Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિન બન્યો સર : અમદાવાદમાં ક્રિકેટ શીખતાં બાળકો, પેરન્ટ્સ અને કોચનો લીધો ક્લાસ

સચિન બન્યો સર : અમદાવાદમાં ક્રિકેટ શીખતાં બાળકો, પેરન્ટ્સ અને કોચનો લીધો ક્લાસ

Published : 20 May, 2026 03:09 PM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઊભરતા ખેલાડીઓને શિખામણ આપી કે શૉર્ટકટ ન લેતા, પેરન્ટ્સ પાસેથી પ્રૉમિસ લીધું કે બાળકોને પ્રેશરાઇઝ ન કરતાં

અમદાવાદમાં SRT10 અલ્ટવોલ સેન્ટર ઑફ એક્સલન્સની ઇવેન્ટ દરમ્યાન ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, સચિન તેન્ડુલકર, ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહ અને ગુજરાતના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે સ્પોર્ટ્‍સને લઈને ચર્ચા કરી હતી.

અમદાવાદમાં SRT10 અલ્ટવોલ સેન્ટર ઑફ એક્સલન્સની ઇવેન્ટ દરમ્યાન ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, સચિન તેન્ડુલકર, ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહ અને ગુજરાતના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે સ્પોર્ટ્‍સને લઈને ચર્ચા કરી હતી.


સચિન તેન્ડુલકર ગઈ કાલે અમદાવાદમાં ‘સર’ બન્યો હતો. અમદાવાદમાં ક્રિકેટ શીખતાં બાળકો અને તેમનાં પેરન્ટ્સ અને કોચનો તેણે ‘ક્લાસ’ લીધો હતો. સચિને ઊભરતા ખેલાડીઓને શિખામણ આપી હતી કે જીવનમાં શૉર્ટકટ ન લેતા, તો પેરન્ટ્સ પાસેથી પ્રૉમિસ લીધું હતું કે બાળકોને પ્રેશરાઇઝ ન કરતાં. અમદાવાદમાં સચિન રમેશ તેન્ડુલકર (SRT)10 અલ્ટવોલ સેન્ટર ઑફ એક્સલન્સ સ્પોર્ટ્સ ઍકૅડેમીમાં સચિન તેન્ડુલકરે ક્રિકેટ શીખી રહેલા ઊભરતા ક્રિકેટર્સને ક્રિકેટની ‘ABCD’ શીખવી હતી. મેદાન પર જઈને સચિને બાળકોને બૅટિંગ સહિત ક્રિકેટની ટેક્નિક શીખવી હતી. એ ઉપરાંત ક્રિકેટ રમવા ઉત્સુક બાળકો, તેમના પેરન્ટ્સ અને કોચને માર્ગદર્શન આપ્યું હતું.


અમદાવાદમાં સચિન તેન્ડુલકરે બાળકોને ક્રિકેટની ટેક્નિક શીખવી હતી.



ક્રિકેટમાં કરીઅર બનાવવા માગતાં બાળકો માટે જાણે મોટિવેશનલ સ્પીકરની ભૂમિકા નિભાવતો હોય એમ સચિને બાળકોને ટિપ્સ આપીને પ્રોત્સાહિત કર્યાં હતાં. બાળકો, તેમનાં પેરન્ટ્સ તેમ જ કોચને સંબોધતાં સચિને કહ્યું હતું કે ‘તમે સમજો કે રાતોરાત બધું નથી થઈ જતું. બાળકની સફળતા માટે મહેનત કરવી પડશે. એનાથી ઉપર બાળકને ફ્રીડમ આપવી પડશે. ફ્રીડમ અને અેન્કરેજમેન્ટ ગ્રેટ કૉમ્બિનેશન છે. એ પછી રિઝલ્ટ મળશે. મેં જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે હું આ બાળકોની જેમ ૧૧–૧૨ વર્ષનો હતો ત્યારે મારા પેરન્ટ્સે મારા પર ક્યારેય પ્રેશરાઇઝ નહોતું કર્યું અને પ્રશ્નો નહોતા કરતા કે રન બનાવીને કેમ નથી આવતો? હું ક્લબ મૅચ અને પ્રૅક્ટિસ મૅચ રમતો હતો ત્યારે પહેલી બે મૅચમાં ઝીરો પર આઉટ થઈને ઘરે આવ્યો હતો. ત્રીજી મૅચમાં એક રન બનાવ્યો હતો. બાળકોને હું સમજાવવા માગું છું કે દરેક વખતે તમે રમવા જાઓ તો સક્સેસફુલ નહીં રહો. દરેક વખતે તૈયારી કરીને જઈ શકો છો. સફળતાની ક્યારેય ખાતરી નથી હોતી, પરંતુ તમારી તૈયારી અને શિસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરો. આ બધી બાબતો તમારા હાથમાં છે. તમારે ભારત વતી રમવું હોય તો પછી તમારે ચોક્કસ કાર્યો કરવાં પડશે. શૉર્ટકટ લેશો તો આખી દુનિયા સામે એક્સપોઝ થઈ જશો, કેમ કે ક્રિકેટ બધાની સામે રમાય છે એટલે શૉર્ટકટ ન લેશો.’



સચિન તેન્ડુલકરે અમદાવાદમાં બાળકો, તેમના પેરન્ટ્સ અને કોચને માર્ગદર્શન આપ્યું હતું.


બૅટ પર સચિન તેન્ડુલકરના ઑટોગ્રાફ લેવા માટે બાળકોએ પડાપડી કરી હતી.


સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ‘પેરન્ટ્સ પાસેથી એક પ્રૉમિસ લેવા માગું છું કે તમે તમારાં બાળકોને પ્રેશરાઇઝ ન કરતાં. દરેક બૅટર આઉટ થાય છે, દરેક બોલરના રન જાય છે એ નૉર્મલ બાબત છે. દર વખતે જોઈએ એવું રિઝલ્ટ ન મળી શકે, પણ તમે બૅલૅન્સ દેખાડી શકો છો. ફેલ્યર અને સારા દિવસો વચ્ચે બૅલૅન્સ રાખવાનું શીખવાડશો તો એની હૅબિટ પડશે. આ બાળકો ભારતનું ફ્યુચર છે. રાતોરાત રિઝલ્ટ મળે એની અપેક્ષા ન રાખતાં. એવું ક્યારેય થઈ શકતું નથી. એને માટે તમારે મહેનત કરવી પડશે, તમારે પ્રિપેર થવું પડશે.’

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 03:09 PM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK