સુરતમાં પાંચ વર્ષની બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગે હાથ ધરેલી તપાસ પછી કરવામાં આવી કાર્યવાહી
ગુજરાતની રેસ્ટોરાં અને ઢાબા પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરાંમાંથી મગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ-પૉઇઝનિંગની અસર થઈ હતી. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકી આર્યાનું મોત થયું હતું. આ ઘટનાના પગલે ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ ગુજરાતમાં આવેલી હોટેલો–રેસ્ટોરાંમાં ચેકિંગના આદેશ આપ્યા હતા જેના પગલે આરોગ્ય વિભાગે ગુજરાતભરમાં તપાસ હાથ ધરી હતી જેમાં અત્યાર સુધીમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિને લઈ ગુજરાતમાં ૧૩૭ રેસ્ટોરાં તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગઈ કાલે પ્રફુલ પાનશેરિયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાને સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૮૭ રેસ્ટોરાં પર કરવામાં આવેલી આકસ્મિક તપાસની વિગતો મેળવી હતી. આ તપાસ દરમ્યાન ૧૩૭ રેસ્ટોરાંમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતાં તંત્ર દ્વારા આ તમામ રેસ્ટોરાંને તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સુરતમાં ૫૪૮ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ૨૦૯ હોટેલો અને રેસ્ટોરાં, ૩૪ ઢાબામાં ઇન્સ્પેક્શન કર્યું હતું જે દરમ્યાન કિચનની સફાઈ, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને ડેરી પ્રોડક્ટ્સના ડિસ્પ્લે બોર્ડની ચકાસણી કરીને ૫૪૮ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ૧૨૮ હોટેલ અને રેસ્ટોરાંને નોટિસ ફટકારીને રૂપિયા ૪,૪૩,૮૦૦નો વહીવટી દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત સાફસફાઈ અને ગંભીર ખામીઓ ધરાવતી ૪૩ હોટેલ અને રેસ્ટોરાંને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવી હતી.
