ટૉય્ઝનો સાથ આપણા ભાવનાત્મક વિકાસમાં કેવો ભાગ ભજવે છે એ જાણીએ...
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં ઍક્ટ્રેસ સોહા અલી ખાને તેના બાળપણના સૉફ્ટ ટૉય એલિયટ વિશેની ફીલિંગ્સ શૅર કરેલી. તેણે કહેલું કે એ ક્યારેય મારા માટે માત્ર રમકડું નહોતું, એ મારા જીવનનો ન ભુલાય એવો હિસ્સો હતો. શું તમારું પણ નાનપણમાં કોઈ એવું મનપસંદ રમકડું હતું જેના વગર તમને ઊંઘ જ ન આવતી હોય? જે તમારી સાથે દરેક જગ્યાએ જતું હોય અને જેની સાથે તમે કલાકો સુધી વાતો કરતા હો? ટૉય્ઝનો સાથ આપણા ભાવનાત્મક વિકાસમાં કેવો ભાગ ભજવે છે એ જાણીએ...
એક એવું રમકડું જે તમારી સાથે બધે જ જતું હોય, રાત્રે સૂતી વખતે તમારી બાજુમાં જ હોય અને કોઈક રીતે માત્ર એક રમકડા કરતાં ઘણું વધારે બની ગયું હોય. સોહા અલી ખાન માટે એ રમકડું એલિયટ નામનો એક સ્ટફ્ડ ડૉગ (રૂનું બનેલું કૂતરું) હતો. ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીએ તેના બાળપણના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે કેવી રીતે એલિયટ તેની સાથે રજાઓ પર જતો, જ્યારે તે વાંચતી ત્યારે તેની સાથે રહેતો અને તેનાં ભાઈ-બહેનો સૈફ તથા સબા સાથે મળીને બનાવેલી અસંખ્ય કાલ્પનિક વાર્તાઓનો તે હીરો રહેતો. સોહાએ જણાવ્યું કે એલિયટ તેના માટે ક્યારેય માત્ર એક રમકડું નહોતો, કારણ કે તેની કલ્પનામાં એ કંઈ પણ બની શકતો હતો. કોઈક દિવસ એલિયટ આખી દુનિયાની મુસાફરી કરતો તો કોઈક દિવસ તે રહસ્યો ઉકેલતો. સોહા યાદ કરે છે કે કેવી રીતે તે અને તેનાં ભાઈ-બહેનો એની આસપાસ નવી વાર્તાઓ વણતાં, જેમાં વારાફરતી નવા વળાંકો અને પાત્રો ઉમેરતાં. આ બધી રમતમાં આખી બપોર ક્યાં વીતી જતી એની ખબર પણ નહોતી પડતી. ઘણી વાર બાળકનું મનપસંદ રમકડું માત્ર એક ટૉય નથી હોતું; એ તેની કલ્પનાઓ, લાગણીઓ અને સુરક્ષાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની જાય છે. કદાચ એટલે જ વર્ષો પછી પણ બાળપણનું એ નાનકડું રમકડું આપણા મનમાં એટલું જ જીવંત રહે છે.
ADVERTISEMENT
શું કહે છે સાઇકોલૉજી?
બાળકો અને રમકડા વચ્ચેના આ ઊંડા ભાવનાત્મક સંબંધ પાછળનું મનોવિજ્ઞાન આપણે ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટિંગ એક્સપર્ટ જૈની કારાણી પાસેથી સમજીએ.
૧. રમકડું નથી, બાળકોનો ભાવનાત્મક સાથી છે : બાળકો કોઈ રમકડા સાથે માત્ર એના દેખાવને કારણે નહીં પરંતુ એની સાથે જોડાયેલી લાગણીઓને કારણે ગાઢ જોડાણ અનુભવે છે. સાઇકોલૉજીમાં આવા મનગમતા રમકડા કે વસ્તુને ‘ટ્રાન્ઝિશનલ ઑબ્જેક્ટ’ કહેવામાં આવે છે. જ્યારે બાળક ધીમે-ધીમે માતા-પિતાથી થોડું સ્વતંત્ર રહેવાનું શીખે છે ત્યારે આ રમકડું તેને સુરક્ષા, કમ્ફર્ટ અને ભાવનાત્મક સ્થિરતાનો અહેસાસ કરાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ રમકડું માત્ર મન બહેલાવવાનું સાધન નથી રહેતું. સમય જતાં એ બાળકનો પહેલો બેસ્ટ ફ્રેન્ડ, પહેલો સ્ટુડન્ટ, પહેલો પેશન્ટ અને પોતાના મનની વાત શૅર કરવાનો સાથી બની જાય છે. આપણે મોટાઓ પણ જીવનમાં
અલગ-અલગ પ્રકારના ભાવનાત્મક ટેકા શોધતા હોઈએ છીએ. આખો દિવસ થાક્યા પછી આપણને આપણા મનપસંદ કપમાં જ ચા કે કૉફી પીવાનું ગમે છે, કોઈ મહત્ત્વની મીટિંગમાં લકી વૉચ પહેરીએ છીએ અથવા જૂના ફોટો જોઈને મનને શાંતિ આપીએ છીએ. ઉંમર વધતાં આપણા ભાવનાત્મક ટેકાનું સ્વરૂપ બદલાય છે, પરંતુ એની જરૂરિયાત સંપૂર્ણપણે ક્યારેય ખતમ થતી નથી.
૨. રમત દ્વારા બાળક ઘણું શીખે છે : રમકડાં બાળકો માટે શીખવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ પણ છે. બાળક પોતાના ફેવરિટ રમકડાને જમાડે છે, સુવડાવે છે, એની કાળજી રાખે છે, એની સાથે વાત કરે છે અને દરેક રમતમાં એને સામેલ કરે છે. આ દરમ્યાન તે માત્ર રમત નથી રમતું પરંતુ કૅરિંગ, કાઇન્ડનેસ, સમસ્યાનું સમાધાન અને સંબંધો કેવી રીતે નિભાવવા જેવી લાઇફ-સ્કિલ્સ પણ શીખતું જાય છે. અહીં જ બાળકની કલ્પનાશક્તિ પણ ખીલે છે. આજે રૂનું બનેલું કૂતરું જાસૂસ બની જાય છે તો કાલે અવકાશયાત્રી. આવી કાલ્પનિક રમતો બાળકોને દુનિયાને સમજવામાં, નવી પરિસ્થિતિઓની કલ્પના કરવામાં અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદ કરે છે. મોટા લોકો ઘણી વાર કલ્પનાને માત્ર મનોરંજન માને છે, જ્યારે હકીકતમાં એ બાળકના માનસિક વિકાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. જો તમારે બાળકને સાચા અર્થમાં સમજવું હોય તો તેને રમતી વખતે સતત રોકવાને બદલે થોડો સમય તેનું નિરીક્ષણ કરો. ઘણી વાર બાળકો જે લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી શકતાં નથી એ પોતાની રમત અને રમકડા દ્વારા વ્યક્ત કરે છે. જો ટેડી બેઅર એકલતા અનુભવતું હોય કે ઢીંગલી ડરતી હોય તો એ બાળકની અંદરની લાગણીઓની એક ઝલક હોઈ શકે છે. જોકે દરેક રમત બાળકની વાસ્તવિક લાગણીનો સીધો પુરાવો હોય એવું જરૂરી નથી. તેથી બાળકની રમતને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ ઉતાવળે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
૩. જબરદસ્તી નહીં, બાળકને સમજવાની જરૂર છે : ઘણા લોકો બાળકને કહેતા હોય છે કે હવે તું મોટો થઈ ગયો છે, આ ટૉય છોડી દે; પરંતુ જબરદસ્તી કરવાથી બાળકમાં આત્મવિશ્વાસ આવતો નથી. મોટા ભાગનાં બાળકો સમય જતાં પોતાની ગ્રોથ-પ્રોસેસ સાથે આ રમકડા પાછળનો લગાવ સહજતાથી છોડી દે છે. જો બાળક હજી પણ કોઈ મનપસંદ રમકડું સાથે રાખવા માગતું હોય તો એની પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યારે તમારું બાળક પોતાના જૂના ટેડીને દરેક જગ્યાએ સાથે લઈ જવાની જીદ કરે ત્યારે એને માત્ર એક રમકડું સમજીને અવગણશો નહીં. વિચારજો કે આ નાનકડું રમકડું તેના જીવનમાં શું ભૂમિકા ભજવી રહ્યું છે. ઘણી વાર તેનો જવાબ માત્ર રમકડું નથી હોતો; એ બાળક માટે આત્મવિશ્વાસ, કમ્ફર્ટ, કલ્પનાશક્તિ, મિત્રતા અને જીવનને સમજવાની એક સુરક્ષિત જગ્યા બની શકે છે. ઘણા લોકો આજે પણ પોતાના બાળપણનાં સૉફ્ટ ટૉય્ઝ કે મનગમતી વસ્તુઓ સાચવી રાખે છે. એનો અર્થ એવો નથી કે તેઓ પરિપક્વ નથી થયા. ઘણી વાર આવી વસ્તુઓ તેમની સુંદર યાદો, લાગણીઓ અને જીવનના એક ખાસ સમય સાથે જોડાયેલી હોય છે. મહત્ત્વ વસ્તુનું નથી હોતું, એની સાથે જોડાયેલી લાગણીઓનું હોય છે. કદાચ એટલે જ વર્ષો પછી પણ આપણને આપણું એ ફેવરિટ રમકડું એટલું જ વહાલું લાગે છે.
એક અલગ જ કમ્ફર્ટ અનુભવાય મારા ટેડી બેઅર સાથે
સોહા અલી ખાન જેવા ઘણા લોકો હશે જેઓ આજે મોટા થઈ ગયા છે, પરંતુ બાળપણનું મનગમતું રમકડું આજે પણ તેમની યાદોમાં એટલું જ જીવંત છે. બોરીવલીમાં રહેતાં ૪૩ વર્ષનાં દેવિશા જાટકિયા પોતાના બાળપણને યાદ કરતાં કહે છે, ‘મને નાનપણથી જ ટેડી બેઅરનો બહુ શોખ હતો. મારી પાસે નાનાંથી લઈને મોટાં એમ લગભગ ૧૫થી ૨૦ ટેડી બેઅર હતાં. એક વખત મેં મમ્મી-પપ્પા પાસે એક મોટું ટેડી બેઅર ખરીદી આપવા માટે એવી જીદ પકડી હતી કે હું લગભગ ૩ કલાક સુધી સતત રડતી રહી. આખરે મારા પેરન્ટ્સે કંટાળીને મને એ ટેડી બેઅર ખરીદી આપ્યું. ટેડી બેઅર મારા માટે માત્ર રમકડું નહોતું, પણ મારું ગો-ટુ પાર્ટનર હતું. એના વગર મને ઊંઘ જ નહોતી આવતી. અમે બહારગામ જતા ત્યારે પણ હું સાથે એક નાનું ટેડી બેઅર જરૂર લઈ જતી, જેથી એને સરળતાથી કૅરી કરી શકાય. એની સાથે એક અલગ જ પ્રકારની કમ્ફર્ટ અનુભવાતી. એવું લાગતું કે એ મારી દરેક વાત શાંતિથી સાંભળે છે. કદાચ એ મારા માટે એક લિસનિંગ ઇઅર (સાંભળનાર કાન) જેવું હતું. હું મારા ટેડી બેઅર સાથે એટલી અટૅચ્ડ હતી કે જો કોઈ એને ખરાબ રીતે હૅન્ડલ કરે તો પણ મને રડવું આવી જતું. મારો ભાઈ મને સીધો હેરાન ન કરી શકે એટલે તે મારા ટેડી બેઅરને પંચ મારી દે કે નીચે ફેંકી દે. એ જોઈને હું રડવા માંડતી અને સીધી મમ્મી-પપ્પા પાસે ફરિયાદ લઈને પહોંચી જતી. આજે પણ ટેડી બેઅર પ્રત્યેનો મારો પ્રેમ યથાવત્ છે. મારા દીકરાને પણ ખબર છે કે મને ટેડી બેઅર કેટલાં ગમે છે. એટલે મધર્સ ડે પર તેણે મને એક ટેડી બેઅર ગિફ્ટ કર્યું હતું, જે આજે પણ મારી વર્ક ડેસ્ક પર રાખેલું છે.’
બાળકો માટે રમકડાં પણ રિયલ પર્સન જેવાં હોય છે
સફાળેમાં રહેતાં ઉર્વી વીરા તેમની ૪ વર્ષની દીકરી સાક્ષીના તેની ઢીંગલી પ્રત્યેના લગાવ વિશે વાત કરતાં કહે છે, ‘મારી દીકરીને બર્થ-ડે ગિફ્ટમાં એક ડૉલ મળેલી. એ કાપડની ડૉલ ક્યાંયથી ફાટી જાય તો મારે એની સિલાઈ કરવી પડે. તે રોજ રાત્રે એ ડૉલને પકડીને જ સૂએ છે. એક દિવસ ડૉલ બેડ પરથી નીચે પડી ગયેલી તો તે અડધી રાત્રે ઊઠીને રડવા લાગેલી. અત્યારે તે જુનિયર KGમાં છે. હું તેને સ્કૂલમાં મૂકવા જાઉં કે લેવા જાઉં ત્યારે મારે તેની ડૉલને સાથે લઈ જવી જ પડે. તેના માટે એ ડૉલ તેની નાની બહેન જેવી છે. એ ડૉલ આખો દિવસ તેની સાથે ને સાથે જ હોય. તે એને નવડાવે, રેડી કરે અને જમાડે. એટલે કે એક રિયલ પર્સનની જેમ જ તે એને ટ્રીટ કરે છે. હોમવર્ક કરવા બેસે ત્યારે તે ડૉલને પણ કંઈ ને કંઈ શીખવાડે. હું તેને થોડું-થોડું કુકિંગ શીખવાડું તો તે તેની ડૉલને પણ શીખવાડે છે. ટ્રેનમાં ટ્રાવેલ કરવું હોય તો પણ તે પોતાની સાથે એ ડૉલ રાખશે. હું ક્યારેક કામમાં હોઉં અને તેને એમ કહું કે જા, તારી ડૉલ સાથે રમ તો તે એને સ્ટોરીટેલિંગ કરે અને એની સાથે રમે.’
