કપલ્સ એકબીજા સાથે વધુ ઊંડાણપૂર્વક કનેક્ટ થવા, નવી યાદો બનાવવા અને સંબંધોને પોષવા માટે પૉટરી-મેકિંગ, રેઝિન આર્ટ-મેકિંગ, ટી-શર્ટ ડાઇ જેવા ક્રીએટિવ અનુભવ સાથે સમય પસાર કરી શકે એવા પર્યાયો શહેરમાં વધતા જાય છે.
પૉટરી ડેટ
કપલ્સ એકબીજા સાથે વધુ ઊંડાણપૂર્વક કનેક્ટ થવા, નવી યાદો બનાવવા અને સંબંધોને પોષવા માટે પૉટરી-મેકિંગ, રેઝિન આર્ટ-મેકિંગ, ટી-શર્ટ ડાઇ જેવા ક્રીએટિવ અનુભવ સાથે સમય પસાર કરી શકે એવા પર્યાયો શહેરમાં વધતા જાય છે. આજે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે જાણીએ મુંબઈમાં ઊભરી રહેલા આ નવા અર્થપૂર્ણ ડેટિંગ ટ્રેન્ડ વિશે
એક સમયે વૅલેન્ટાઇન્સ ડે પર લાલ ગુલાબ, કૅન્ડલ લાઇટ ડિનર અને મૂવ ડેટ એ પ્રેમની અભિવ્યક્તિના પર્યાય હતા. આપણે ત્યાં આજે પણ આ રીતો પ્રચલિત છે પરંતુ બદલાતા સમય સાથે પ્રેમ વ્યક્ત કરવાની અને સંબંધોને ઊંડાણ આપવાની પદ્ધતિઓમાં પરિવર્તન આવ્યું છે. લકીલ કોઈ પણ બદલાવ મુંબઈમાં પહેલો દેખાવો શરૂ થતો હોય છે. આપણા શહેરના આધુનિક યુગનાં કપલ્સ હવે ચીલાચાલુ ડેટ છોડીને કંઈક વધુ યાદગાર, અર્થપૂર્ણ અને રોમાંચક અનુભવોની શોધમાં છે. તેઓ માત્ર એક દિવસની ઉજવણી કરવાને બદલે એવી પળો સર્જવા માગે છે જે તેમના સંબંધોને વધુ મજબૂત બનાવે અને લાંબા સમય સુધી યાદ રહે. મજાની વાત એ છે કે હવે એવા ઢગલાબંધ પર્યાયો આપણે ત્યાં ઊભા પણ થવા માંડ્યા છે. આજે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે જાણીએ કે મુંબઈનાં કપલ્સ કયા પ્રકારની નવી-નવી ડેટ્સ પર જવાનું પસંદ કરી રહ્યાં છે અને એ તેમના બૉન્ડને કઈ રીતે વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે એ વિશે જાણીએ.
કુકિંગ ડેટ અને હૅન્ડ કાસ્ટિંગ ડેટ
માટી અને મનનું જોડાણ
અંધેરીમાં ક્લેવર્ક્સ નામની પૉટરી વર્કશૉપ્સ ચલાવતાં અનુરી સબરવાલને ત્યાં ઘણા કપલ આવે છે. ડેટિંગમાં આવેલા આ બદલાવ પાછળનું કારણ શું છે અને કપલ્સની માનસિકતા કેવી રીતે બદલાઈ છે એ વિશે જણાવતાં તે કહે છે, ‘સામાન્ય રીતે આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે રેસ્ટોરાંમાં ભીડ હોય છે. આજુબાજુના ટેબલ પર લોકો હોય છે અને પ્રાઇવસીના નામે માત્ર એક ટેબલ મળે છે, પરંતુ ક્લેવર્ક સ્ટુડિયો જેવાં સ્થળોએ એક્સક્લુઝિવિટી પર ભાર મૂકવામાં આવે છે. અહીં એક સમયે એક જ કપલ માટે આખો સ્ટુડિયો ઉપલબ્ધ હોય છે. ફૂલોની સજાવટ અને સુંદર લાઇટિંગ સાથેનું પર્સનલ ડેટ સેટઅપ કપલને અહેસાસ કરાવે છે કે આ સમય અને આ જગ્યા માત્ર તેમના બન્ને માટે જ સર્જાયાં છે. ડિનર કે મૂવીમાં કપલ માત્ર સમય પસાર કરે છે, પણ અહીં તેઓ કંઈક નવું શીખે છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જ્યારે કપલ માટીને આકાર આપીને ફ્લાવર વાઝ, મગ કે પ્લેટ બનાવે છે ત્યારે તમને કંઈક નવું શીખ્યા હોવાનો ગર્વ થાય છે. માટી સાથે રમવું એ એક પ્રકારની થેરપી છે. જ્યારે કપલ્સ એકાંતમાં કંઈક નવું ટ્રાય કરે છે ત્યારે તેઓ વધુ શાંત અને રિલૅક્સ અનુભવે છે. માટીકામ કરતી વખતે કપલ્સ એકબીજાનો આત્મવિશ્વાસ વધારે છે. ‘તું આ સરસ કરી રહ્યો છે’ કે ‘જો આપણે આને આમ કરીએ તો?’ જેવી વાતો તેમના સંબંધોમાં પ્રોત્સાહન અને સહકાર વધારે છે. અહીં કપલના ફોન આપોઆપ સાઇડમાં મુકાઈ જાય છે. તેઓ ખરા અર્થમાં એકબીજા સાથે વાતો કરે છે, એકબીજાની આંખોમાં જુએ છે અને ડિજિટલ દુનિયાથી દૂર રહીને સાચો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે એટલું જ નહીં, કપલ જ્યારે સ્ટુડિયોમાંથી બહાર નીકળે છે ત્યારે તેમની પાસે માત્ર યાદો નહીં, સાથે મળીને બનાવેલી એ વસ્તુ પણ યાદગીરીરૂપે લઈ જાય છે. તેમણે સાથે મળીને બનાવેલો એ મગ કે પ્લેટ જ્યારે તેમના ઘરમાં હશે ત્યારે એ વર્ષો સુધી તેમને યાદ અપાવશે કે આ આપણે સાથે મળીને બનાવેલું. આ એક એવી ગિફ્ટછે જેની કોઈ કિંમત ન હોઈ શકે. અત્યારે સૌથી વધુ પૉટરી ડેટ જ ટ્રેન્ડમાં છે.’
સ્ટાર ગેઝિંગ ડેટ
ક્રીએટિવિટી અને કનેક્શન
માત્ર પૉટરી જ નહીં પણ બીજી ઘણી રીતે કપલ્સ એકબીજા સાથે બૉન્ડિંગ બનાવી રહ્યાં છે. ટી-શર્ટ ડાઇ, રેઝિન ક્લૉક ડેટ નાઇટ, વેડિંગ કાર્ડ પ્રિઝર્વેશન ડેટ, રગ મેકિંગ ડેટ નાઇટ, મૂન લૅમ્પ ડેટ, આર્ટ ડેટ નાઇટ, કલિનરી ડેટ નાઇટ, હૅન્ડ કાસ્ટિંગ વગેરે જેવી ૨૦ જેટલી અલગ-અલગ ડેટ્સ પ્રોવાઇડ કરતા ધ મિની ડેટનાં ફાઉન્ડર ફેની શેઠિયા અને કો-ફઉન્ડર ધ્યાન શાહ પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘આજની પેઢીનો ડેટિંગ પ્રત્યેનો દૃષ્ટિકોણ ધરખમ રીતે બદલાયો છે. પહેલાંના સમયમાં કપલ્સ ગાર્ડન, બીચ, મૂવી કે રેસ્ટોરાં જેવી મર્યાદિત જગ્યાઓએ જતાં, પણ આજના કપલ્સ એકબીજા સાથે ઊંડાણપૂર્વક કનેક્ટ થવા અને કંઈક નવું એક્સપ્લોર કરવા માગે છે. રિલેશનશિપનાં ત્રણ સ્ટેજ હોય છે. પહેલું ફ્રૂટફુલ સ્ટેજ હોય છે. આ સંબંધની શરૂઆતનો તબક્કો છે જ્યાં બધું જ નવું, ગુલાબી અને ઉત્સાહજનક હોય છે. કપલ્સ એકબીજાને જાણવાનો પ્રયત્ન કરે છે અને દરેક મુલાકાત યાદગાર લાગે છે. બીજો તબક્કો સ્વીકૃતિનો હોય છે. થોડો સમય વીત્યા પછી કપલ્સ એકબીજાની આદતો, ગમા-અણગમા અને ખામીઓને સમજતાં અને સ્વીકારતાં શીખે છે. આ સ્ટેજ પર સંબંધમાં વાસ્તવિકતા આવે છે. એ પછી આવે છે અનુભવ અને સાથનો તબક્કો. આ સૌથી મૅચ્યોર સ્ટેજ છે. અહીં કપલ્સ એકબીજાની સારી અને નરસી બન્ને બાજુઓ જોઈ ચૂક્યાં હોય છે અને સાથે મળીને જીવનમાં આગળ વધવાનું નક્કી કરી લીધું હોય છે. આ ત્રીજા તબક્કામાં સંબંધમાં તાજગી લાવવા માટે કપલ્સ નવી-નવી વસ્તુઓ ટ્રાય કરવા અને મળીને યાદગાર અનુભવો લેવા ઇચ્છે છે. એટલે તેઓ પૉટરી, પેઇન્ટિંગ, કુકિંગ જેવી ક્રીએટિવ ડેટ્સ તરફ વળ્યાં છે. અમારે ત્યાં આવી ૨૦ પ્રકારની ક્રીએટિવ ડેટ્સ છે. કુકિંગ ડેટ હોય તો ઘણાને એમ લાગે કે રસોઈ તો ઘરે પણ બનાવી શકાય, પણ કુકિંગ ડેટ્સનો કન્સેપ્ટ એવાં કપલ્સ માટે છે જેમણે હજી રિલેશનશિપ વિશે ઘરે વાત નથી કરી અથવા જેઓ એકબીજાના ઘરે જઈ શકતાં નથી. અહીં આવીને તેઓ મુક્ત મને સાથે મળીને કંઈક રાંધે છે, નવી આઇટમ્સ બનાવે છે અને સાથે ભોજન લે છે. આ પ્રક્રિયા તેમને બહાર જઈને માત્ર જમી લેવા કરતાં વધુ નજીક લાવે છે. અમારી પાસે એવાં કપલ્સ પણ આવે છે જેઓ તેમના પેરન્ટ્સ કે દાદા-દાદીને અહીં મોકલે છે, કારણ કે તેમના જમાનામાં આવો કોઈ કન્સેપ્ટ નહોતો.’
નેચર વચ્ચે રોમૅન્ટિક સાંજ
ઇન્ડોર ઍક્ટિવિટીઝ સિવાય ઘણાં કપલ્સને હવે શહેરના ઘોંઘાટથી દૂર પ્રકૃતિ અને આકાશની શાંતિમાં સમય વિતાવવો વધુ ગમે છે. આજકાલ કપલ્સ ટેન્ટ સ્ટે, લાઇવ મ્યુઝિક, બોનફાયર, બોટિંગ કે પછી સ્ટાર ગેઝિંગનો એક્સ્પીરિયન્સ લેવાનું પણ ખૂબ પસંદ કરે છે. હોરાઇઝન ઍસ્ટ્રોનોમિકલ સોસાયટીના ફાઉન્ડર અને સર્ટિફાઇડ ઍસ્ટ્રોનોમર મિહિર ગિલબિલે કહે છે, ‘સ્ટારગેઝિંગ માત્ર આકાશને જોવાની પ્રક્રિયા નથી પરંતુ કપલ્સ માટે એક અત્યંત ઊંડો અને ભાવનાત્મક અનુભવ છે. જ્યારે તમે શહેરના ઘોંઘાટથી દૂર, ખુલ્લા આકાશ નીચે હો છો ત્યારે એ તમારા સંબંધમાં સકારાત્મક ફેરફારો લાવે છે. શહેરી જીવનની ભાગદોડમાં કપલ્સ મોટા ભાગે વ્યવહારિક વાતોમાં અટવાયેલાં રહે છે, પરંતુ બ્રહ્માંડની વિશાળતા નીચે બેસીને કપલ્સ જીવનના ઉદ્દેશ્યો, અંગત સપનાંઓ અને એકબીજા સાથેના જીવનના લાંબા ગાળાના વિઝન વિશે મુક્ત મને ચર્ચા કરી શકે છે. આ શાંત વાતાવરણ તેમને એકબીજાના મનના ઊંડાણ સુધી પહોંચવાની અને પર્સનલ બૉન્ડિંગ મજબૂત કરવાની તક આપે છે. જ્યારે કપલ્સ સાથે મળીને આ અસીમ શાંતિનો અનુભવ કરે છે ત્યારે રોજિંદા જીવનનું સ્ટ્રેસ ઓગળી જાય છે. આ શાંતિ તેમના સંબંધમાં રહેલા નાના-મોટા ગેરસમજ કે તનાવને દૂર કરી મનમાં સુમેળ અને તાજગી ભરે છે. જ્યારે કપલ્સ ટેલિસ્કોપ દ્વારા લાખો-કરોડો તારાઓે નિહાળે છે ત્યારે તેમને સમજાય છે કે તેમની નાની-નાની તકરારો અને ફરિયાદો આ અનંત બ્રહ્માંડની સરખામણીમાં કેટલી નજીવી છે. આ અનુભવ તેમનામાં એકબીજા પ્રત્યે નમ્રતા અને સાથ માટે કૃતજ્ઞતા જગાડે છે. બ્રહ્માંડની આ વિશાળતા તેમને શીખવે છે કે પ્રેમ જ સૌથી મોટું અને સુંદર સત્ય છે. જનરલી અમે મુંબઈ નજીક આવેલા ભંડારદરા, વાંગણી જેવાં શાંત સ્થળોએ સ્ટારગેઝિંગ ઇવેન્ટ્સ કરીએ જ્યાં કપલ્સ લાર્જ ટેલિસ્કોપમાંથી સ્ટાર્સ, ગૅલેક્સી, પ્લૅનેટને નિહાળે છે. કપલ માટે બીજી પણ ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિઓ હોય છે જેમ કે ઍસ્ટ્રોફોટોગ્રાફી જેમાં તારાઓના સુંદર બૅકગ્રાઉન્ડ સાથે કપલ્સના ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં આવે. એ સિવાય લાઇવ પેઇન્ટિંગ હોય. કોઝી ટેન્ટ, ઈવનિંગ સ્નૅક્સ, ડિનર, મિડ નાઇટ ટી, બ્રેકફાસ્ટ બધું જ પૅકેજમાં હોય. આ રીતે તેઓ એક યાદગાર રાત પસાર કરે છે.’


