મ્યુનિસિપલ કૉર્પોરેશન CNG આધારિત સ્મશાનગૃહ શરૂ કરશે
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કૂતરાઓ માટે સ્મશાનગૃહ બનાવવાનું છે જ્યાં મૃત્યુ પામેલા કૂતરાઓની કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) આધારિત ભઠ્ઠીમાં અંતિમવિધિ કરી શકાશે. એ ઉપરાંત ડૉગી મૃત્યુ પામે તો એને સ્મશાનભૂમિ સુધી લઈ જવા માટે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૅટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ઑફિસર નરેશ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉર્પોરેશને કૂતરાઓનું રેસ્ક્યુ સેન્ટર ઊભું કર્યું છે ત્યાં શહેરમાં રખડતા કૂતરાઓને પકડીને લવાશે અને ત્યાં રખાશે. એ ઉપરાંત અત્યારે શહેરમાં ૫૫૦૦ પાળેલા કૂતરાઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ ડૉગ જ્યારે મૃત્યુ પામે ત્યારે ખાડો ખોદીને એને દાટી દેવામાં આવે છે, પરંતુ ઘણા ડૉગ સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે. ડૉગ માટે વિચાર કરીને એના મૃત્યુ પછી એની ડેડ-બૉડીને દાટવાને બદલે એની અંતિમક્રિયા થાય એ માટેની વ્યવસ્થા મ્યુનિસિપલ કૉર્પોરેશન ઊભી કરવાનું છે. એના ભાગરૂપે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિરમાં મૃત્યુ પામેલા ડૉગ માટેનું સ્મશાનગૃહ બનાવવામાં આવશે જે CNGથી ચાલશે. ત્રણ મહિનામાં આ સ્મશાનગૃહ તૈયાર થઈ જશે. ડૉગ માટેનું આવું અલાયદું સ્મશાનગૃહ ગુજરાતમાં પહેલી વાર અમદાવાદમાં બનશે.’

