ચૂંટણીમાં હારી ગયા પછી પણ ઉદ્ધવ ઠાકરે એવું બોલ્યા કે રાજકારણમાં ગરમાટો આવી ગયો
શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે
ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેના સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં હાર્યા બાદ શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પહેલી વાર જાહેરમાં સંબોધન કરતાં કહ્યું હતું કે જો દેવની ઇચ્છા હોય તો આપણા પક્ષમાંથી મેયર બની શકે છે. ૨૨૭માંથી ૬૫ બેઠક જીતનારા ઉદ્ધવ ઠાકરેની આવી ટિપ્પણી બાદ મુંબઈમાં રાજકીય વિશ્ળેષકો સુધ્ધાં ચગડોળે ચડ્યા હતા.
શિવસેનાભવનમાં બોલાવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ બીજું શું-શું કહ્યું?
ADVERTISEMENT
BJPએ બધાં જ માધ્યમોનો ઉપયોગ કર્યો, પણ વફાદારી ખરીદી શકી નહીં. ગ્રાઉન્ડ પર શિવસેના (UBT)ને ખતમ કરી શકી નહીં.
BJPએ મુંબઈને ગીરવી મૂકીને, વિશ્વાસઘાત કરીને વિજય મેળવ્યો છે. મરાઠી માણસો આ પાપને ક્યારેય માફ કરશે નહીં. લડાઈ પૂરી થઈ નથી, હજી તો શરૂ થઈ છે.
દેશદ્રોહીઓએ (એકનાથ શિંદે) વિચારવું જોઈએ કે તેમણે શું પાપ કર્યું છે.
BJP માત્ર કાગળ પર એક પક્ષ છે, સાચા અર્થમાં નહીં; નહીં તો એને અન્ય પક્ષોને તોડવાની, ચૂંટણીમાં ભૂંસી શકાય એવી શાહીનો ઉપયોગ કરવાની અને રાજ્યની મશીનરીનો દુરુપયોગ કરવાની ફરજ પડી ન હોત.
વિપક્ષી ઉમેદવારોને પૈસાની લાલચ અને ધમકી આપવામાં આવી હતી અને BJPએ અમારા પક્ષનું મનોબળ નાબૂદ કરવામાં કોઈ કસર છોડી નથી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવની ઇચ્છા હશે તો અમારો મેયર બનશે, જવાબમાં દેવાભાઉએ પૂછ્યું... દેવ એટલે કોણ, હું?

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ તેમના આગવા અંદાજમાં ઉદ્ધવ ઠાકરેને પ્રતિક્રિયા આપી હતી. શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા બાદ પણ જો દેવની ઇચ્છા હશે તો મુંબઈમાં મેયર અમારા પક્ષનો બનશે એવું નિવેદન આપ્યું હતું. એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દેવ એટલે હું કે ભગવાન? BMCની ચૂંટણીમાં હાર્યા બાદ પોતાના પ્રથમ જાહેર સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘શિવસેના (UBT)નો મેયર બને એ મારું સપનું છે. જો ભગવાનની ઇચ્છા હશે તો એવું થશે.’ ત્યારે ફડણવીસે કટાક્ષ કર્યો હતો, ‘દેવનો અર્થ શું? હું કે ભગવાન? કારણ કે મને લોકો દેવા (દેવાભાઉ) પણ કહે છે. ખરેખર ઈશ્વરની ઇચ્છા છે કે મેયર મહાયુતિમાંથી બને. મેયર કોણ બનશે, ક્યારે ચૂંટાશે, ક્યાં નક્કી થશે અને કેટલાં વર્ષો સુધી રહેશે એ બધા નિર્ણય હું, એકનાથ શિંદે અને અમારા પક્ષના નેતાઓ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવશે.’
પુણેના લોકો દાદા છે, અમે સેવક: દેવેન્દ્ર ફડણવીસ
પુણે અને પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં બન્ને જૂથોને હરાવ્યા બાદ એક નિવેદનમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અજિત પવારને લોકોએ નકારી નથી કાઢ્યા, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના નેતૃત્વને સ્વીકાર્યું છે. પુણેના ‘દાદા’ કોણ હશે એ સંદર્ભના પ્રશ્નના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે પુણેના લોકો દાદા છે અને અમે તેમના સેવક છીએ. ઉલ્લેખનીય છે કે અજિત પવારને તેમના કાર્યકરો ‘દાદા’ના હુલામણા નામે બોલાવે છે.


