કેવી રીતે પહોંચવું?: પટનાના ઍરપોર્ટથી ઔરંગાબાદ બાય રોડ જાઓ તો ચાર કલાકનું ડ્રાઇવ છે. સૌથી નજીકનું રેલવે-સ્ટેશન અનુગ્રહ નારાયણ રોડ છે જે મંદિરથી લગભગ વીસ કિલોમીટર દૂર છે. બેસ્ટ સમય સપ્ટેમ્બરથી એપ્રિલ દરમ્યાન છે.
જ્યાંથી છઠપૂજાની શરૂઆત થઈ એ બિહારના ઔરંગાબાદમાં આવેલું દેવ સૂર્ય મંદિર અને પ્રાંગણમાં ઉદયાંચળ, મધ્યાંચળ અને અસ્તાંચળ સ્વરૂપની પ્રતિકૃતિ.
સૂર્ય ડૂબે છે એ અંતની નહીં, નવી સવારની શરૂઆતનું પ્રતીક છે. બિહારના ઔરંગાબાદમાં આવેલું દેવ સૂર્ય મંદિર પણ આ ફિલોસૉફીનું પ્રતીક છે. કહેવાય છે કે આ એકમાત્ર સૂર્યમંદિર છે જે પૂર્વાભિમુખ નહીં, પશ્ચિમાભિમુખ છે. છઠ્ઠીથી આઠમી સદીની વચ્ચે બંધાયેલા આ મંદિરમાં જ છઠ પૂજાના પ્રારંભની શરૂઆત થયેલી
ઔરંગાબાદ શહેરની વાત આવે તો તરત અજંતા-ઇલોરાની ગુફાની યાદ આવે, પરંતુ એક ઔરંગાબાદ બિહારમાં પણ છે જેને સૂર્યનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કારણ એ કે અહીં એક અનોખું સૂર્ય મંદિર છે. સામાન્ય રીતે કોઈ પણ હિન્દુ મંદિર પૂર્વામિભુખ હોય છે, પરંતુ ભારતમાં આ પહેલું એવું મંદિર છે જેનું મુખ્ય દ્વાર પશ્ચિમની દિશામાં ખૂલે છે. દેવ નામની જગ્યાએ બનેલું આ મંદિર દેવ સૂર્ય મંદિર દેવાર્ક તરીકે જાણીતું છે. પૌરાણિકતા, શિલ્પકલા અને ધાર્મિક મહત્ત્વની દૃષ્ટિએ ભવ્યાતિભવ્ય ઇતિહાસ ધરાવતા આ મંદિરમાં કારતક સુદ છઠ અને ચૈત્ર સુદ છઠે બહુ મોટો મેળો ભરાય છે.
ADVERTISEMENT
કહેવાય છે કે આ સૂર્ય મંદિરનું નિર્માણ ખુદ વિશ્વકર્માએ કર્યું હતું. ઇતિહાસકારો આ મંદિરનું નિર્માણ છઠ્ઠીથી આઠમી સદીની વચ્ચે થયેલું હોવાનું અનુમાન લગાવે છે જ્યારે પૌરાણિક વિવરણો પર આધારિત માન્યતાઓ એને ત્રેતાયુગીય અથવા તો દ્વાપરયુગના મધ્યકાળનું ગણાવે છે. મંદિરના પ્રવેશદ્વાર પર લાગેલા શિલાલેખો નાગર, દ્રવિડ અને વેસરલ શૈલીના મિશ્ર પ્રભાવવાળા છે. ભારતીય આર્કિયોલૉજિકલ સર્વેક્ષણ દ્વારા એ પાંચમીથી છઠ્ઠી સદીના ગુપ્ત કાળમાં બન્યું હોવાનું જણાવે છે.

દેવ સૂર્ય મંદિરનું મુખ્ય દ્વાર.
લોકવાયકાઓ
હિન્દુ પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એ મુજબ કૃષ્ણના પુત્ર સામ્બે બાર સૂર્યમંદિરો બનાવ્યાં હતાં એમાંનું એક આ મંદિર છે. કહેવાય છે કે એક વાર ભગવાન શિવના ભક્ત માલી-સુમાલી સૂર્યલોક જઈ રહ્યા હતા. આ વાત સૂર્યને પસંદ ન પડી એટલે તેમણે બન્ને ભક્તોને પોતાનાં પ્રખર કિરણોથી બાળવાનું શરૂ કર્યું. માલી-સુમાલીએ શિવને દિલથી પ્રાર્થના કરતાં શિવ પ્રગટ થયા અને તેમણે સૂર્યના ત્રણ ટુકડા કરી નાખ્યા. આ ત્રણ ટુકડામાંથી એક બિહાર પાસે દેવમાં પડ્યા જે દેવાર્ક તરીકે ઓળખાયા. બીજો ટુકડો કાશીના કુંડમાં પડ્યો જે લોલાર્ક કુંડ તરીકે જાણીતું છે અને ત્રીજો ટુકડો ઓડિશાના કોણાર્કમાં પડ્યો જ્યાં કોણાર્ક સૂર્યમંદિર છે. મંદિર બન્યાનાં થોડાંક વર્ષો બાદ દેવમાતા અદિતિએ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ માટે દેવારણ્યમાં ષષ્ઠીદેવીની આરાધના કરી હતી અને તેમને ત્રિદેવ રૂપ આદિત્ય ભગવાન પુત્રરત્ન તરીકે મળ્યા હતા. કહેવાય છે કે જે આ મંદિરમાં છઠની પૂજા કરે છે તેમને મનોવાંચ્છિત ફળ મળે છે.
ચૈત્ર અને કારતક સુદ છઠે અહીં મોટી સંખ્યામાં ભક્તોનો મહેરામણ ઊમટે છે.
કેવી રીતે પહોંચવું?
પટનાના ઍરપોર્ટથી ઔરંગાબાદ બાય રોડ જાઓ તો ચાર કલાકનું ડ્રાઇવ છે. સૌથી નજીકનું રેલવે-સ્ટેશન અનુગ્રહ નારાયણ રોડ છે જે મંદિરથી લગભગ વીસ કિલોમીટર દૂર છે. બેસ્ટ સમય સપ્ટેમ્બરથી એપ્રિલ દરમ્યાન છે.

સાત અશ્વો સાથે રથ પર બિરાજમાન સૂર્યદેવ.
પશ્ચિમમુખી મંદિર
લોકવાયકા મુજબ મંદિરનાં દ્વાર પશ્ચિમ દિશા તરફ છે એનું કારણ મોહી-ઉદ-દીન મોહમ્મદ ઉર્ફ ઔરંગઝેબ છે. જ્યારે હિન્દુ મંદિરોને તોડવાના અભિયાન પર ચડેલો ઔરંગઝેબ આ મંદિર પાસે પહોંચ્યો ત્યારે અહીંના પૂજારીઓએ તેને બહુ વિનંતી કરી કે આ મંદિરને તે બક્ષી દે કેમ કે આ મંદિર ખૂબ ચમત્કારિક શક્તિઓ ધરાવે છે. એ વાત સાંભળીને ઔરંગઝેબે કહ્યું કે જો અહીં બિરાજતા તમારા દેવ ચમત્કારી હોય તો મંદિરનું મુખ પૂર્વને બદલે પશ્ચિમમાં કરી નાખો, હું એક રાતનો સમય આપું છું. આખી રાત પૂજારીઓએ આ માટે અનુષ્ઠાન કર્યું અને સવારે જોયું તો મંદિરનું દ્વાર ખરેખર પશ્ચિમાભિમુખ થઈ ગયું હતું.

સદીઓ પહેલાં બનાવાયેલા સૂર્ય મંદિરની તસવીર.
અનૂઠી શિલ્પકલા
ભગવાન ભાસ્કરનું આ મંદિર વિશિષ્ટ શિલ્પકલા માટે પણ જાણીતું છે. એની કોતરણી વિશ્વપ્રસિદ્ધ કોણાર્કના સૂર્યમંદિરને મળતી આવે છે. આ મંદિર બે ભાગમાં બનેલું છે. પહેલા ગર્ભગૃહ જેની પર કમળના આકારનું શિખર છે અને એની ઉપર સોનાનો કળશ છે. બીજા ભાગમાં મુખમંડપ છે જેની પર પિરામિડ શેપની છતને સપોર્ટ આપવા માટે નકશીદાર પથ્થરોના સ્તંભ બનાવવામાં આવ્યા છે. મંદિરના પ્રાંગણમાં સાત ઘોડાથી સંચાલિત સૂર્યનો રથ છે. સૂર્યની ત્રણ પ્રતિમા મંદિરમાં છે જે ઉદયાંચળ, મધ્યાંચળ અને અસ્તાંચળ સ્વરૂપની ગણવામાં આવે છે. કેટલાક લોકો એને સૃષ્ટિના રચનાકાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ પણ કહે છે.

મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ બિરાજમાન છે.
તળાવનું પાણી ખારું
મંદિર પાસે એક તળાવ પણ છે જેને લોકો સૂર્યકુંડ કહે છે. આ તળાવનો સંબંધ સમુદ્ર સાથે હોવાનું મનાય છે કેમ કે અહીંનું પાણી ખારું છે. દેવનગરીની આસપાસના લગભગ ત્રણ કિલોમીટરના વિસ્તારના તમામ કૂવા અને તળાવનું પાણી ખારું છે. માન્યતા છે કે આ તળાવનું પાણી ગમે એવા ચામડીના રોગ મટાડે છે. સતયુગમાં ઇક્ષ્વાકુના પુત્ર કુષ્ઠ રોગથી પીડિત હોવાથી નિર્વાસિત કરી દેવામાં આવેલા. એ પુત્ર એક વાર શિકાર કરતાં-કરતાં દેવનગરી પાસે આવી પહોંચ્યા હતા અને તેમણે અહીં એક જૂના તળાવનું પાણી પીને એમાં સ્નાન કર્યું હતું. એ પછી તેમનો કુષ્ઠ રોગ મટી ગયો હતો.


