શરૂઆતમાં બે વર્ષનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. બે વર્ષ પૂરાં થાય એટલે અરજી કરતા અને દેખાડી આપતા કે બધી શરતોનું પાલન કરવામાં આવ્યું છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૧૯૯૦માં અમેરિકાની સરકારે તેમના ઇમિગ્રેશનના કાયદા હેઠળ જે ચાર જુદી-જુદી ‘એમ્પ્લૉયમેન્ટ બેઝ પ્રેફરન્સ’ કૅટેગરી હતી જેની હેઠળ પરદેશીઓને અમેરિકામાં કાયમ રહેવા માટે, કામ કરવા આવવા માટે છૂટ મળી શકે એ ચાર એમ્પ્લૉયમેન્ટ બેઝ પ્રેફરન્સ કૅટેગરીમાં એક પાંચમી કૅટેગરી ‘એમ્પ્લૉયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ’ કૅટેગરીનો ઉમેરો કર્યો. આ કૅટેગરી ’બેઝિક’ કૅટેગરી તરીકે ઓળખાય છે. આ કૅટેગરી હેઠળ જો કોઈ પરદેશી અમેરિકાના નવા બિઝનેસમાં અમેરિકાની સરકારે નક્કી કરેલી રકમનું રોકાણ કરે અને એ બિઝનેસમાં દસ અમેરિકનોને નોકરીમાં રાખે અને બિઝનેસ જાતે ચલાવે તો એ રોકાણકારને એ બિઝનેસ કરવાવાળાને અને તેની સાથે પત્ની યા પતિ અને ૨૧ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ પ્રોગ્રામને જોઈએ એટલો સારો પ્રતિસાદ ન મળ્યો એટલે ૧૯૯૩માં એક બીજો પ્રોગ્રામ, IB-5 પાઇલટ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો જેની હેઠળ અમેરિકાની મોટી-મોટી કંપનીઓ, જેઓ લાખો-કરોડોના પ્રોજેક્ટો કરતી હતી, એપોતાની જાતને ઇમિગ્રેશન ખાતા જોડે રજિસ્ટર કરાવે તો એ રેકગ્નાઇઝ્ડ રીજનલ સેન્ટરમાં રોકાણ કરતા પરદેશીને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. ત્યાર બાદ બિઝનેસ રીજનલ સેન્ટરે કરવાનો રહે છે અને દસ અમેરિકનોને એ બિઝનેસમાં નોકરી આપવાની જવાબદારી રીજનલ સેન્ટરની રહે છે. શરૂઆતમાં બે વર્ષનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. બે વર્ષ પૂરાં થાય એટલે અરજી કરતા અને દેખાડી આપતા કે બધી શરતોનું પાલન કરવામાં આવ્યું છે એ ગ્રીન કાર્ડ કાયમનું કરવામાં આવે છે. ત્યાર બાદ રીજનલ સેન્ટર રોકાણકારોને તેમણે રોકાણ કરેલી રકમ પાછી આપે છે. આ રકમ પાછી આપશે જ એવી કોઈ ગૅરન્ટી હોતી નથી. EB-5 પ્રોગ્રામમાં રોકાણ કરવામાં જરૂરથી જોખમ રહેલું હોય છે કારણ કે તમે રોકાણ નવા બિઝનેસમાં કરો છો. તમે જ્યારે રીજનલ સેન્ટરમાં રોકાણ કરો છો ત્યારે જે ઍગ્રીમેન્ટ થાય છે એમાં ચોખ્ખેચોખ્ખું જણાવવામાં આવે છે કે ‘યૉર મની ઇઝ ઍટ રિસ્ક.’ EB-5 પ્રોગ્રામ હેઠળ રીજનલ સેન્ટરમાં રોકાણ કરતા પહેલાં તમારે એ રીજનલ સેન્ટર કેવું છે, એના પ્રમોટરો કેવા છે, એનું ડ્યુ ડિલિજન્સ કરાવવું જોઈએ; બધી જ માહિતી મેળવી લેવી જોઈએ. રીજનલ સેન્ટરમાં પ્રમોટરોનું પોતાનું કેટલું રોકાણ છે? પ્રમોટરો પોતે જાતે જ બિઝનેસ કરશે કે બીજા કોઈને બિઝનેસ કરવા આપવાના છે? પ્રમોટર સિવાય બીજા કોણે-કોણે એમાં રોકાણ કર્યું છે? અમેરિકાની બૅન્કોએ, નાણાકીય સંસ્થાઓએ એમાં રોકાણ કર્યું છે? જે બિઝનેસ કરવાના છે એ ત્યાં ચાલી શકે એમ છે? કેટલા પરદેશીઓ આગળથી રીજનલ સેન્ટર રોકાણ લેવાના છે? અને એ દરેક માટે દસ અમેરિકનોને તેઓ નોકરી આપી શકશે? આ સઘળું ચકાસી લેવું જોઈએ.

