Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

સ્વેટ ટુગેધર, સ્ટે ટુગેધર

Published : 14 February, 2025 01:51 PM | Modified : 15 February, 2025 07:33 AM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

ઇન ફૅક્ટ, પશ્ચિમના દેશોમાં તો સંબંધોમાં પડેલી દરાર કે ગેરસમજને દૂર કરવા માટે પણ યુગલને સાથે કસરત કરવાનું થેરપી તરીકે સૂચવવામાં આવે છે.

જાનવી દોશી ગડા અને દીપ ગડા ,ચિરાગ શાહ અને નમ્રતા શાહ

વૅલેન્ટાઇન્સ ડે

જાનવી દોશી ગડા અને દીપ ગડા ,ચિરાગ શાહ અને નમ્રતા શાહ


કહેવાય છે કે જે કપલ પરસેવો સાથે પાડે છે તે લાંબો સમય સાથે રહે છે. ઇન ફૅક્ટ, પશ્ચિમના દેશોમાં તો સંબંધોમાં પડેલી દરાર કે ગેરસમજને દૂર કરવા માટે પણ યુગલને સાથે કસરત કરવાનું થેરપી તરીકે સૂચવવામાં આવે છે. અમેરિકન મેડિકલ અસોસિએશન દ્વારા થયેલા ૨૦૧૪ અને ૨૦૨૧ના અભ્યાસમાં નોંધાયું છે કે સાથે વર્કઆઉટ કરવાથી કપલની ફિટનેસ તો સુધરે જ છે પણ એકબીજા પરનો વિશ્વાસ, ભરોસો વધતાં સંબંધોમાં ઊંડાણ પણ વધે છે. આ વાત કેટલી સાચી? ચાલો પૂછી જોઈએ સાથે કસરત કરતાં યુગલોને


ફિઝિકલ ઍક્ટિવટી માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ જરૂરી છે એવું નથી. શરીરની ચોક્કસ પ્રકારની મૂવમેન્ટ અને સાથે શ્વાસોચ્છ્વાસ પરનો કન્ટ્રોલ શરીરનાં હૉર્મોન્સ અને ફીલગુડ ફૅક્ટરને પણ કન્ટ્રોલ કરે છે. સવારે ઊઠીને કોઈ પણ ફૉર્મમાં કસરત કરવાની હોય ત્યારે કંટાળો આવે એ સ્વાભાવિક છે; પણ જો તમે એ ક્ષણિક કંટાળાને ઓળંગીને વૉકિંગ, જૉગિંગ, યોગાસન, સ્પોર્ટ્સ કે ઈવન જિમ વર્કઆઉટ કરો તો એ પછી આપમેળે શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. કસરતનો આ ફાયદો જ્યારે બે વ્યક્તિ સાથે મળીને એક પાર્ટનર તરીકે રોજેરોજ સાથે કરે છે ત્યારે શરીરને તો બેનિફિટ થાય જ છે, પરંતુ એ પ્રક્રિયાના સાક્ષી એવા પાર્ટનર્સની વચ્ચે પણ બૉન્ડિંગ વધુ સહજ અને ડીપ બને છે. આ બાબતે અનેક સંશોધનો થઈ ચૂક્યાં છે. અમેરિકામાં તો એને કારણે લાઇસન્સ્ડ મૅરેજ ઍન્ડ ફૅમિલી થેરપિસ્ટ દ્વારા કપલ વર્કઆઉટ થેરપી આપવામાં આવે છે. એમાં વીકમાં ચોક્કસ કલાકો પતિ-પત્નીએ સાથે કસરત કરવાની હોય છે. તેમની ઉંમર, શરીરની ફ્લેક્સિબિલિટી અને રિલેશનશિપ ઇશ્યુઝને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારના પોઝ આ યુગલોને દવા તરીકે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. આવી થેરપી ખરેખર કેટલી સફળ નીવડતી હશે એના ચોક્કસ આંકડાઓ બહાર નથી આવ્યા, પરંતુ અમે કેટલાંક યુગલોને મળ્યા જેઓ વર્ષોથી સાથે વર્કઆઉટ કરે છે. સાથે કસરત કરવાથી બન્ને ફિટ તો છે જ; પણ સાથે તેમની વચ્ચે સમજણ, ભરોસા અને રિસ્પેક્ટનું ઊંજણ ખૂબ સારું છે.



પત્નીની ફરિયાદ મટી ગઈ કે હું ટાઇમ નથી આપતો : મયૂર મહેતા અને પૂર્ણિમા મહેતા


અંધેરીમાં રહેતા ટીવી-ઍક્ટર મયૂર મહેતા માટે પ્રોફેશનને કારણે ફિટ રહેવું જરૂરી તો છે જ, પણ તેનું કહેવું છે કે લગ્ન પછી સંબંધોને મજબૂતી બક્ષવાનું કામ પણ ફિટનેસના માધ્યમથી થઈ રહ્યું છે. છેલ્લાં ચારેક વર્ષથી વાઇફ સાથે વર્કઆઉટ કરતા મયૂર મહેતા કહે છે, ‘શરૂઆતમાં વાઇફ પૂર્ણિમાને વર્કઆઉટ સાથે કરવાનું મનાવવાનું અઘરું હતું. તેની કસરતો થોડીક સૉફ્ટર હોય, જ્યારે હું હાર્ડકોર વર્કઆઉટ કરનારો છું. મેં એટલું ઑબ્ઝર્વ કર્યું હતું કે જે કપલ ફિટનેસ માટે એકબીજાને પુશ કરે છે તેમનું બૉન્ડિંગ સારું રહે છે. એને કારણે વાઇફ સાથે જિમમાં વર્કઆઉટ, રનિંગ અને યોગ એમ ત્રણેય ફૉર્મ ટ્રાય કર્યાં છે. કોઈ એક જ ચીજ કરવાની એવું નથી રાખ્યું. અત્યારે મારી વાઇફને યોગ અને બૉક્સિંગમાં રસ પડ્યો છે એટલે અમે ચાર-પાંચ મહિનાથી એની ટ્રેઇનિંગ લઈએ છીએ. સાથે મળીને ફિટનેસ માટે કંઈક કરવાનો ફાયદો એ થાય છે કે હવે તેને ફરિયાદ નથી રહેતી કે સાથે ક્વૉલિટી ટાઇમ નથી મળતો. એક કલાક તમે સાથે વર્કઆઉટ કરો એ જ એટલું ફુલફિલિંગ હોય છે કે પછી આખો દિવસ તમારું શેડ્યુલ‌ બિઝી હોય તોય વાંધો નથી આવતો.’


ફિટનેસ અમારી લવ-લૅન્ગ્વેજ છે અને લોકોને પણ એ ખબર છે : ચિરાગ શાહ અને નમ્રતા શાહ

સ્ટૉકમાર્કેટનું કામ કરતા અને લાલબાગમાં રહેતા ૪૨ વર્ષના ચિરાગ શાહ અને તેની ૪૦ વર્ષની પત્ની નમ્રતાને જોઈને કોઈ ન કહે કે તેઓ ચાળીસીમાં આવી ગયાં છે. એકદમ ફિટ, ગુડલુકિંગ અને ફ્લેક્સિબલ બૉડી ધરાવતું આ યુગલ વીકમાં છ દિવસ રોજ દોઢ કલાક એક્સરસાઇઝ કરે જ છે. વર્કઆઉટ કરવાના મોટિવેશન વિશે વાત કરતાં ચિરાગ કહે છે, ‘લગભગ ૩૦ વર્ષની ઉંમર સુધી જીવનમાં કસરત પર બહુ ધ્યાન નહોતું અપાયું. બે સંતાનો થઈ ગયાં અને તે મોટાં થઈ રહ્યાં હતાં ત્યારે લાગ્યું કે યાર, આપણા પોતાના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. એટલે અમે જિમ જૉઇન કર્યું. બન્નેનો ટ્રેઇનર પણ સેમ જ રાખ્યો એટલે અમને બન્નેને દોઢ કલાકનો સમય મળે. બૉડીમાં જે ચેન્જિસ થતા ગયા એને કારણે મજા આવવા લાગી. લૉકડાઉનમાં જિમ બંધ થઈ ગયાં એટલે અમે ઑનલાઇન યોગક્લાસ તરફ વળ્યાં. એમાં પણ અમે સાથે જ. એમાંથી જ અમે કેટલાક કપલ યોગના પોઝ ટ્રાય કરતા થયા. અમુક પોઝ માટે બેઉ પાર્ટનર વચ્ચે બહુ સારું કો-ઑર્ડિનેશન અને અન્ડરસ્ટૅન્ડિંગ જોઈએ. આવા પોઝ અચીવ કરી શકીએ એનો આનંદ તો હોય જ, પણ લોકોય એને અપ્રિશિયેટ કરે એટલે વધુ સારું લાગે. ટૂંકમાં કહું તો અમે સાથે વર્કઆઉટ કરીએ છીએ એને કારણે અમારી વચ્ચે ખૂબ સારી સમજણ ડેવલપ થઈ છે. બૉન્ડ ખૂબ ગહેરો બન્યો છે એ વાત તો પાક્કી જ.’

રાતે ૮થી ૯નો ટાઇમ તો અમારા બન્ને માટે જ : જાનવી દોશી ગડા અને દીપ ગડા

યોગાભ્યાસુ મમ્મી અને ક્રિકેટ કોચ પપ્પાને કારણે મલાડમાં રહેતી જાનવી દોશીને યંગ એજથી જ ફિટનેસના મહત્ત્વની ખબર હતી. કદાચ એટલે જ તેણે ન્યુટ્રિશન અને ફિટનેસ કોચ તરીકે કરીઅર બનાવી. જોકે લગ્ન પછી હસબન્ડ દીપ સાથે વર્કઆઉટ કરવાની જર્ની ખૂબ જ સુપર્બ કેમ રહી એની વાત કરતાં જાનવી કહે છે, ‘હું અને મારા હસબન્ડ આમ તો યંગ એજથી ઓળખીએ છીએ. એક સમયે તેઓ જૅવલિન થ્રો ગેમ નૅશનલ લેવલ સુધી રમ્યા હતા પણ હવે બિઝનેસ કરે છે. એક સમયે તેમનું વજન ૮૪ કિલો સુધી પહોંચી ગયું હતું. અમારાં લગ્ન ૨૦૨૩માં થયાં અને અમે વર્કઆઉટ સાથે કરવાનું નક્કી કર્યું. આજે તેમનું વજન ૬૮ કિલો છે. બિઝનેસના કામથી રાતે થાકી-પાકીને આવ્યા હો ત્યારે યોગાસન કરવાનો કંટાળો આવે એ બહુ સ્વાભાવિક છે. પણ જ્યારથી અમે બન્નેએ સાથે યોગ કરવાનું નક્કી કર્યું છે ત્યારથી એકબીજાને સારું પુશ મળે છે. ક્યારેક મારો મૂડ ન હોય તો તેને જોઈને મને લાગે કે ચાલ, તેના માટે કરી લઉં અને એવું તેને મૂડ ન હોય ત્યારે થાય. સાથે એક્સરસાઇઝ કરવાથી અમુક સ્ટ્રેચિંગ માટે જે મદદની જરૂર હોય એ મળી જાય. એ એક કલાકના સમયમાં બન્નેને એકબીજાની ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેન્ગ્થ અને વીકનેસની ખબર પડી જાય. વળી જેમ-જેમ અમુક પોઝમાં ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ થયેલી જોવા મળે ત્યારે જે આનંદ આવે એ અનેરો હોય. એટલે જ અમે નક્કી કર્યું છે કે ચાહે કંઈ પણ થાય, રાતે ૮થી ૯ તો સાથે વર્કઆઉટનો જ.’

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2025 07:33 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK