મુંબઈ માટે T20માં ૧૦ વાર ફિફ્ટી પ્લસની ઇનિંગ્સ રમનાર પહેલો બૅટર બન્યો
શ્રેયસ ઐયર
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ૧૭મી સીઝનના પહેલા દિવસે મુંબઈએ ગોવાને ૨૬ રને હરાવીને વિજયી શરૂઆત કરી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયરની સેન્ચુરીની મદદથી મુંબઈએ ચાર વિકેટે ૨૫૦ રન ફટકાર્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી ગોવાની ટીમ આઠ વિકેટે ૨૨૪ રન બનાવી શકી હતી.
IPL 2025ના મેગા ઑક્શન પહેલાં શ્રેયસ ઐયરની આ ઇનિંગ્સ રેકૉર્ડબ્રેક રહી હતી. તેણે ૫૭ બૉલમાં ૧૩૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ ટુર્નામેન્ટમાં ત્રણ સેન્ચુરી ફટકારનાર ઉન્મુક્ત ચંદ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા અને ઇશાન કિશન બાદ તે પાંચમો બૅટર બન્યો હતો. મુંબઈ માટે T20માં ત્રણ સેન્ચુરી ફટકારનાર પણ તે પહેલો બૅટર છે. રોહિત શર્મા, શોએબ શેખ અને પૃથ્વી શૉના નામે એક-એક સેન્ચુરી છે. ઓપનર પૃથ્વી શૉએ મુંબઈ માટે કમબૅક મૅચમાં બાવીસ બૉલમાં ૩૩ રનની ઇનિંગ્સ રમી હતી.
ADVERTISEMENT
તેણે મુંબઈ માટે T20માં દસમી વાર ફિફ્ટી પ્લસ રનનો સ્કોર કરીને આદિત્ય તારે (નવ વાર)ને પાછળ છોડ્યો હતો. મુંબઈ માટે સૌથી વધુ T20 રન ફટકારવામાં શ્રેયસ ઐયર (૧૪૯૧ રન) આદિત્ય તારે (૧૭૧૩ રન) બાદ બીજા ક્રમે આવી ગયો છે. તેણે ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (૧૪૨૦ રન)ને આ બાબતે પાછળ છોડ્યો હતો.
IPL 2025 માટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના કૅપ્ટન ઐયરને રીટેન કર્યો નહોતો. રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડમાં ૧૪૨ અને ૨૩૩ રનની ઇનિંગ્સ રમનાર ઐયરે ગઈ કાલે આ સેન્ચુરી ફટકારી મેગા ઑક્શન પહેલાં તમામ ફ્રૅન્ચાઇઝીનું ધ્યાન ખેંચ્યું હતું.
શ્રેયસ ઐયર
રન ૧૩૦
બૉલ ૫૭
ચોગ્ગા ૧૧
છગ્ગા ૧૦
સ્ટ્રાઇક-રેટ ૨૨૮.૦૭