Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > છોટે દેશ કી ભી બડી-બડી બાતેં હોતી હૈ

છોટે દેશ કી ભી બડી-બડી બાતેં હોતી હૈ

Published : 21 June, 2026 05:25 PM | IST | Mumbai
Alpa Nirmal

ગુજરાતી ઘરોમાં દિવાળીમાં બનતી મીઠાઈ, ઘૂઘરાના જેવા શેપમાં બનતી બ્રિન્ડઝોવ હોલેસ્કી નામની બટાટા, માંસ, ઘેટાના દૂધમાંથી બનેલા ચીઝથી તૈયાર કરવામાં આવતી ડિશ ખાવા આજુબાજુના દેશના લોકલ્સ પણ વીક-એન્ડમાં સ્લોવેકિયા આવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા અઠવાડિયે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય યુરોપ ખંડમાં આવેલા સ્લોવાકિયા જઈ આવ્યા. ૧૯૯૩માં છૂટા પડેલા આ દેશની મુલાકાતે કોઈ ભારતીય વડા પ્રધાનની આ પહેલી જ વિઝિટ હતી. એ સાથે જ ડિજિટલ ટેક્નૉલૉજી, લેબર ઇમિગ્રેશન, ટૅલન્ટ મોબિલિટી જેવાં ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથે કરાર પણ પ્રથમ વખત જ સાઇન થયા. એની રાજકીય તથા ઇકૉનૉમિક ચર્ચા-વિચારણા એક્સપર્ટ્‍સ પર છોડીને આપણે તો ઊપડીએ ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, હંગેરી, પોલૅન્ડ અને યુક્રેન જેવા દેશોની વચ્ચોવચ થઈને બેઠેલા છોટાસા દેશ સ્લોવાકિયાની શબ્દસફરે

તમે સ્કૂલમાં મિત્રો સાથે ‘નેમ’, ‘પ્લેસ’, ‘ઍનિમલ’, ‘થિંગ’ ગેમ રમ્યા છો? જો રમ્યા હો તો ‘ઝ’ અથવા એ ટુ ઝેડનો ‘ઝેડ’ અક્ષર આવે તો પ્લેસમાં અનેક બાળકોએ ઝેકોસ્લોવાકિયા લખ્યું હશે. હા, ચેક રિપબ્લિક બોલવાનું જ્ઞાન તો હવે આવ્યું. પહેલાંના દશકાઓમાં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ બાકાયદા ઝેકોસ્લોવાકિયા જ લખતા અને બોલતા. વળી ‘ઝ’ જેવા અનયુઝ્અલ અક્ષર પરથી પ્લેસનું નામ આવડે છે એવો ગર્વ પણ લેતા.



આખા દેશમાં ‘નો હૉન્કિંગ’નું પાટિયું નથી. છતાં શહેરો કે ગામડાંઓમાં ક્યાંય કોઈ હૉર્ન નથી વગાડતું.


યસ, આજે આપણે એ જ ઝેકોસ્લોવાકિયા એટલે કે મૂળે ચેકોસ્લોવાકિયામાંથી છૂટા પડેલા સ્લોવાકિયાની વર્ડ વિઝિટે જવાનું છે.


સ્લોવાકિયામાં ૭૫૦થી વધુ ગુફાઓ છે. એમાંથી ૨૦ ગુફાઓમાં ફરવા જઈ શકાય છે.


ઇન્ડિયન કે એશિયનોમાં આ કન્ટ્રી લોકપ્રિય નથી 

બેમિસાલ બ્યુટી, ફૅન્ટૅસ્ટિક વેધર, ફર્સ્ટ ક્લાસ ટ્રાન્સપોર્ટેશન, યુનિક કલ્ચર હોવા છતાં મોટા ભાગના ઇન્ડિયન-એશિયન પર્યટકો અહીં આવે તો પ્રાગ અથવા વિયેનાથી બહુ-બહુ તો એક દિવસ ફરવા માટે બ્રાતિસ્લાવા આવે છે. હા, યુરોપિયનો, અમેરિકનો ખાસ કરીને માઉન્ટન ટ્રેકિંગના શોખીનો અહીં અઠવાડિયું વિતાવે છે, પરંતુ એશિયનોને અન્ય મધ્યપૂર્વીય દેશો અને શહેરોની સરખામણીએ સ્લોવાકિયા સિમ્પલ અને સ્લો લાગે છે. વળી ભાષાનો પણ ઇશ્યુ છે. ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ડેવલપ થયેલી છે, પરંતુ ઍક્ટિવિટીના નામે ડેન્યુબ નદીના કાંઠે આવેલાં પબ, રેક્રીએશન પાર્ક, રેસ્ટોરાં, નાઇટ-લાઇફ સિવાય ઝાઝી ઍક્ટિવિટી નથી. બ્રાતિસ્લાવા ઉપરાંત સ્લોવાકિયાની પૂર્વીય બૉર્ડર પર હંગેરીની નજીક આવેલું કોશેટ્શ પણ સુંદર હોવા સાથે વિકસિત શહેર છે. જાણકાર ટૂરિસ્ટો ત્યાંની પણ ટૂર કરે છે.


સ્લોવાકિયાનું નૅશનલ થિયેટર. 

ઇતિહાસ અને ભૂગોળ

શરૂઆત એનાં સવાસો વર્ષ પહેલાંના ઇતિહાસથી કરીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપીય ખંડમાં ઑસ્ટ્રિયા, હંગેરી તથા ચેકોસ્લોવાકિયા નામના ૩ દેશોનું ગઠન થયું. ૧૯૧૮માં છૂટા પડેલા આ દેશમાં શરૂ-શરૂમાં સામ્યવાદની અસર રહી, પરંતુ એ પછી ચેકોસ્લોવેકિયન્સનું માઇન્ડસેટ થોડું બદલાયું. યુરોપમાં ઍડૉલ્ફ હિટલરનો ખોફ વધતાં ચેકોસ્લોવાકિયા જર્મનીનું પણ રાજ્ય બન્યું અને બીજી વર્લ્ડ વૉર પછી સોવિયટ સંઘ સાથે ગઠબંધન કર્યું. અગેઇન ૧૯૬૮માં સ્વતંત્ર દેશ પુનઃ સ્થાપિત થયો અને એ પછી એ દશકામાં દેશની રાજકીય પાર્ટીઓની વિચારધારામાં જબરદસ્ત મતભેદ થતાં ૧૯૯૩ની પહેલી જાન્યુઆરીએ ચેક રિપબ્લિક અને ધ સ્લોવાક રિપબ્લિક કોઈ હિંસા કે ક્રાન્તિ વગર છૂટાં પડ્યાં જે ઘટના યુરોપમાં ‘વેલ્વેટી ડિવૉર્સ’ તરીકે જાણીતી છે.

ચેક રિપબ્લિકથી છૂટા પડીને હવે ૩૩ વર્ષના થયેલા સ્લોવાકિયાનો સંપૂર્ણ એરિયા છે ૪,૯૦,૦૩૫ સ્ક્વેર કિલોમીટર (લગભગ આપણા પંજાબ જેટલો) અને દેશની ટોટલ વસ્તી છે ૫૪ લાખ ૪૦ હજાર ૭૮ ઓન્લી. વિસ્તાર નાનો, વસ્તી ઓછી; પણ આ ટચૂકડા દેશમાં પ્રકૃતિ, પહાડો, નદીઓ, ગુફાઓ, કિલ્લાઓ સાથે એટલી બધી કહાનીઓ છે કે આપણે અખબારની વિશેષ પૂર્તિ કાઢવી પડે. ખેતરો અને વાડીઓથી જ અહીંની ભૂગોળ જોઈએ તો દેશનો ઉત્તર ભાગ કોર્પેથિયન માઉન્ટ રેન્જથી અલંકૃત છે ઍન્ડ સાઉથ તથા પૂર્વીય પ્લેન પાર્ટ ફળદ્રુપ વાડીઓ, ખેતરોથી. જોકે આ કહેવાતી લો લૅન્ડ પણ દરિયાની સપાટીથી ૬૫૦ ફૂટ ઊંચે છે. હાઇએસ્ટ શિખર ૨૬૫૫ મીટર ઊંચું છે. કહેવાય છે કે આવી વિવિધતા ધરાવતા દેશમાં ૧૬૦૦થી વધુ નદી છે. પણ હા, મહારાણીનો ઠસ્સો તો ડેન્યુબ રિવર જ ભોગવે છે.


યુનેસ્કો હેરિટેજનું બિરુદ ધરાવતી બરફ અને આર્ગોનાઇટ ક્રિસ્ટલની ગુફા. 

સિટી ટૂર

લેટ્સ સ્ટાર્ટ વિથ કૅપિટલ સિટી બ્રાતિસ્લાવા. જનરલી કોઈ પણ દેશનું પાટનગર રાજ્યની મધ્યમાં હોય, પણ સ્લોવાકિયા આ બાબતે યુનિક છે. એનું પાટનગર દક્ષિણ-પશ્ચિમી સીમાએ ઑસ્ટ્રિયા અને હંગેરી દેશોની સરહદોને અડીને છે. લિટલ કોર્પેથિયન પર્વતમાળાની તળેટીમાં તથા યુરોપની શક્તિશાળી નદી ડેન્યુબના બેઉ કિનારે વિકસેલું આ શહેર દેશનું મોટામાં મોટું નગર હોવા સાથે રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક કેન્દ્ર પણ છે. રાષ્ટ્રપતિ હાઉસ, પાર્લમેન્ટ, સર્વોચ્ચ ન્યાયાલય, અનેક મ્યુઝિયમો, આર્ટ-ગૅલરીઓ, યુનિવર્સિટીઓ તથા થિયેટરો હોવા સાથે અહીં દેશના મોટા ઉદ્યોગોની હેડ ઑફિસો પણ છે. નદીના એક કાંઠે મધ્યયુગનાં મનમોહક મૉન્યુમેન્ટ્સ સમાવીને ઉન્નત બેઠેલા આ શહેરના સામા કાંઠે મૉડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું મોજીલું અને મનસ્વી નગર છે. ‘ન્યુ અને ઓલ્ડનું મિક્સર પણ અદ્ભુત બની રહે’ એવી શીખ આપતા આ શહેરનાં જૂનાં સ્થાપત્યોની વાત કરીએ તો ‘માઇકલ્સ’ ગેટથી પ્રવેશો એટલે ઓલ્ડ યુરોપિયન ફિલ્મના સેટ હોય એવાં સ્ક્વેર, ગૉથિક શૈલીનાં મકાનો, ઊંચા મિનારા ધરાવતાં ચર્ચો, સાંકડી શેરીઓના છેડાને જોડતો મોટો ચોક, ચોકની મધ્યમાં ફુવારાઓ, વળી ફુવારાની મધ્યમાં પ્રાચીન કલાકૃતિસમ સ્ટૅચ્યુ જોનારને, અનુભવ કરનારને મંત્રમુગ્ધ કરી દે છે. એમાંય અહીંનું બ્લુ ચર્ચ, પિન્ક બિલ્ડિંગ, ફ્રાન્સિસ્કન ચર્ચ એવાં અપ્રતિમ છે કે ફોટા ક્લિક કરતાં-કરતાં તમારા ફોનનું મેમરી કાર્ડ ફુલ થઈ જશે પરંતુ હૃદય નહીં ધરાય. એ જ રીતે અદ્યતન ઇમારતોમાં સ્લોવાક રેડિયોભવનની ઇમારત જોતાં દર્શકને એમ થાય છે કે આ મકાન ખરેખર ઊંધું છે કે મને જ દેખાય છે. એક સમયે અગ્લીએસ્ટ બિલ્ડિંગનું બિરુદ પામેલું આ બિલ્ડિંગ ઊંધા પિરામિડના આકારમાં બનાવાયું છે જે જોવા યુરોપના અન્ય દેશોથીયે સહેલાણીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. જોકે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં; અહીંનાં જંગલો, પહાડો, ખીણપ્રદેશ અને મોસમ એવાં ખુશનુમા છે કે અહીં આવનારને સ્પા કરાવીને રિજુનવેટ થયાની ફીલિંગ આપે છે. ડેન્યુબ નદીના કાંઠે વિતાવેલી સાંજ, પહાડી ગામોની વિઝિટ, નૅશનલ પાર્કની વિશાળતા, સેંકડોની સંખ્યામાં આવેલી ગુફાઓની મુલાકાત, નાની ટેકરીઓની ટોચે પાંગરેલા રાજાશાહી કથાઓ ગાતા કિલ્લાઓ અને મહેલો, નૉઇસ અને પૉલ્યુશન-ફ્રી વાતાવરણ, આકાશના નીલા રંગમાં અવનવી ડિઝાઇન બનાવતાં રહેતાં હલકાં-ફૂલકાં શુભ્ર વાદળો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જીવન જીવવાનો શાંત લય દરેક મુલાકાતીને શીખવે છે કે ‘છોટે દેશોં મેં ભી બડી-બડી બાતેં હોતી હૈં’ જનાબ...


સ્લોવાકિયાનું બહુચર્ચિત બ્લુ ચર્ચ.

લોકો, સંસ્કૃતિ, રહેણીકરણી અને ફૂડ

પહેલી નજરે સ્લોવાક લોકો સ્વિસ પીપલ જેવા ફ્રેન્ડ્લી ન લાગે તો ફ્રેન્ચ અને ઇટાલિયન જેવા તોછડા પણ ન લાગે. તેઓ થોડા રિઝર્વ ખરા, પરંતુ જો એકની એક વ્યક્તિ તમને બે વખત મળી જાય તો ચોક્કસ અજાણ્યાનું અભિવાદન કરે. અને હા, અહીંના પહાડો જે રીતે ઊંચા-ઊંચા છે એ જ રીતે અહીંની સ્ત્રીઓની હાઇટ સરેરાશ વધુ અને સુંદરતા પણ વધુ. મધ્ય યુરોપમાં સ્લોવેકિયન ફીમેલ બ્યુટીના પાયદાન પર પ્રથમ નંબરે આવે છે. ફૅશન, મેકઅપ અને તેમના શોખ પણ નવાબી અને લાઇફસ્ટાઇલ પણ હાઇ-ફાઇ. જોકે સ્લોવેકિયન પ્રજાની ઍવરેજ ઇન્કમના આંકડાનો ગ્રાફ હાઈ નથી, પરંતુ જીવનધોરણ બહુ ઊંચું છે. સારી ક્વૉલિટીની વસ્તુઓ વાપરે છે, આરામદાયક લાઇફ જીવે છે. અરે, ત્યાં પચીસ વર્ષ સુધીની યુવાન પ્રજા તેમ જ સિનિયર સિટિઝનો દેશભરમાં ફ્રી ટ્રાવેલ કરી શકે છે. જોકે સરકાર આવી સગવડ આપે છે, પરંતુ પ્રજાના સ્વાસ્થ્ય પાછળ બહુ બેનિફિટ આપતી નથી. આથી આરોગ્યના મામલે સ્લોવેકિયન્સને સરકારી રાહત મળતી નથી. અન્ય ફૉરેન કન્ટ્રીઝની જેમ અહીં પણ મેડિકલ ટ્રીટમેન્ટ મોંઘી છે એટલે પ્રજાજનો એ બાબતે બહુ જાગ્રત નથી. પરિણામે અહીં સૌથી વધુ મૃત્યુ કાર્ડિયોવૅસ્ક્યુલર રિલેટેડ રોગને કારણે થાય છે.

ભારતીય અને સ્લોવેકિયન્સમાં એક વસ્તુ કૉમન છે. એ છે પોતાના કલ્ચરને જાળવવાની અને ગર્વ કરવાની વૃત્તિ. સ્લોવાકિયાના રહેવાસીઓ પોતાના પરિવાર સાથે અનેક પરંપરાગત ઉજવણીઓ કરે છે જેમાં ડ્રેસ, ડાન્સ, સંગીતથી લઈ ફૂડ-ડિશ પણ ટ્રેડિશનલ હોય છે. ફ્રાન્સ અને ઇટલી આટલાં નજીક હોવા છતાં લોકો સ્લોવેકિયન વાનગી ખાવાનું વધુ પ્રિફર કરે છે. એમાં ઘણી સિમિલરિટી હોય છે, પરંતુ એ વાનગીઓ બનાવવાની રીત સ્લોવેકિયન રહે છે. દેશ-વિદેશના ક્વિઝિનના શોખીનોને સ્લોવેકિયન ફૂડ બ્લૅન્ડ અને ફીકું લાગે, પરંતુ બે-ત્રણ વખત એ ડિશ ખાતાં આઇ ઍમ લવિંગ ઇટ બોલાઈ જાય ખરું. અહીં હાર્ડ ડ્રિન્ક્સ પીવાનો ક્રેઝ જબરદસ્ત છે. એમાંય સ્લોવેકિયન વાઇન તો રાષ્ટ્રીય પીણાની જેમ પીવાય છે. એક તારણ કહે છે કે ઍવરેજ સ્લોવેકિયન સિટિઝન વર્ષભરમાં ૮૪ લીટર આલ્કોહૉલ પી જાય છે.

આ દેશ ઇસ્લામને ધર્મ તરીકેની માન્યતા નથી આપતો. અહીં ૫૦૦૦ જેટલી મુસ્લિમ પ્રજા વસે છે, પરંતુ તેમને અહીં ધર્મસ્થાનક બનાવવાની પરવાનગી નથી. 

સમ યુઝફુલ ટિપ્સ

ભારતીયો શેન્ગેન વીઝા લઈને અહીં આવી શકે છે. સ્લોવેકિયાના અનેક ટાઉન પ્રાગ, બુડાપેસ્ટ, વિયેના, જર્મની પોલૅન્ડ તથા ચેક રિપબ્લિકનાં શહેરો સાથે ટ્રેન નેટવર્ક દ્વારા સુપેરે જોડાયેલાં છે.
 બ્રાતિસ્લાવા શહેરમાં રેડ ટ્રામ ચાલે છે જે શહેરના ખૂણેખૂણાને કવર કરે છે.

સ્લોવાકિયામાં ચલણ તરીકે યુરોનો વપરાશ થાય છે.


બ્રાતિસ્લાવામાં ભરાયેલી સ્ટ્રીટ માર્કેટ.

આ દેશમાં ૭૫૦થી વધુ સંખ્યામાં ગુફાઓ છે, જેમાંથી ૨૦ કેવ્સ જનતા માટે ખુલ્લી છે. યુનેસ્કો હેરિટેજ પ્લેસનું બિરુદ ધરાવતી બરફ અને આર્ગોનાઇટ ક્રિસ્ટલમાંથી નિર્માણ થયેલી આ ગુફાઓ કુદરતની કમનીય કરામત છે.

સ્લોવેક ભાષા જીભને જિમ્નૅસ્ટિક કરાવી દે એવી જટિલ છે. સ્થાનિકો મોટા ભાગે એ જ બોલે છે. સાથે રોમાની, ચેક, હંગેરિયન, જર્મન, પૉલિશ, યુક્રેનિયન ભાષા પણ અહીં બોલાય છે.

મૌસમ મૌસમ લવલી મૌસમ

આખા યુરોપ પર ભગવાને ક્લાઇમેટના નામે જબરી કૃપા કરી છે. બરફ અને ઠંડી ગમતી હોય તેઓ માટે અહીં પૂરા ૪ મહિના શિયાળો રહે છે તો ગુલાબી મોસમના દીવાનાઓ માટે પણ અહીં પૂરા ૪ મહિના સમર રહે છે. જોકે ઓવરઑલ યુરોપમાં પણ ગ્લોબલ વૉર્મિંગની અસર વધતાં અહીં પણ જુલાઈ-ઑગસ્ટમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તાપમાન ૩૦થી ૩૫ ડિગ્રી થઈ જાય છે. દેશની ૫૦ ટકા પ્રજા શહેરોમાં રહે છે અને ૫૦ ટકા ગ્રામીણ વિસ્તારોમાં. પહાડીઓમાં વસેલાં નાનાં-નાનાં ગામોમાં રહેતા મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે, જ્યારે શહેરી પ્રજા જૉબ-બિઝનેસ કરે છે. અહીં પણ વધુ લક્ઝુરિયસ અને ઉચ્ચ કક્ષાની લાઇફ જીવવા, કમાવા લોકોને અમેરિકા અને લંડન-પૅરિસ જેવાં મોટાં યુરોપિયન શહેરોમાં જવાનો ક્રેઝ છે. જોકે સ્લોવાકિયા હાઈ-ઇન્કમ કન્ટ્રી જ ગણાય છે, પણ પશ્ચિમી યુરોપની સરખામણીએ અહીંનો GDP થોડો નીચો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 05:25 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK