રિવરફ્રન્ટ પર રવિવારે ૧૦ અને પાંચ કિલોમીટરની યોજાશે મૅરથૉન દોડ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના અમદાવાદમાં રવિવારે યોજાનારી અદાણી અમદાવાદ મૅરથૉન દેશની પહેલી એવી મૅરથૉન ઇવેન્ટ બની રહેશે જેમાં મોટી સંખ્યામાં દેશના જવાનો ભાગ લેશે. રિવરફ્રન્ટ પર યોજાનારી આ મૅરથૉનમાં ૧૦ અને ૫ કિલોમીટરની દોડ યોજાશે જેના માટે ૨૪,૦૦૦ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
૩૦ નવેમ્બરે રવિવારે ‘રન ફોર સોલ્જર્સ’ થીમ સાથે યોજાનારી મૅરથૉન વિશે અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઑફિસર સંજય આડેસરાએ કહ્યું હતું કે ‘આ વખતે મૅરથૉનમાં ૨૪,૦૦૦ જેટલા રનર્સ જુદી-જુદી કૅટેગરીમાં ભાગ લેશે જેમાં લગભગ ૪૦૦૦ આર્મ ફોર્સિસના જવાનો હશે. દેશની આ પહેલી અને એકમાત્ર મૅરથૉન ઇવેન્ટ છે જેમાં આટલી માત્રામાં આર્મ ફોર્સિસના જવાનો તેમ જ પોલીસ-કર્મચારીઓ ભાગ લેશે.’


