જલારામબાપાને આપણે તેઓ ઊભા હોય એવી મુદ્રામાં જ જોયા છે, પણ માટુંગા-વેસ્ટના સુરેશ ખાખરિયાએ તેમના ઘરમાં બાપા બેઠા હોય એવી ૧૨૫ કિલો વજનની મૂર્તિ બનાવડાવી છે
ખાખરિયા ફૅમિલી અને તેમના ઘરે બિરાજેલા જલારામ બાપ્પા
આજે જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતી ઊજવાઈ રહી છે ત્યારે માટુંગા-વેસ્ટમાં રહેતી ખાખરિયા ફૅમિલીના ઘરે બિરાજમાન કરવામાં આવેલી બાપાની અનોખી મૂર્તિનાં દર્શન કરીએ. ખાખરિયા પરિવારના ઘરમાં જલારામબાપા બેઠેલી અવસ્થામાં છે અને તેમના મંદિર માટે ઘરમાં એક આખો રૂમ ફાળવવામાં આવ્યો છે. ખાખરિયા પરિવારનો દાવો છે કે બેઠા જલારામબાપાનું મંદિર બીજી કોઈ જગ્યાએ નથી. સુરેશ ખાખરિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા ઘરે માર્બલમાંથી બનાવાયેલી ૧૨૫ કિલોની જલારામબાપાની બેઠેલી અવસ્થામાં મૂર્તિ છે જેને અમે સ્પેશ્યલી બનાવડાવી છે. જયપુરના કારીગરે આ મૂર્તિ બનાવી છે. અઢી ફુટ હાઇટની આખી મૂર્તિને એક જ માર્બલના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. કારીગરે એમાં એવા ભાવ પૂર્યા છે કે જાણે જલારામબાપા સાક્ષાત્ બેસીને આરામ કરતા હોય એવું લાગે. અમે અમારા ઘરમાં એક આખો રૂમ જલારામબાપાને અર્પિત કરી દીધો છે એટલે કે એ રૂમમાં અમે બાપાનું મંદિર જ બનાવી દીધું છે જ્યાં અમે દર ગુરુવારે ઘીનો અખંડ દીવો પણ કરીએ છીએ. ગયા વર્ષે અમે જલારામ જયંતી વખતે ખીચડી-કઢીનો પ્રસાદ બનાવ્યો હતો અને નજીકના ફૅમિલી-મેમ્બર્સ સાથે સેલિબ્રેટ કરી હતી. દર વખતે અમે જલારામ જયંતીમાં સેવ-બુંદીનો પ્રસાદ કરીએ છીએ અને બધાને વહેંચીએ છીએ. અમારા ઘરના બાપાના મંદિરનાં દર્શન કરવા ઘણી સેલિબ્રિટીઝ પણ આવી ચૂકી છે.’
કેવી રીતે આવ્યો વિચાર?
ADVERTISEMENT
મારા પપ્પા લક્ષ્મીદાસ ખાખરિયા જલારામબાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા એમ જણાવીને સાબુનો વ્યવસાય કરતા સુરેશ ખાખરિયા કહે છે, ‘તેઓ અત્યારે હયાત નથી, પરંતુ જીવિત હતા ત્યારે એક વખત વીરપુર ગયા હતા. ૨૦૦૫ની આસપાસની આ વાત છે. ત્યારે તેમને બેઠા જલારામબાપાની લગભગ અડધો ફુટની મૂર્તિ મળી હતી. એને તેઓ ઘરે લાવ્યા હતા. તેઓ હંમેશાં કહેતા કે જલારામબાપા બધે ફરીને આપણા ઘરે આરામ કરવા આવ્યા છે. જોકે ત્યારે અમે પાઘડીના ઘરમાં રહેતા હતા. ચાલી હતી અને વન રૂમ કિચનનું ઘર હતું એટલે બાપા માટે ત્યારે અલગ રૂમમાં મંદિર બનાવવાનું વિચારી શકાય એમ પણ નહોતું. જોકે બાપાના આગમન બાદ અમારી એટલી પ્રગતિ થઈ કે આજે અમે પાંચ બેડરૂમના ફ્લૅટમાં રહીએ છીએ. બાપાના આગમન બાદ અમને આટલો મોટો ફ્લૅટ મળ્યો. તેમના માટે કંઈક કરવાની મારી ઇચ્છા હતી એટલે મેં એક રૂમમાં તેમના માટે મંદિર બનાવ્યું જ્યાં બેઠા જલારામબાપાની મૂર્તિ સ્થાપિત કરી. અમે રમતા બાપા બેસાડ્યા છે એટલે ડ્રાયફ્રૂટ્સનો પ્રસાદ ચડાવીએ અને પછી ઘરના સભ્યો અને હાઉસહેલ્પમાં એને વહેંચી દઈએ છીએ. ઘરના મંદિરમાં અમે જલારામબાપા સિવાય અન્ય કોઈ દેવી-દેવતાના ફોટો મૂક્યા નથી. જોકે આ બધું જોઈ શકે એ પહેલાં મારા પિતાનો દેહાંત થઈ ગયો હતો, પરંતુ તેમની ઇચ્છા પૂરી થઈ એનો મને આનંદ છે. મારા પપ્પાને જે બેઠા જલારામબાપાની મૂર્તિ મળી હતી એ આજે પણ મેં મારી દુકાનના મંદિરમાં સાચવીને મૂકી છે.’
ક્યાંય બેઠા જલારામબાપા જોયા નથી
ઘણા લોકો અમને પૂછતા હોય છે કે તમને ક્યાંથી બેઠા જલારામબાપાનો વિચાર આવ્યો, ક્યાંથી તમારા ફાધરને આ મૂર્તિ મળી હતી એમ જણાવીને ૬૧ વર્ષના સુરેશ ખાખરિયા કહે છે, ‘સાચું કહું તો આ અમારા માટે એક ચમત્કાર જ હતો કેમ કે અમે અત્યાર સુધીમાં અસંખ્ય વખત વીરપુર જઈ આવ્યા છીએ, પણ આજ સુધી ક્યારેય બેઠા જલારામબાપાની મૂર્તિ જોઈ નથી. અમે જ્યારથી ઘરે જલારામબાપાને પધરાવ્યા છે અને જેમ-જેમ લોકોને ખબર પડતી જાય છે એમ-એમ લોકો મારા ઘરે બાપાનાં દર્શન કરવા માટે આવતા રહે છે. ઉમરગામમાં પણ મારા ભાઈનું જલારામબાપાનું મંદિર છે જેમાં પણ બેઠા જલારામબાપાની મૂર્તિ પધરાવેલી છે. એનું વજન અંદાજે ૩૦૦ કિલોનું છે. ત્યાં દર જલારામ જયંતીમાં મોટા પાયે ઉત્સવ થાય છે. અમારી મૂર્તિ જોઈને મારાં સગાંમાં પણ બે-ત્રણ જણે બેઠા જલારામબાપાની મૂર્તિ બનાવી છે, પણ એ નાની-નાની છે.’


