ફોન ગયો અને અમારાં લગ્ન વિશે તેમને કહેવામાં આવ્યું. એ જ દિવસે અમે રાતે મુંબઈથી નીકળી ગયાં અને ગુજરાતમાં લગભગ એક મહિનો ફર્યાં. મારા મિત્રની ગાડી લઈને ગુજરાત-રાજસ્થાનનાં લગભગ બધાં જ જૈન તીર્થોની યાત્રા કરી હતી. મહિનાની ટ્રિપ પછી પાછાં ફર્યાં એ પછી ધીમે-ધીમે મામલો ઠંડો પડ્યો એટલે ફરી પરિવાર સાથે સેતુ બાંધવાના પ્રયાસ કર્યા અને લગભગ દોઢેક વર્ષમાં બન્ને પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો બની ગયા. આજે મારાં સાસુ-સસરા મારી સાથે પણ એટલાં જ જોડાયેલાં છે જેટલાં દિશા સાથે હોય.’
દીકરીનો જન્મ એક ચમત્કાર
૮ વર્ષનું લગ્નજીવન ધરાવતા આ કપલને ત્યાં ૪ વર્ષ પહેલાં એક દીકરીનો જન્મ થયો, જેનું આજે હોવું એ પણ એક ચમત્કારથી જરાય ઓછું નથી. ગઈ કાલે જ તેનો બર્થ-ડે ગયો એમ જણાવીને દિશા કહે છે, ‘અમારું લગ્નજીવન ખૂબ સરસ રીતે પસાર થયું છે અને આજે પણ મારા કરતાં દરેક બાબતમાં બિરેન વધુ એક્સાઇટેડ હોય છે. તેમને મારા કરતાં મને ફેરવવાનો, હું તૈયાર થઉં એનો, મારા માટે શૉપિંગ કરવાનો વધુ ક્રેઝ હોય છે. તેઓ સારી વ્યક્તિ તો છે જ, પણ બેસ્ટ હસબન્ડ અને શ્રેષ્ઠ ફાધર પણ છે. અફકોર્સ, જ્યારે મારી પ્રેગ્નન્સી હતી ત્યારે ત્રીજા મહિને જ ડૉક્ટરને રિપોર્ટમાં ગોટાળો લાગ્યો અને ગર્ભમાં રહેલા બાળકમાં ડિફેક્ટ હોઈ શકે એવાં લક્ષણો તેમને જણાઈ રહ્યાં હતાં. ડૉક્ટર તરફથી તો આ બાળક ન રાખવું જોઈએ એવું પણ કહી દેવામાં આવ્યું હતું, પરંતુ અમે નક્કી કર્યું કે જે પણ બાળક હશે તેને અમે રાખીશું. બહુબધા ડૉક્ટરોના ઓપિનિયન પછી પણ બધેથી જ નકારાત્મક જ ઓપિનિયન આવતો હતો ત્યારે મનોમન ખૂબ મંત્રજાપ, પ્રાર્થના, ગર્ભસંસ્કાર વગેરેની પ્રોસીજરમાં ગર્ભના બાળક સાથે અમે કમ્યુનિકેશનમાં રહ્યા. જ્યારે દીકરી લબ્ધિનો જન્મ થયો ત્યારે તે એકદમ નૉર્મલ હતી. સિઝેરિયન થયું, પ્રી-મૅચ્યોર બર્થ હતો. ડૉક્ટરનું માનવું હતું કે આઠથી ૧૦ દિવસ બાળકને કાચની પેટીમાં રાખવું પડે, પરંતુ બે જ દિવસમાં બાળક હેલ્ધી હોવાથી મારી સાથે હતું. અઠવાડિયામાં તો અમે બન્ને ડિસ્ચાર્જ થઈને ઘરે હતાં. આ મારા માટે જ નહીં પણ ડૉક્ટર માટે પણ મિરૅકલ હતું. આજે ૪ વર્ષની દીકરી ખૂબ જ ડાહી અને સમજુ છે. તેનું વજન વધી રહ્યું હતું જેને ડૉક્ટરે કન્ટ્રોલમાં રાખવાનું કહ્યું. અમે તેને સમજાવી અને ડૉક્ટરે કહ્યા મુજબની હેલ્ધી ડાયટ શરૂ કરી તો આજે તે જ એને સમજીને પાળી રહી છે. આટલી નાની દીકરી સામે ચૉકલેટ કે જન્ક-ફૂડ હોય તો પણ તે ઘરનું પૌષ્ટિક ખાવાનું પસંદ કરે છે, એ પણ માત્ર એક વાર સમજાવવાથી. ઉપરવાળાની કૃપા, વડીલોના આશીર્વાદ અને લોકોની દુઆનું જ પરિણામ છે કે આજે બધી બાજુથી ખૂબ જ મજાનું જીવન વીતી રહ્યું છે.’


