મહાશિવરાત્રિના પર્વમાં શિવભક્તો માત્ર પચીસ રૂપિયામાં ઘેરબેઠાં કરી શકશે બિલ્વપૂજા : ભક્તોને પોસ્ટ દ્વારા મળશે રુદ્રાક્ષ અને ભસ્મનો પ્રસાદ : ત્રણ વર્ષમાં ૧૨.૬૫ લાખ પરિવારોએ ઘેરબેઠાં કરી છે બિલ્વપૂજા
સોમનાથમાં ગઈ કાલે બિલ્વપૂજા લૉન્ચ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં ગઈ કાલે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વપૂજા લૉન્ચ કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના પર્વમાં દેવાધિદેવ મહાદેવના મંદિરમાં શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાનું માહાત્મ્ય છે ત્યારે શિવભક્તોને ઘરે બેસીને માત્ર પચીસ રૂપિયામાં સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર બિલ્વપૂજા કરવાનો લહાવો મળી શકશે. શિવભક્તો વતી પૂજારી દ્વારા બિલ્વપૂજા કરવામાં આવશે.
સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી મિથિલેશ દવેએ અભિજિત મુહૂર્તમાં બિલ્વપૂજાનું લૉન્ચિંગ કર્યું હતું. સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને શિવભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બધાએ જય સોમનાથના નારા લગાવીને આધ્યાત્મિકતાનો માહોલ રચ્યો હતો. છેલ્લાં ૩ વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ અને શ્રાવણ પર્વ પર શિવભક્તો માટે વિશેષ બિલ્વપૂજાનું આયોજન કરવામાં આવે છે જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં છેલ્લાં ૩ વર્ષમાં મહાશિવરાત્રિ સહિત શ્રાવણ મહિનામાં ૧૨.૬૫ લાખ પરિવારોએ ઑનલાઇન પૂજા નોંધાવી ઘેરબેઠાં સોમનાથદાદાને બીલીપત્રો અર્પણ કરીને ધન્યતા અનુભવી છે. આ પૂજા બાદ પ્રસાદરૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ દ્વારા શિવભક્તોને તેમના સરનામે મોકલવામાં આવ્યાં છે. આ મહાશિવરાત્રિમાં બિલ્વપૂજાનો લાભ લેવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી બિલ્વપૂજા બુક થઈ શકશે.


