ભારતીય રેલવેએ પ્રોજેક્ટને આપી મંજૂરી: ડબલ લાઇનને કારણે વર્ષે ૧૨૦ લાખ ટન વધારે માલનું થશે પરિવહન : હાલ ગાંધીધામ અને નલિયા કૉરિડોરમાં આદિપુર–ભુજ વચ્ચે છે સિંગલ રેલવેલાઇન
પ્રતીકાત્મક તસવીર
કચ્છમાં પશ્ચિમ રેલવેના આદિપુર–ભુજ રેલખંડની ૪૯૩ કરોડ રૂપિયાની ડબલ રેલ ટ્રૅક યોજનાને ભારતીય રેલવેએ મંજૂરી આપી છે. એને પગલે આવનારા સમયમાં કચ્છ વિસ્તારમાં બન્ને દિશાઓમાં પ્રતિદિન બે વધારાની રેલસેવાઓના સંચાલનનો માર્ગ મોકળો થશે.
અમદાવાદના ડિવિઝનલ રેલવે મૅનેજર (DRM) વેદ પ્રકાશે કહ્યું હતું કે ‘વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલનક્ષમતામાં નોધપાત્ર વધારો થશે તેમ જ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી ડિમાન્ડને પૂરી કરવામાં મદદ મળશે. ગાંધીધામ–નલિયા કૉરિડોર પર આવેલા આદિપુર–ભુજ વચ્ચે હાલમાં સિંગલ રેલલાઇન છે. કચ્છમાં ચાલી રહેલી વિવિધ રેલવે-યોજનાઓ પૂરી થયા બાદ આ માર્ગ પર ટ્રાફિકમાં વધારો થવાની સંભાવના છે. આ યોજના પૂરી થયા બાદ બન્ને દિશામાં પ્રતિદિન બે વધારાની યાત્રી રેલસેવાઓ શરૂ કરી શકાશે. એને કારણે મુસાફરોને વધુ કનેક્ટિવિટી અને પ્રવાસની સુવિધાઓ મળશે. ડબલ લાઇનના નિર્માણથી દર વર્ષે વધારાના ૧૨૦ ટન માલનું પરિવહન શક્ય બનશે જેને કારણે લૉજિસ્ટિક વ્યવસ્થા વધુ મજબૂત બનશે.’
