પ્રારંભના દૃશ્યમાં મધ્યમવર્ગી પરિવારમાં દીકરીને જોવા એક યુવાન તેનાં માતા-પિતા સાથે આવ્યો છે એ જોતાં લાગ્યું કે હમણાં લેતી-દેતીનો વિષય છેડાશે
પ્રતીકાત્મક તસવીર
મિત્રએ શૅર કરેલી એક રીલ જોવાનું શરૂ કર્યું. પ્રારંભના દૃશ્યમાં મધ્યમવર્ગી પરિવારમાં દીકરીને જોવા એક યુવાન તેનાં માતા-પિતા સાથે આવ્યો છે એ જોતાં લાગ્યું કે હમણાં લેતી-દેતીનો વિષય છેડાશે. અને ખરેખર છોકરા અને છોકરીએ એકમેકને પસંદ કર્યાં અને મા-બાપને પણ બધું બરાબર લાગ્યું કે એ વિષય ટપક્યો.
પણ... યુવાનના પિતાએ ઉચ્ચારેલો આ ‘પણ’ શબ્દ સાંભળ્યો એ સાથે જ ખાતરી થઈ ગઈ કે આ તો દહેજની ચીલાચાલુ માગણી. અને આગળ જોવાનું માંડી વાળવાનું વિચારતી હતી ત્યાં યુવાનના પિતાને યુવતીનાં મા-બાપે સ્પષ્ટ કહી દીધું કે અમે દહેજપ્રથામાં માનતાં નથી એટલે એવું કંઈ આપીશું નહીં. અમે અમારી દીકરીને ભણાવી-ગણાવીને કાબેલ બનાવી છે. યુવાનના વડીલે તેમની વાત સહજતાથી સ્વીકારી લીધી અને કહ્યું કે અમે પણ અમારા દીકરાના શિક્ષણ અને તાલીમ પાછળ ઘણો ખર્ચ કર્યો છે. પછી તેમણે કહ્યું, ‘પણ... અમારી પણ એક શરત છે. છોકરા-છોકરીને લગ્ન પછી એમ લાગે કે તેમને સાથે ફાવતું નથી અથવા તો બધું તેમણે ધારેલું એવું લાગતું નથી અને બન્નેને છૂટાં પડવું છે તો એ સંજોગોમાં કોઈએ સામી વ્યક્તિ પાસેથી કાંઈ પણ માગવાનું નહીં!’
ADVERTISEMENT
ટૂંકમાં લગ્ન વખતે છોકરી પાસેથી જેમ દહેજ નહીં લેવાની સ્પષ્ટતા કરી એમ જ લગ્નવિચ્છેદ થાય તો છોકરા પાસેથી ભરણપોષણની માગણી નહીં કરવાની સ્પષ્ટતા પણ તેમણે કરી.
આ બાબત તદ્દન અનોખી અને અસાધારણ લાગી. અલબત્ત, લગ્ન વખતે પ્રી-નપ્ (નુપ્) જેવા કરાર ઘણાં વર્ષોથી થઈ રહ્યા છે પરંતુ છોકરા કે છોકરીના વડીલો વચ્ચે ‘નો ડાવરી, નો ઍલિમની’ની સ્પષ્ટતા આટલી નિખાલસતાથી કરવા માટે માણસમાં હિમ્મત જોઈએ. આવી નીડરતા દર્શાવતી એ વિડિયો ક્લિપ ખરેખર એક નવી જ દિશા ઉઘાડનારી લાગી. દીકરીને પરણાવતાં પહેલાં દહેજ અને લગ્નના ખર્ચ સંદર્ભે આવી પડનારા આર્થિક બોજના વિચારથી છોકરીનો પરિવાર જે માનસિક પરિતાપ વેઠે છે એવો જ પરિતાપ છોકરાએ અને તેના પરિવારે લગ્નવિચ્છેદની સ્થિતિમાં વેંઢારવો પડે છે. લગ્ન કરીને જેને પત્નીનો દરજ્જો આપ્યો છે એ વ્યક્તિ લગ્નને એક પ્રકારનું ફાસ્ટ મની મેકિંગ મશીન સમજતી હોય ત્યારે તો ખાસ. એટલે જ દહેજના ભૂખ્ખડોને ડામવા જેમ ‘નો ડાવરી’નું શસ્ત્ર ઉપલબ્ધ છે તેમ જ ભરણપોષણના નામે પતિના પરિવારને લૂંટી લેવાની વૃત્તિને ડામવા આ ‘નો ઍલિમની’નું શસ્ત્ર સજાવવા જેવું છે.
-તરુ મેઘાણી કજારિયા

