કુદરતી જળાશયમાં પાંચ મહિનાથી વિસર્જન કરવાની રાહ જોતાં કાંદિવલી, ચારકોપ અને બોરીવલીનાં ગણેશમંડળોનું જબરદસ્ત આયોજન
પ્રતીકાત્મક તસવીર
માઘી ગણેશોત્સવથી કુદરતી જળાશયોમાં વિસર્જન માટે રાહ જોતાં કાંદિવલી, ચારકોપ અને બોરીવલીનાં ગણેશમંડળોએ આવતી કાલે ગણપતિબાપ્પાની મૂર્તિઓના વિસર્જનની જબરદસ્ત તૈયારી કરી લીધી છે. પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)માંથી બનેલી ગણેશમૂર્તિનું વિસર્જન કુદરતી જળાશયોમાં કરવાનો આગ્રહ રાખીને છેલ્લા પાંચ મહિનાથી ગણપતિબાપ્પાની મૂર્તિના વિસર્જન માટે રાહ જોતાં મંડળોએ હાઈ કોર્ટના ચુકાદા બાદ પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની પરવાનગી મેળવી લીધી છે. શનિવારે બપોરે બે વાગ્યાથી કાર્ટર રોડચા રાજા, ચારકોપચા રાજા, કાંદિવલીચા શ્રીની મૂર્તિ વિસર્જન માટે મંડપમાંથી બહાર નીકળશે જેમાં મોટી સંખ્યામાં નાશિક અને પુણેરી ઢોલ પથકોને બોલાવવામાં આવ્યા છે.
કાર્ટર રોડચા રાજા
ADVERTISEMENT
બોરીવલી-ઈસ્ટમાં કાર્ટર રોડચા રાજાનું આયોજન કરતા નાશિક સેવા સમિતિના પ્રમુખ સોમનાથ શેળકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે પાંચ મહિના બાદ બાપ્પાની મૂર્તિના વિસર્જન માટે મંડળના કાર્યકરો જબરદસ્ત તૈયારીમાં લાગ્યા છે. એ ઉપરાંત અમારા બોરીવલીના બીજાં ગણેશમંડળોના કાર્યકરો પણ રોજ અમારી મદદે આવી રહ્યા છે. અમે બાપ્પાને જબરદસ્ત વિદાય આપવા માટેની તૈયારી કરી લીધી છે. અમે શનિવારે બપોરે દોઢ વાગ્યે ગોખલે કૉલેજની બહાર દોઢ વાગ્યે બાપ્પાની મહાઆરતીનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે લોકોને આમંત્રણ આપ્યું છે. આરતી પૂરી થયા બાદ ગણપતિબાપ્પા વાજતેગાજત નેક્સેસ મૉલ, ચારકોપ બસ ડેપો, ચારકોપ માર્કેટ, લિન્ક રોડ, મહાવીરનગર થઈને રાતે સાડાદસ-અગિયાર વાગ્યે માર્વે બીચ પહોંચશે જ્યાં આરતી કર્યા બાદ બાપ્પાને વિદાય આપવામાં આવશે.’
ચારકોપચા રાજા
બાપ્પાની મૂર્તિનું વિસર્જન જોવા માટે મહારાષ્ટ્રભરમાંથી લોકો આવશે એવું જણાવતાં ચારકોપચા રાજા માઘી ગણેશોત્સવ ટ્રસ્ટના પ્રમુખ નિખિલ ગુઢેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાઇનલી પાંચ મહિના બાદ બાપ્પાની મૂર્તિનું વિસર્જન માટેનું મુરત આવ્યું છે. આ સમયે કોઈ કમી ન રહે એ માટેની જબરદસ્ત તૈયારી કરવામાં આવી છે. હાલમાં બાપ્પાની મૂર્તિનું કલરકામ ચાલી રહ્યું છે. શનિવારે બપોરે બે વાગ્યે ગણપતિબાપ્પાની મૂર્તિ વિસર્જન માટે વાજતેગાજતે નીકળશે. ત્યાર બાદ ચાર વાગ્યે ચારકોપ માર્કેટમાં બાપ્પાની મહાઆરતીનું આયોજન કર્યું છે. આરતીમાં જોડાવા અમે તમામ મંડળો અને મૂર્તિકારોને નિમંત્રણ આપ્યાં છે. મહાઆરતી બાદ લિન્ક રોડ થઈને બાપ્પાની મૂર્તિ દહાણુકરવાડીમાં વિસર્જન માટે લઈ જવાશે. બાપ્પાના વિસર્જન માટેની શોભાયાત્રામાં ચાર બૅન્જો પાર્ટી, બે પુણેરી ઢોલ પથક, બે બ્રાસ બૅન્ડ રાખવામાં આવ્યાં છે. એ ઉપરાંત વિસર્જન વખતે એક મહિલા દહીહંડી ટીમ અને બે જેન્ટ્સ દહીહંડી ટીમ બાપ્પાની મૂર્તિને સલામી આપવા આવશે.’
કાંદિવલીચા શ્રી
કાંદિવલીના મહાવીરનગરમાં કાંદિવલીચા શ્રીનું આયોજન કરતા શિવ માઘી ગણેશ ઉત્સવ સેવા મંડળના ખજાનચી સાગર બામનોલીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઈ કોર્ટના આદેશ બાદ અમે બાપ્પાની મૂર્તિના વિસર્જન માટેની તૈયારીમાં લાગી ગયા છીએ. આ વિસર્જન માટે જોઈતી પોલીસ-પરમિશન અમને મળી ગઈ છે. બપોરે બે વાગ્યે અમે વિસર્જન માટે ગુરસાપાડા રોડ પરથી નીકળીશું. ત્યાર બાદ મહાવીરનગર આવ્યા બાદ સાંજે ૭ વાગ્યે અમે બાપ્પાની મહાઆરતીનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થશે એવી શક્યતા છે. આરતી પૂરી થયા બાદ દહાણુકરવાડીના ગાવદેવી મંદિર થઈ લિન્ક રોડ પરથી શ્રાવલનગર અને ત્યાર બાદ હિન્દુસ્તાન નાકા થઈને માર્વે બીચ પર વિસર્જન માટે જઈશું. આ વિસર્જનની શોભાયાત્રામાં પાંચ પુણેરી પથક, પાંચ નાશિક ઢોલ પથક રાખ્યા છે. એ ઉપરાંત ૧ મહિલા ગ્રુપનું ગોવિંદા પથક તથા ૩ જેન્ટ્સ પથક બાપ્પાને સલામી આપવા આવશે.’

