એક જણે પ્રેમજાળમાં ફસાવી અને પછી ૮ મિત્રો સાથે મળીને વારંવાર વારાફરતી દુષ્કર્મ કરવામાં આવતું હતું : પોલીસે નવમાંથી ૮ આરોપીઓને ઝડપી લીધા
પકડાયેલા આરોપીઓ.
ખેડા જિલ્લાના એક ગામમાં ૧૭ વર્ષની સગીર યુવતી પર ૯ મુસ્લિમ યુવકોએ ૩ વર્ષ સુધી ગૅન્ગરેપ કર્યો હોવાની અત્યંત ઘૃણાસ્પદ અને નિંદનીય ઘટના બહાર આવતાં જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ કેસમાં ફરિયાદ થતાં પોલીસે ૯ આરોપીઓમાંથી ૮ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે.
ખેડા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતા આ કેસના મુખ્ય આરોપી પરવેઝ પઠાણે ગામની જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેના ૮ મિત્રો સાથે મળીને વારંવાર વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ કરતા હતા. આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને સગીરાના નગ્ન ફોટો પાડ્યા હતા તેમ જ વિડિયો ઉતાર્યા હતા. આ ફોટો અને વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને આરોપીઓ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ કરતા હતા. આ બાબતની સગીરાના પરિવારને જાણ થતાં પરિવારે હિન્દુ સંગઠનોને સાથે રાખીને પોલીસને જાણ કરી હતી. એને પગલે પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ, માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તૌફીક પઠાણ, અયાન પઠાણ, મોઇન પઠાણ, મારુક પઠાણ, સલમાન પઠાણ સહિત ૮ લોકોને ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી સાહિલ પઠાણ ફરાર થઈ ગયો છે. પોલીસે ગઈ કાલે ચુસ્ત બંદોબસ્ત સાથે ૮ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જતાં ગામમાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.
ADVERTISEMENT
પોલીસે શું કહ્યું?
જિલ્લા પોલીસવડા વિજય પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘૧૭ વર્ષની દીકરી સાથે તેના જ ગામના ૯ મુસ્લિમ યુવાનોએ તેને વારંવાર બ્લૅકમેઇલ કરીને અલગ-અલગ જગ્યાએ બોલાવીને તેની સાથે ગૅન્ગરેપ કર્યો છે. આ બાબતે તમામ પાસાંનો અભ્યાસ કરીને ફરિયાદ દાખલ કરી છે. નવમાંથી ૮ આરોપીઓની પકડી લીધા છે.’
