ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, બાળાસાહેબ થોરાત, યશોમતી ઠાકુર સહિતનાં લીડર્સે પોતાની બેઠક ગુમાવીઃ રાજ્યના અધ્યક્ષ નાના પટોલે માંડ-માંડ ૨૦૮ મતથી જીત્યા
પૃથ્વીરાજ ચવાણ, બાળાસાહેબ થોરાત, યશોમતી ઠાકુર
ગઈ કાલના પરિણામે જો કોઈ પાર્ટીને સૌથી વધારે નિરાશ કરી હોય તો એ છે કૉન્ગ્રેસ. લોકસભાના પરિણામ બાદ ગ્રૅન્ડ ઓલ્ડ પાર્ટીને ઍડ્વાન્ટેજ હતો, પણ તેમણે એનો ફાયદો ઉઠાવવાને બદલે ભૂંડી હારનો સામનો કરવાનો સમય આવ્યો છે. એટલું જ નહીં, પાર્ટીના ટોચના નેતાઓએ પણ પરાજયનું મોઢું જોવું પડ્યું છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ કરાડ-દક્ષિણ, પાર્ટીના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાત સંગમનેર, યશોમતી ઠાકુર તિવસા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખનો પણ લાતુર ગ્રામીણ બેઠક પર પરાભવ થયો હતો. જોકે આ બધા વચ્ચે કૉન્ગ્રેસ માટે થોડા રાહતના સમાચાર એ હતા કે પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ નાના પટોલે ભારે રસાકસી બાદ માત્ર ૨૦૮ મતોથી સાકોલી બેઠક પર જીત્યા હતા. વિલાસરાવ દેશમુખના બીજા પુત્ર ધીરજ દેશમુખનો લાતુર શહેર બેઠક પરથી વિજય થયો હતો. આ બન્ને સીટ પર વિલાસરાવના ત્રીજા પુત્ર અને ઍક્ટર રિતેશ દેશમુખે પત્ની જેનિલિયા ડિસોઝા સાથે જોરદાર પ્રચાર કર્યો હતો. જ્યારે પાર્ટીના બીજા એક વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવાર જીતી ગયા હતા.