Ahmedabad Jagannath Rath Yatra 2026 begins: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો; ૧૪૯મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી ભૂપેન્દ્ર પટેલે રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યો
પહિંદ વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ (Ahmedabad)માં અષાઢી બીજ (Ashadhi Beej 2026)ના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા (149th Jagannath Rath Yatra)નો મંગળ પ્રારંભ થયો છે. ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી તેમજ તેમના રથનું પરંપરાગત પૂજન-અર્ચન કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી રથની સફાઈ કરવાની સેવા નિભાવી પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને ભક્તિભાવપૂર્વક પ્રભુનો રથ ખેંચ્યો હતો. આ પાવન પ્રસંગે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ તેમની સાથે ઉપસ્થિત રહીને વિધિમાં સહભાગી બન્યા હતા.
View this post on Instagram
ADVERTISEMENT
ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી `વિકસિત ભારત`ના સંકલ્પમાં ગુજરાત અગ્રેસર રહેશે
રથયાત્રાના મહોત્સવ (Jagannath Rath Yatra 2026) નિમિત્તે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી (Gujarat CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે. આજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા નિકળ્યા છે અને પ્રભુ સ્વયં સામે ચાલીને શ્રમિકો, ગરીબો તેમજ સામાન્ય નાગરિકોને આશીર્વાદ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા `વિકસિત ભારત`ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત આશીર્વાદથી લીડ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ભગવાન સમક્ષ રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
રથયાત્રા કોમી એકતાનું પ્રતીક, સરકારી તંત્ર અને નાગરિકોનો આભાર વ્યક્ત કરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, અમદાવાદની આ ઐતિહાસિક રથયાત્રા હંમેશાથી કોમી એખલાસ અને શાંતિનું પ્રતીક બની રહી છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખડેપગે ફરજ બજાવતા તમામ સરકારી વિભાગો, સુરક્ષા એજન્સીઓ, સેવાભાવી સંસ્થાઓ અને જાગૃત નાગરિકોનો તેમણે આભાર માન્યો હતો. આ સાથે જ અષાઢી બીજના અવસરે કચ્છી નૂતન વર્ષ નિમિત્તે દેશ અને વિદેશમાં વસતા તમામ કચ્છી ભાઈ-બહેનોને (કચ્છી માડુઓને) તેમણે નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પહિંદ વિધિના પ્રસંગે રાજકીય અને વહીવટી ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ભવ્ય ધાર્મિક મહોત્સવ અને પૂજન વિધિ દરમિયાન જગન્નાથ મંદિર (Jagannath Temple)ના મહંત દિલીપદાસજી મહારાજ (Mahant Dilip Dasji Maharaj)ની પાવન ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અને સ્થાનિક ધારાસભ્યો અમિત શાહ, અમિત ઠાકર, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ તેમજ શ્રીમતી કંચનબેન રાદડિયા હાજર રહ્યા હતા. વહીવટી અને પોલીસ પ્રશાસન તરફથી રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
