વાવ બેઠક જીતી એને પગલે વિધાનસભામાં સંખ્યાબળ વધીને ૧૬૨ થયું: ગુજરાત વિધાનસભામાં ક્યારેય કોઈ એક પક્ષની આટલી બેઠકો થઈ નથી
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારનો વિજય થતાં ગુજરાત વિધાનસભામાં હવે BJPના વિધાનસભ્યોનું સંખ્યાબળ ૧૬૨ થતાં ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અને ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળમાં BJPએ જ BJPનો સૌથી વધુ વિધાનસભ્યો ધરાવવાનો રેકૉર્ડ તોડીને નવો રેકૉર્ડ રચ્યો છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં BJPના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ હોવાથી ગુજરાતમાં BJPના વિધાનસભ્યોની સંખ્યા હવે ૧૬૨ થઈ છે. આ ચૂંટણી પહેલાં BJPના વિધાનસભ્યોનું સંખ્યાબળ ૧૬૧ હતું. ગુજરાતના મતદારો BJPમાં વિશ્વાસ મૂકતા આવ્યા છે અને એના કારણે જ મતદારોએ કુલ મળીને BJPનાં ૧૬૨ કમળ ખીલવ્યાં છે. ગુજરાત વિધાનસભામાં કોઈ એક જ પક્ષની ક્યારેય આટલી બેઠકો અત્યાર સુધીના ઇતિહાસમાં થઈ નથી. ઉલ્લેખનીય છે કે ૧૯૮૫માં કૉન્ગ્રેસની સરકારમાં કૉન્ગ્રેસના ૧૪૯ વિધાનસભ્યો હતા. એ સમયે માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન હતા.
ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ બેઠક છે જેમાં BJPના હવે કુલ ૧૬૨ વિધાનસભ્યો થયા. જ્યારે કૉન્ગ્રેસના ૧૨, આમ આદમી પાર્ટીના ૪, સમાજવાદી પાર્ટીનો ૧ અને બે અપક્ષ વિધાનસભ્યો છે, જ્યારે વિસાવદરની એક બેઠક ખાલી છે.