BAPSના ગુરુવર્ય મહંતસ્વામી મહારાજે રચેલા સત્સંગ દીક્ષા ગ્રંથના આ શ્ળોક મુખપાઠ કરનાર ૧૫૦૦ બાળકોએ અમદાવાદમાં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞમાં અર્પી આહુતિ
ત્રણથી ૧૩ વર્ષના દીકરાઓએ યજ્ઞમાં આહુતિ અર્પી હતી. તસવીરો : જનક પટેલ
બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે BAPSના ગુરુવર્ય મહંતસ્વામી મહારાજે રચેલા સત્સંગ દીક્ષા ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા ૩૧૫ શ્ળોકોને ભારત અને વિદેશનાં ૩થી ૧૩ વર્ષની ઉંમરનાં ૧૫,૬૬૬ બાળકોએ કંઠસ્થ કરીને સિદ્ધિ મેળવી છે. ગઈ કાલે અમદાવાદમાં શાહીબાગ મંદિર ખાતે ૩૧૫ શ્ળોક મુખપાઠ કરનાર ૧૫૦૦ બાળકોએ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞમાં આહુતિ અર્પી ત્યારે વાતાવરણમાં પૉઝિટિવ ઊર્જાનો માહોલ સર્જાયો હતો.

ADVERTISEMENT
મમ્મીના ખોળામાં બેસીને નાની બાળાએ પણ યજ્ઞમાં આહુતિ અર્પી હતી.

છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી નિધિ સ્વામીએ ૩૧૫ શ્ળોકનો મુખપાઠ કર્યો હતો અને સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞમાં આહુતિ અર્પી હતી.
જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવનશૈલી કેવી હોવી જોઈએ, આદર્શ વ્યક્તિ બનવા શું કરવું એ સહિત જીવનનો સાર રજૂ કરતા ૩૧૫ સંસ્કૃત શ્ળોકો સાથે મહંતસ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ રચ્યો હતો. ૨૦૨૪ની દિવાળી દરમ્યાન મિશન રાજીપો અંતર્ગત ૧૦,૦૦૦ બાળકોને સંસ્કૃત મુખપાઠ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. જોકે એની સામે એક વર્ષમાં ૧૫,૬૬૬ બાળકોએ સંસ્કૃત મુખપાઠ કર્યો હતો. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત તેમ જ વિદેશનાં બાળકોએ પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, આણંદ, રાજકોટ, ભાવનગર સહિત ભારત ઉપરાંત ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુ ઝીલૅન્ડ સહિતના દેશોમાં પણ બાળકોએ સંસ્કૃતના ૩૧૫ શ્ળોકોને મુખપાઠ કરીને સિદ્ધિ હાંસલ કરી છે.


