Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > આને કહેવાય ટ્રાવેલિંગનો શોખ: ટ્રૅક્ટરને મૉડિફાય કરીને ઊંચા પહાડોમાં ફરી રહ્યો છે આ ભોમિયો

આને કહેવાય ટ્રાવેલિંગનો શોખ: ટ્રૅક્ટરને મૉડિફાય કરીને ઊંચા પહાડોમાં ફરી રહ્યો છે આ ભોમિયો

Published : 05 April, 2026 01:56 PM | IST | Mumbai
Laxmi Vanita

હરિયાણાના રૉકી કટારિયાએ પોતાના ટ્રૅક્ટરમાં રહેવા-ખાવા-પીવા-સૂવાની તમામ વ્યવસ્થાઓ કરીને એને ફરવા માટે સજ્જ કરી નાખ્યું છે. આ ટ્રૅક્ટર લઈને તે લદ્દાખ, સ્પીતિ વૅલી, ચારધામ, આદિ કૈલાસ અને ઓમ પર્વતની યાત્રા કરી ચૂક્યો છે

ટ્રૅક્ટરને મૉડિફાય કરીને ઊંચા પહાડોમાં ફરી રહ્યો છે આ ભોમિયો

ટ્રૅક્ટરને મૉડિફાય કરીને ઊંચા પહાડોમાં ફરી રહ્યો છે આ ભોમિયો


પ્રવાસપ્રેમી લોકો માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જતા લોકો નથી, તેઓ એક્સપ્લોરર છે જે મુસાફરી કરવાની રીતને નવી દિશા આપે છે. તેમની અંદરની સાહસિકતા અને દુનિયા જોવા માટેની તલપ તેમને નવી-નવી રીતો શોધવા પ્રેરિત કરે છે. આવા પ્રવાસપ્રેમીઓના ઉત્સાહ અને જુસ્સાને કારણે આજે મુસાફરીના ક્ષેત્રમાં અનેક નવીનતાઓ જોવા મળે છે - કૅમ્પર વૅન્સ, ઓવરલૅન્ડિંગ વાહનો, મોબાઇલ હોમ્સ અને રસ્તા પર રહીને દુનિયા શોધવાની અનોખી રીતો. આ લોકો સાબિત કરે છે કે મુસાફરી માત્ર ગંતવ્ય સુધી પહોંચવાની બાબત નથી, એ સ્વતંત્રતા, સર્જનાત્મકતા અને નવી સંભાવનાઓ શોધવાની એક સતત યાત્રા છે. તેમની દરેક સફર માત્ર તેમના માટે જ નહીં પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે કે તેઓ દુનિયાને નવી નજરથી જોશે અને પોતાની રીતે એને શોધવાનું સાહસ કરશે. એવા જ એક સાહસની વાત કરવાની છે. ક્યારેય ટ્રૅક્ટર કૅમ્પર વિશે સાંભળ્યું છે? હરિયાણાના સોનીપતના શાહપુર ગામના રહેવાસી રૉકી કટારિયાએ ટ્રૅક્ટરને કૅમ્પર વૅનમાં બદલીને ફરવાનું શરૂ કર્યું. શાહપુર ગામને કારણે રૉકી શાહપુરિયા તરીકે જાણીતો થયો છે આ યુવાન. છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરેલી તેની આ રોચક સફર વિશે જાણીએ.

મજાકની વાતે જન્મ આપ્યો ટ્રૅક્ટર કૅમ્પરને



રૉકી કટારિયાના પિતા નિવૃત આર્મી ઑફિસર છે. અંગત કારણોસર પરિવારને પોતાની જમીન વેચવી પડી અને આર્થિક સંકડામણમાં જ રૉકી મોટો થયો. નાનપણથી જ ફરવાનો શોખ હતો પરંતુ કોઈ વાહન કે પૈસા નહોતા. એવામાં વાત-વાતમાં તેના જીજાજીએ કહ્યું કે તું ટ્રૅક્ટરથી જ દુનિયા ફરી લે. બસ, આ વાતને રૉકીએ ગંભીરતાથી લઈ લીધી. રૉકીએ સ્થાનિક વેલ્ડરની મદદથી પોતાના ૪×૪ ડીઝલ ટ્રૅક્ટરને એક અનોખા ટ્રૅક્ટર કૅમ્પરમાં ફેરવવા એમાં અનેક ટેક્નિકલ અને ઉપયોગી ફેરફારો કરી દીધા. મૂળ ટ્રૅક્ટર લગભગ ૫૦થી ૬૫ HP (હૉર્સપાવર) ક્ષમતા ધરાવતું ચાર પૈડાંવાળું છે, જે પહાડી અને કાચા રસ્તાઓ પર વધારે ટૉર્ક એટલે કે જે પહાડોમાં વાહનને ઉપર જવામાં સહાય કરતા રોટેશનલ ફોર્સ અને મજબૂત પકડ માટે પસંદ કરવામાં આવ્યું હતું. ટ્રૅક્ટરના પાછળના ભાગમાં ખાસ સ્ટીલ ફ્રેમ પર આધારિત એક કૅમ્પર કૅબિન બનાવવામાં આવી છે જે સામાન્ય ટ્રૉલી શૅસિ એટલે કે વાહનના ઢાંચા કે ફ્રેમ પર ફિટ કરવામાં આવી છે. આ કૅબિનની બહારની બૉડી ઍલ્યુમિનિયમ અથવા ફાઇબર પૅનલથી બનાવવામાં આવી છે જેથી વજન ઓછું રહે અને વરસાદ, ઠંડી તથા ધૂળથી સુરક્ષા મળી રહે. કૅબિનની અંદર સૂવાની સુવિધા માટે મૅટ્રેસ સાથે બેડ-પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યું છે જે નીચે સ્ટોરેજ તરીકે પણ ઉપયોગી બને છે. વીજળી માટે ડ્યુઅલ બૅટરી સિસ્ટમ સાથે ઇન્વર્ટર, છત પર સોલર પૅનલ, LED લાઇટ્સ અને મોબાઇલ ચાર્જિંગ માટે USB પોર્ટ્‌સ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેથી દૂરના વિસ્તારોમાં પણ મૂળભૂત વીજળી મળી રહે. રસોઈ માટે કૅમ્પરમાં નાનું કિચન સેટઅપ છે જેમાં ઇન્ડક્શન સ્ટવ અને રસોઈનાં વાસણો રાખવા માટે અલગ જગ્યા બનાવવામાં આવી છે. પાણી માટે લગભગ ૨૦થી ૫૦ લીટર ક્ષમતાવાળી વૉટર-ટૅન્ક અને સરળ ટૅપ-સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં સલામત મુસાફરી માટે ટ્રૅક્ટરમાં હેવી બમ્પર, હેવી-ડ્યુટી ઑફ-રોડ ટાયર્સ, વધારાની હેડલાઇટ્સ અને ફૉગ લાઇટ્સ, રૂફ રૅક, સ્પેર વ્હીલ માઉન્ટ અને જરૂરી ટૂલ કિટ જેવી વ્યવસ્થાઓ પણ ઉમેરવામાં આવી છે. આ બધા ફેરફારોના કારણે સામાન્ય ખેતી માટેનું ટ્રૅક્ટર એક સંપૂર્ણ મોબાઇલ હોમ અને લાંબી સાહસિક યાત્રાઓ માટે યોગ્ય કૅમ્પર વાહનમાં પરિવર્તિત થઈ ગયું છે.


પ્રવાસની શરૂઆત હિમાલયથી

રૉકીએ હિમાલયના કઠિન માર્ગો તરફ પ્રવાસ શરૂ કર્યો. તેની પ્રથમ મોટી સાહસિક યાત્રાઓમાં લદ્દાખનો સમાવેશ થાય છે જ્યાં ઊંચાઈ, ઑક્સિજનની અછત અને કઠિન પહાડી રસ્તાઓ જેવી મુશ્કેલીઓ હોવા છતાં તેણે પોતાના ટ્રૅક્ટર સાથે સફળતાપૂર્વક સફર પૂર્ણ કરી. ત્યાર બાદ તેણે સ્પીતિ વૅલીનો પ્રવાસ કર્યો, જેમાં ખાસ કરીને વિન્ટર સ્પીતિની સફર ખૂબ પડકારજનક રહી કારણ કે ત્યાં ભારે બરફવર્ષા, અત્યંત ઠંડી અને બંધ થતા રસ્તાઓ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. આ યાત્રાઓ દરમિયાન તે પોતાના ટ્રૅક્ટર કૅમ્પરમાં જ રહેતો હતો જેમાં સૂવાની અને રસોઈ કરવાની વ્યવસ્થા હતી જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ તે સ્વતંત્ર રીતે પ્રવાસ કરી શકતો હતો. તેના અનુભવમાં તેણે એક વાત પર ભાર મૂક્યો છે કે કાર અને બાઇકથી સ્થાનિક લોકો સાથે મિત્રતા કદાચ મુશ્કેલ બને પરંતુ ટ્રૅક્ટર તો ગામના લોકોને પોતાનું લાગે એટલે કોઈ લિફ્ટ માગતાં પણ ખચકાતું નથી. તેની સફરમાં તેને ઘણા લોકોને જાણવાનો મોકો મળ્યો. પરિવાર સાથે પણ એક યાત્રાનો અનુભવ કર્યો. આગળ ચાલીને તેણે આધ્યાત્મિક અને દુર્ગમ સ્થળો જેવાં કે આદિ કૈલાશ અને ઓમ પર્વતની સોલો યાત્રા પણ પોતાના ટ્રૅક્ટર સાથે પૂર્ણ કરી, જેના રસ્તાઓ ઊંચા પર્વતીય વિસ્તારમાં અને અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં આવેલા છે. એમાંય પહાડોના રસ્તા પર કયાં વાહનો લઈ જઈ શકાય એના નિયમો હોય છે. અમુક રસ્તાઓ પર ટ્રૅક્ટર ચલાવવાની પરવાનગી નથી હોતી. રૉકી આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને પોતાનો રસ્તો શોધીને સ્થાન પર પહોંચતો હતો. તેની આ યાત્રાઓ માત્ર વ્યક્તિગત સાહસ નહીં પરંતુ મુસાફરીમાં નવીનતા અને જુસ્સાનું ઉદાહરણ બની છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 01:56 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK