છત્રપતિ શિવાજી મહારાજના કાળના, મરાઠા મિલિટરી લૅન્ડસ્કેપના એક ડઝન કિલ્લાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યા છે ત્યારે આ ફોર્ટ્સ વિશે જાણીએ વિગતવાર
મહારાષ્ટ્રની સરકાર દ્વારા થોડા દિવસ પહેલાં એક ગૌરવપ્રદ જાહેરાત કરવામાં આવી. મહાન મરાઠા શાસક જેમણે મોગલ આક્રાંતાઓને મહારાષ્ટ્રથી લઈને સમગ્ર દક્ષિણ ભારતનો કબજો મેળવતા રોક્યા હતા અને અનેક યુદ્ધોમાં તેમને પરાજયનો સામનો કરાવ્યો હતો એવા છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ હવે યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO)ની હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રની રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત આવતા પુરાતત્ત્વ અને સંગ્રહાલય નિર્દેશાલય દ્વારા આ માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો અને શરૂ થયા આ ગૌરવાન્વિત સિદ્ધિ માટેના પ્રયત્નો. એના પરિણામસ્વરૂપ આખરે મહારાષ્ટ્રના ૧૧ અને તામિલનાડુનો એક કિલ્લો મળીને કુલ ૧૨ કિલ્લાઓને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સ્થાન મળ્યું. મહારાષ્ટ્રના રાયગડ, પ્રતાપગડ, પન્હાલા, શિવનેરી, લોહગડ, સાલ્હેર, સિંધુદુર્ગ, સુવર્ણદુર્ગ, વિજયદુર્ગ અને ખંડેરી સાથે તામિલનાડુનો જિંજીનો કિલ્લો આ યાદીમાં સ્થાન પામ્યા છે.
યુનેસ્કોની હેરિટેજ સાઇટ્સની યાદીમાં સ્થાન પામવું એ કોઈ સામાન્ય ઘટના નથી. આ માટે અનેક માપદંડો અને સ્થળનું અસામાન્ય મહત્ત્વ જેવી કંઈકેટલીયે બાબતો સામેલ હોય છે. જેમ કે હમણાં જ સ્થાન પામેલા ૧૨ ઐતિહાસિક કિલ્લાઓની જ વાત કરીએ તો સૌથી મહત્ત્વનું પાસું એવું એમનું ઉત્કૃષ્ટ સાર્વભૌમિક મૂલ્ય છે જે એમને આ યાદીમાં સ્થાન અપાવી રહ્યું છે. એમાં એ સમયગાળામાં એનું સૈન્ય-મૂલ્ય અને સ્થાપત્યશૈલી સાથે જ સૌથી મોખરે એવો સાંસ્કૃતિક વારસો અને મહત્ત્વ સામેલ છે. આ કિલ્લાઓ કોઈ સ્થાપત્યનો બેનમૂન નમૂનો માત્ર નથી. આ તમામેતમામ કિલ્લાઓ મહારાષ્ટ્રની બહાદુરી, એક અજય હિન્દુ રાજવીના ઇતિહાસના સાક્ષી, એ સમયની ભારતની સ્થાપત્ય પરંપરા અને હિન્દુ સનાતન સ્વરાજ્યનું પ્રમાણ છે.
મહારાષ્ટ્ર સરકારના પ્રયત્નોની શરૂઆત
૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રની રાજ્ય સરકારના સાંસ્કૃતિક બાબતો અને સૂચના પ્રધાન આશિષ શેલારના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળની રચના કરવામાં આવી. આ મંડળે ‘ભારતના મરાઠા સૈન્ય પરિદૃશ્ય’ની અવધારણા હેઠળ મહાન મરાઠા સામ્રાજ્યના રાજવી એવા છત્રપતિ શિવાજી મહારાજના તમામ કિલ્લાઓની એક યાદી તૈયાર કરી. એ યાદી અનુસાર એ તમામ કિલ્લાઓનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ શું છે એ વર્ણિત કરવામાં આવ્યું અને ત્યાર બાદ એ યાદી રજૂ કરવામાં આવી કેન્દ્ર સરકાર સમક્ષ. વડા પ્રધાનના કાર્યાલય દ્વારા ત્યાર બાદ મરાઠા સૈન્ય વાસ્તુકલાના એ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું અને નક્કી થયું કે હવે પ્રસ્તાવ આગળ યુનેસ્કો સુધી લઈ જવામાં આવે. એમાં આર્કિયોલૉજીના જાણકાર અને આર્કિટેક્ટ ડૉ. શિખા જૈન અને આર્કિયોલૉજીના ડિરેક્ટર ડૉ. તેજસ ગર્ગ દ્વારા આ પ્રસ્તાવને યુનેસ્કોમાં રજૂ કરવાયોગ્ય બનાવવામાં આવ્યો અને ત્યાર બાદ કેન્દ્ર સરકાર સાથે મળીને આ યાદીમાં સામેલ એવા કિલ્લાઓને ‘યુનેસ્કો વિશ્વ ધરોહર’નો દરજ્જો અપાવવા માટેના પ્રારંભિક પ્રયત્નો શરૂ થયા.
આશિષ શેલારના નેતૃત્વ હેઠળનું આ મંડળ ત્યાર બાદ આપણી ધરોહરના આ મહાન વારસાની વિગતો લઈને પૅરિસ ગયું અને ત્યાં યુનેસ્કો સામે રજૂ કરવામાં આવી તમામ વિગતો. ત્યાર બાદ યુનેસ્કો દ્વારા એ તમામ સાઇટ્સની વિઝિટ થઈ, એના ઐતિહાસિક મહત્ત્વ અને સાંસ્કૃતિક વારસાને સમજવામાં આવ્યાં. આખરે રાજ્ય સરકારને એ દરેક કિલ્લાને માત્ર મહારાષ્ટ્રના નહીં, માત્ર ભારતના પણ નહીં પરંતુ વિશ્વ ધરોહરમાં સ્થાન અપાવવામાં સફળતા મળી.
મરાઠાઓ અને મહારાષ્ટ્ર માટે તો આ એક અત્યંત ગૌરવની બાબત છે જ, એની સાથે ભારત દેશના દરેક નાગરિક માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે આપણી ઐતિહાસિક ધરોહર હવે વિશ્વની ધરોહર તરીકે સ્થાન પામી છે. મહાન મરાઠા, અપ્રતિમ લડવૈયા અને જેમણે આખા વિશ્વને ગેરીલા યુદ્ધ જેવી અસામાન્ય રણનીતિનો વારસો આપ્યો તેમનાં પોતીકાં સ્થળોની મુલાકાત અને નોંધ હવે આખું વિશ્વ લેશે. ‘હિન્દવી સ્વરાજ્ય’ અર્થાત્ ‘સ્વશાસન’ના સંસ્કાર અને ખુમારી આ દેશને જેમણે આપી હતી એવા મહાન રાજવી અને તેમના સ્થાપત્યને સમર્થન મળ્યું છે, કારણ કે આ ૧૨ કિલ્લાઓ માત્ર કિલ્લાઓ કે સ્થાપત્યો જ નથી પરંતુ વિભિન્ન જાતિ અને સમુદાયના લોકોને એક એવા રાજ્યના નિર્માણ માટે એકજૂટ કર્યાની નિશાની છે જેણે પોતાના નાગરિકોના કલ્યાણ, સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી હતી.
શા માટે મહત્ત્વના છે આ કિલ્લાઓ?
ભારતના મહાન હિન્દુ સ્વરાજ્યના ઉદાહરણ સમા આ ૧૨ કિલ્લાઓ માત્ર કોઈ પથ્થરના અવશેષ નથી. આ તમામ કિલ્લાઓ મરાઠા સંપ્રભુતાની પણ નિશાની છે. સાથે જ સાબિતીઓ છે રણનીતિ કૌશલની, શક્તિશાળી સાંસ્કૃતિક વારસાની અને આ બધા સાથે આ કિલ્લાઓ તાદૃશ નમૂનો છે ભારતની બેનમૂન એન્જિનિયરિંગ અને સ્થાપત્યકલા અંગેના ગૂઢ જ્ઞાનનો. આ ૧૨ કિલ્લાઓમાં કોઈક કિલ્લો અત્યંત મુશ્કેલ ચડાઈવાળા પહાડો પર બન્યો છે તો કોઈક સમુદ્રકિનારે, કોઈક વળી સમુદ્રમાં જ ઊભરી આવેલા દ્વીપ પર બન્યો છે તો કોઈક પહાડો પર રચાયેલા મેદાની વિસ્તાર પર. આ દરેકેદરેક કિલ્લો ભારતના અને એ મહાન રાજવીના સૈન્યબળ અને સૈન્યયોજનાના કૌશલની, એ માટે જરૂરી ભૂગોળની ઊંડાણપૂર્વકની સમજની નિશાનીઓ છે. આથી જ યુનેસ્કો દ્વારા એમને માન્યતા મળી છે ત્યારે આ કિલ્લાઓ હવે માત્ર મહારાષ્ટ્રની કે ભારતની જ નહીં પરંતુ વિશ્વની મહાન રક્ષાત્મક સંરચનાઓમાં સ્થાન પામી ચૂક્યા છે. ભારતનાં એ એવાં દૂરંદેશી સ્થાપત્યો જેમણે રક્ષાત્મક કિલ્લાઓની સાથે જ શાસનનું કેન્દ્ર પણ બનીને બેવડી ભૂમિકા નિભાવી હતી. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં આવેલા આ કિલ્લાઓ મહાન મરાઠા સામ્રાજ્યની અંતરદેશીય અને સમુદ્રતટીય વિરાસતને જોડતી કડીરૂપ છે. એટલું જ નહીં, આ કિલ્લાઓ અને આ વિરાસત આમંત્રણ છે ભારતના એક નિર્ણાયક યુગ વિશેની હજી વધુ ઘણી શોધ કરવા અંગેનું, આમંત્રણ છે એ અનેક રહસ્યોને ઉજાગર કરવાનું જે આ ધરોહરો સાથે ક્યાંક સાંસ્કૃતિક વારસા તરીકે દટાઈને પડ્યાં છે.
કિલ્લાઓ હવે વિશ્વ ધરોહર
ભારત માટે આ માત્ર એક સાંસ્કૃતિક ઉપલબ્ધિ નથી; પરંતુ એક દૃષ્ટિએ વિશ્વસ્તરે સ્વીકાર છે ભારતના અભેદ્ય વારસાનો, અપ્રતિમ સાહસ, કલા અને સૈન્યબળનો. પૅરિસમાં વિશ્વ ધરોહર સમિતિના ૪૭મા સત્રની શરૂઆત થઈ ત્યારે ભારત તરફથી પ્રસ્તુત એ કિલ્લાઓને માત્ર હેરિટેજ સાઇટ્સ તરીકેની નહીં પરંતુ એ વારસાને પણ માન્યતા મળી છે. ભારત હવે આ નવી યાદી સાથે પોતાના દેશમાં વિશ્વ ધરોહરની યાદીમાં કુલ ૪૪ સ્થળોને જોડી ચૂક્યું છે.
૧૭મી સદીથી લઈને છેક ૧૯મી સદી સુધીની મરાઠા સૈન્યશક્તિને તાદૃશ કરનારા આ ૧૨ કિલ્લાઓ સાધારણ કિલ્લેબંધી કે સૈન્ય-સંરચનાના બેનમૂન નમૂનાથી ક્યાંય અધિક છે. આ સંરચનાઓ મરાઠા સામ્રાજ્યની રક્ષાનીતિ, ભૂગોળ અને રાજનૈતિક રણનીતિ પર ઉત્કૃષ્ટ પકડને દર્શાવે છે. યુનેસ્કોમાં જ્યારે આ અંગે પ્રસ્તાવ રજૂ થયો એ પહેલાં અને ત્યાર પછી પણ ઇન્ટરનૅશનલ કાઉન્સિલ ઑન મૉન્યુમેન્ટ્સ ઍન્ડ સાઇટ્સ (ICOMOS) અને વૈશ્વિક ધરોહરનું આકલન કરતી સંસ્થાઓ દ્વારા ૧૮ મહિના સુધી એક-એક સ્થળનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. એમાં આજુબાજુનાં સ્થળોની ભૂગોળથી લઈને રણનીતિક દૂરદર્શિતા, એનાં સ્થાપત્યો સમયે કેવી-કેવી અને કેટલી મુશ્કેલીઓ નડી હશે, એવા સંજોગો સાથે એનું બાંધકામ કઈ રીતે અને કેવી રીતે કરવામાં આવ્યું હશે, કેટલા મજૂરો કે સૈન્યનો ઉપયોગ થયો હશે, આ માટે એ સમયની એન્જિનિયરિંગ સમજ અને કક્ષા કેવી હશે વગેરે જેવા તમામ આયામોનો અભ્યાસ કર્યા બાદ આજે હવે મહારાષ્ટ્ર અને તામિલનાડુના મળીને કુલ ૧૨ કિલ્લાઓ ભારતના પુરાતત્ત્વ વિભાગ અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ધરોહર વિભાગ દ્વારા સંરક્ષિત એવા યુનેસ્કો હેરિટેજ સાઇટ્સના કિલ્લાઓ બની ચૂક્યા છે. ક્યાં છે અને કેવા છે આ કિલ્લાઓ? કિલ્લાઓ માત્ર કિલ્લાઓ નથી. એના બાંધકામના આધારે એ દરેકની અલગ-અલગ વિશેષતાઓ છે.
20 July, 2025 05:33 IST | Mumbai | Aashutosh Desai