ભૂતપૂર્વ મંગેતરે બરાબર એક વર્ષ પહેલાં રેપની ફરિયાદ નોંધાવી હોવાથી ડિપ્રેશનમાં હતો
ચેતેશ્વર પુજારાનો સાળો જીત પાબારી
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાનો સાળો જીત પાબારી કથિત રીતે આત્મહત્યા કર્યા બાદ રાજકોટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ૨૮ વર્ષના જીત રસિકલાલ પાબારીએ પોતાના ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે જ્યારે બુધવારે સવારે ક્યાંય સુધી જીતના રૂમનો દરવાજો ખૂલ્યો નહીં તો તેમણે રૂમ ખોલીને જોયું હતું. એ વખતે તે ફંદા પર લટકેલી હાલતમાં દેખાયો. જીત પાબારીને ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ પછી ચોક્કસ કારણ અને સંજોગો સ્પષ્ટ થશે.
જીત પાબારીની ભૂતપૂર્વ મંગેતરે ગયા વર્ષે ૨૬ નવેમ્બરે માલવિયાનગર પોલીસ-સ્ટેશનમાં જીત સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જીત પાબારીએ સગાઈ બાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કર્યું હતું અને પછી સગાઈ તોડી નાખી હતી. આ ફરિયાદ કર્યાના બરાબર એક વર્ષ પછી ૨૬ નવેમ્બરે જીત પાબારીએ આત્મહત્યા કરી હતી.


