આજે મળીએ કેટલાક મજાના ગ્રૅન્ડ પેરન્ટ્સને જેઓ જુવાનીમાં ફરવા જવાનાં અધૂરાં રહેલાં સ્વપ્નોને તેમનાં ગ્રૅન્ડ ચિલ્ડ્રન સાથે પૂરાં કરી રહ્યા છે
રીમા મેઘાણી નાની સાથે, સૃષ્ટિ સંઘવી શાહ ફૅમિલી સાથે, પુષ્પા ભાયાણી પૌત્ર સાથે, છાયા ગણાત્રા સાસુ સાથે.
સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે જુવાનીમાં જેટલું ફરી લેવાય એટલું ફરી લેવાનું પછી જેમ-જેમ ઉંમર વધતી જાય પછી ફરવા જવાની ઇચ્છા હશે તો પણ કશે જવાશે નહીં! પરંતુ આજે આપણે જેની વાત કરવાના છીએ તેમની સ્ટોરી કંઈક અલગ છે. જુવાનીમાં ઘરની જવાબદારી, નાણાખેંચ અને બાળકોને મોટાં કરવામાં ફરવા જવાની ઇચ્છાને વર્ષો સુધી દબાવી રાખનાર આ મહિલાઓની ઇચ્છાને વૃદ્ધાવસ્થામાં તેમનાં ગ્રૅન્ડ ચિલ્ડ્રન પાંખ આપીને પૂરી કરી રહ્યાં છે. 80+ની ઉંમરે પહોંચીને આજે આ ગ્રૅન્ડ મધર્સ ઘરનો ઉંબરો ઓળગીને પોતાનાં ગ્રૅન્ડ ચિલ્ડ્રનની સાથે દેશ-વિદેશના પ્રવાસો કરી રહી છે. જોકે આજ સુધી આવી સ્ટોરીઝ વિદેશમાંથી ઘણી સંભળાતી હતી પણ આપણા દેશમાં પણ એના અનેક દાખલા હશે એ તો હમણાં જ ખબર પડી.
૯૨ વર્ષનાં નાની સિંગાપોર, પટાયા, હૉન્ગકૉન્ગ, બૅન્ગકૉક, ચીન, મકાઉ, મલેશિયા જઈ આવ્યાં
ADVERTISEMENT
રીમા મેઘાણી નાની સાથે.
વાલકેશ્વરમાં રહેતાં અને ફૅશન-ડિઝાઇનિંગની સાથે સંકળાયેલાં રીમા મેઘાણી કહે છે, ‘મને મારાં નાનીની સાથે ખૂબ જ લગાવ છે અને મને એવું થાય છે કે મારાં નાનીને જ્યાં ફરવું છે, જે જોવું છે એ બધું તેમને બતાવી દઉં. એટલે તેમને જ્યાં નહોતું જવું ત્યાં પણ અમે તેમને લઈ ગયાં હતાં. મારાં ૯૨ વર્ષનાં નાની શાંતા દેસાઈને સિંગાપોર, પટાયા, હૉન્ગકૉન્ગ, બૅન્ગકૉક, ચીન, મકાઉ, મલેશિયા ફેરવી આવ્યાં છીએ. ભારતમાં નાનીને ત્રણ જગ્યાએ જવાની બહુ ઇચ્છા હતી. માત્ર વિદેશમાં જ ફરવાનું એવું નથી, તેમને જાત્રા કરવાનો પણ એટલો જ શોખ. એટલે અમે તેમને વીરપુર, અયોધ્યા અને શબરીધામ પણ લઈ ગયાં છીએ. મારાં નાની હાલ વાપીમાં રહે છે પણ અગાઉ તેઓ વર્ષો સુધી અંધેરીમાં રહ્યાં હતાં. મુંબઈમાં જ રહ્યાં હોવા છતાં તેઓ મુંબઈ ફરી શક્યાં નહોતાં એ વાતનો તેમને ઘણો વસવસો હતો એટલે અમે તેમને મુંબઈની દરેક ફેમસ જગ્યાએ ફેરવી, મોટી-મોટી હોટેલમાં જમાડીને તેમની ઇચ્છા પૂરી કરી રહ્યાં છીએ. તાજ હોટેલમાં એક વખત જમવું છે એવી બહુ તેમને ઇચ્છા હતી એટલે અમે તેમને ત્યાં પણ લઈ ગયાં હતાં. આજકાલ બધા ડેસ્ટિનેશન બર્થ-ડે ઊજવવા લાગ્યા છે. અમે આવો બર્થ-ડે મારાં નાનીનો ઊજવ્યો હતો. તેમનો ૯૦મો બર્થ-ડે અમે મહાબળેશ્વરમાં ઊજવ્યો હતો. એટલે તેમને જે પણ જાણવું હતું, જે પણ જોવું હતું એ દરેક જગ્યાએ લઈ જઈ રહ્યાં છીએ. આ સિવાય અમને પણ એવું લાગતું હતું કે અમુક જગ્યા નાનીને બતાવવી જોઈએ એ જગ્યાએ પણ અમે તેમને લઈ ગયાં છીએ. જેમ કે મકાઉનું ફેમસ કસીનો, સિંગાપોરની વર્લ્ડ ફેમસ હોટેલ મરીના બે, પુણેનું દગડુ શેઠ ગણપતિનું મંદિર વગેરે જગ્યાએ લઈ ગયાં છીએ.’
૯૪ વર્ષનાં આ દાદી વ્હીલચૅર પર બેસીને વિદેશ ટૂર ઉપરાંત બે વખત વાઇલ્ડલાઇફ સફારી કરી ચૂક્યાં છે
સૃષ્ટિ સંઘવી શાહ ફૅમિલી સાથે.
મારાં દાદી ભારતી સંઘવીએ અમારી સાથે ટ્રાવેલિંગમાં બોટિંગથી લઈને વાઇલ્ડલાઇફ સફારી સુધીની બધી મજા કરી છે એમ જણાવતાં જુહુમાં રહેતાં અને ઇન્સ્યુલિનની ટેસ્ટિંગ લૅબ ધરાવતાં સૃષ્ટિ સંઘવી શાહ કહે છે, ‘મારાં દાદી ૯૪ વર્ષનાં છે. તેઓ પાર્લામાં રહે છે અને તે બહાર ફરવા માટે હંમેશાં ખૂબ જ ઉત્સાહિત હોય છે. મારાં દાદી સાથે હું, મારા હસબન્ડ, ડૉટર, મારા પપ્પા, બહેન અને તેના હસબન્ડ એમ અમે સાથે જ ફરવા જઈએ છીએ. એટલે એમ કહું તો ચાલે કે અમે ચાર પેઢી સાથે ફરવા જઈએ છીએ. દર વર્ષે અમે ત્રણેક ટ્રિપ તો કરીએ જ છીએ જેમાં લોકલ અને ઇન્ટરનૅશનલ ટ્રિપનો સમાવેશ થાય છે. પહેલાં તેમને ઘરની અનેક જવાબદારીઓ તો હતી જ સાથે તેઓ ગરીબ બાળકોને પણ વર્ષોથી તેમના ઘરે ભણાવતાં આવ્યાં છે જેને લીધે તેમને પોતાના માટે જ સમય મળતો નહોતો. તેમને દુનિયા જોવી હતી પણ સમય અને સંજોગોને અભાવે તેઓ ભૂતકાળમાં એવું કરી શક્યાં નહીં. એ ઇચ્છા હવે અમે પૂરી કરી રહ્યાં છીએ. ઉંમરના હિસાબે તેઓ જ્યાં સુધી ચલાય ત્યાં સુધી ચાલી કાઢે છે નહીંતર વ્હીલચૅર પર તેમને બેસાડીને લઈ જઈએ છીએ. ૮૦ વર્ષથી લઈને આજ સુધીમાં તેઓ બે વખત તો અમારી સાથે વાઇલ્ડલાઇફ સફારી પણ કરી આવ્યાં છે. એક લોકલ અને એક ઇન્ટરનૅશનલ વાઇલ્ડલાઇફ સફારીનો સમાવેશ થાય છે. ઘણી ટૂર્સમાં અમારે બોટિંગ અને હાઇકિંગ પણ કરવાનું આવે છે તો એમાં પણ તેઓ તૈયાર જ હોય છે એટલું જ નહીં, તેમને નવી-નવી વિદેશી ડિશ ટ્રાય કરવાનો પણ એટલો જ શોખ છે.’
ઇન્ટરનૅશનલ ટૂર પર આપણે જતાં હોઈએ તો સૌથી પહેલાં આપણને ખાવાનું સારું ક્યાં મળશે એની ચિંતા થતી હોય છે અને એમાં પાછા સાથે વડીલ હોય તો આપણે ખૂબ જ વિચારીને ટ્રાવેલ-પ્લાન કરવો પડતો હોય છે. જોકે અમારા કેસમાં એવું કંઈ નથી એમ જણાવીને સૃષ્ટિ કહે છે, ‘ઊલટાનું મારાં દાદીને તો નવી-નવી ડિશ ટ્રાય કરવાનું ગમે. જે દેશમાં ગયાં હોય ત્યાંની ફેમસ ડિશ ટેસ્ટ કરવા તૈયાર જ હોય છે. નો ડાઉટ સાથે ઘરનો નાસ્તો અને થેપલાં પણ તેઓ રાખે જ છે પણ નૉર્મલી વડીલોને એવું હોય છેને કે ‘આવું ન ફાવે અને આવું ન ભાવે’ એવું તેમની ડિક્શનરીમાં નથી. એટલે તેઓ ટ્રાવેલિંગ પણ એકદમ હોંશથી એન્જૉય કરે છે. હમણાં અમે શ્રીલંકા પણ જઈ આવ્યાં.’
ત્રણ જનરેશનને સાથે ફરતી જોઈને વિદેશીઓ પણ ખૂબ રાજી-રાજી થઈ જાય
પુષ્પા ભાયાણી પૌત્ર સાથે.
પોઇસરમાં રહેતાં ૭૯ વર્ષનાં પુષ્પા ભાયાણી કહે છે, ‘જુવાનીમાં અને છોકરાઓને પરણાવ્યાં ત્યાં સુધી અમે દેવદર્શન કરવા અને સાધુસંતોનાં દર્શને જતાં હતાં. મને પણ ધર્મમાં ઘણો રસ છે. બહાર ફરવાનું પણ એટલું જ ગમે પણ ત્યારે આર્થિક સ્થિતિ અને સમયના અભાવને લીધે અમે કશે જઈ શકતાં નહોતાં જે ઇચ્છા હવે મારો પૌત્ર પૂરી કરી રહ્યો છે. તે મને ટર્કી, યુએસ, દુબઈ, સિંગાપોર જેવાં આઠ વિદેશી સ્થળો ફેરવી લાવ્યો છે. મારો પૌત્ર ૧૨ વર્ષનો હતો ત્યારથી તે મને સાથે આવવાનો આગ્રહ કરતો. બા સાથે આવશે તો જ હું આવીશ એવું જ કહેતો. આજે તો તે મોટો થઈ ગયો છે અને મને બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરાવે છે જેથી કમ્ફર્ટેબલ પ્રવાસ થઈ શકે. સાથે વ્હીલચૅર રાખીએ છીએ એટલે મારે બહુ ચાલવું ન પડે. વિદેશમાં મૉલમાં જઈએ તો હું પણ જાઉં. ભલે બહુ ચલાય નહીં તો એક જગ્યાએ બેસી રહું પણ જાઉં તો ખરી જ. એમ નહીં કે વિદેશ આવીને આખો દિવસ હોટેલમાં જ બેસી રહેવાનું. હું તો ખૂબ જ એન્જૉય કરું છું. મને સાડીનો શોખ એટલો બધો કે સાડી પહેરીને જ બધે જાઉં. ટર્કી ગયાં હતાં તો ત્યાં લોકલ લોકો આવીને મારી સાથે ફોટો પડાવીને જતા હતા. ત્રણ જનરેશનને સાથે ફરતી જોઈને વિદેશીઓ પણ ખૂબ ખુશ થઈ જાય છે. હું વર્ષમાં ત્રણથી ચાર વખત તો બહાર ફરવા જાઉં જ છું. મારી બધી ઇચ્છાઓ આજે મારો પૌત્ર પૂરી કરી રહ્યો છે.’
૮૦ વર્ષે ફૅમિલી સાથે વાર્ષિક બે ટૂર કરવાની એટલે કરવાની એવો નિયમ છે
છાયા ગણાત્રા સાસુ સાથે.
પહેલાં બધા સંયુક્ત પરિવારમાં રહેતા હતા, ઘરકામ ઘણું રહેતું હતું એમ જણાવીને વાતને આગળ વધારતાં દહિસરમાં રહેતાં છાયા ગણાત્રા કહે છે, ‘મારા સસરાની દુકાન પણ હતી એટલે સમય સાચવવાનો રહેતો. મારાં સાસુ વિજયાબહેનને મંદિરમાં જવાનો અને અલગ-અલગ જગ્યા એક્સપ્લોર કરવાનો પહેલાંથી શોખ હતો, પરંતુ એ સમયે આ શક્ય બની શક્યું નહીં. ત્યાર બાદ તેમનાં બાળકોને ઠરીઠામ કરવામાં અને પોતાની ત્રીજી પેઢીને સાચવવામાં સમય વીતતો ગયો. પણ જ્યારે અમારાં સંતાનો મોટાં થયાં અને સમજતાં થયાં ત્યારથી તેમને થવા લાગ્યું કે બાને તેમની મનપસંદ જગ્યાઓ અને સ્થળોની મુલાકાત માટે લઈ જવી જોઈએ. હવે તેઓ નહીં જાય તો ક્યારે જશે? તેઓ બાને એટલે કે મારાં સાસુને હૃષીકેશ, નેપાલ, જગન્નાથપુરી, કચ્છ વગેરે ફેરવી આવ્યાં છે. મારો દીકરો છેલ્લાં ત્રણ વર્ષથી બહારગામ છે. મારી દીકરી પંક્તિ મુંબઈમાં છે અને પરિણીત છે એટલે તે અથવા તો મારા દિયરની દીકરી ખેવના તેમનાં દાદી અને અમને બધે લઈ જાય છે. મારા સસરા ૨૦૧૩માં એક્સપાયર થઈ ગયા હતા.
ત્યાર બાદ તેઓ થોડાં મુંઝાયેલાં રહેતાં અને ઘરની બહાર પણ ઓછું નીકળતાં હતાં પણ અમારાં બાળકો તેમને ઘરમાંથી બહાર લાવ્યાં અને દુનિયા બતાવી. દર વર્ષે બે ટૂર તો બા સાથે અમે કરીએ જ. આજે તેઓ ૮૦ વર્ષનાં છે. બહુ હોંશીલાં છે. તેમને બહાર બધા સાથે મિક્સ થવાનું અને બધામાં ભાગ લેવાનું બહુ ગમે. તેમની બહાર ફરવાની ઇચ્છા પૂરી થઈ રહી હોઈ તેઓ એટલાં ખુશ રહે છે કે ન પૂછો વાત.’

