દક્ષિણ મુંબઈના રહીશને ત્યાં કામ કરતા ડ્રાઇવરની ધરપકડ થઈ, લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા
વિલે પાર્લે-ઈસ્ટમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાં કિંજલ શાહ અને ટક્કર મારનારી ઇલેક્ટ્રિક SUV.
બુધવારે સાંજે સાડાચારથી પાંચ વાગ્યાની આસપાસ વિલે પાર્લે-ઈસ્ટમાં સ્ટેશન નજીક વી. એસ. ખાંડેકર રોડ પર માર્કેટ નજીક ફુલ સ્પીડમાં જતી બ્લૅક કલરના ઇલેક્ટ્રિક સ્પોર્ટ્્સ યુટિલિટી વ્હીકલ (SUV)એ ત્રણ ટૂ-વ્હીલરને ટક્કર મારતાં એક ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે બે જણ ગંભીર રીતે જખમી થયા હતા. મૃત્યુ પામેલાં ૪૧ વર્ષનાં કિંજલ શાહ કોઈ કામ માટે જવા બહાર નીકળ્યાં ત્યારે આ ઘટના બની હતી. બેદરકારીપૂર્વક પૂરઝડપે કાર ચલાવનારા ૪૪ વર્ષના ડ્રાઇવર વિલાસ ગવાણકરની ધરપકડ કરવામાં આવી હતી. વિલાસ ગવાણકરે પોલીસને પોતાના બચાવમાં કહ્યું હતું કે તેણે અચાનક કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જોકે પોલીસને તે દારૂના નશામાં હોવાની શંકા હોવાથી તેના લોહીના નમૂના લઈને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
કિંજલ શાહને અકસ્માત બાદ હૉસ્પિટલમાં લઈ જવાઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં જખમી થયેલા અન્ય બે જણનાં નામ નિર્મલાબહેન અને પ્રેમજીભાઈ હોવાનું અને તેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતના સાક્ષીએ પોલીસને આપેલા નિવેદન મુજબ કાર ખૂબ જ સ્પીડમાં આવી હતી અને એક પાર્ક કરેલા અને બે ચાલતાં ટૂ-વ્હીલરને અથડાઈ હતી. આ ઘટનામાં અન્ય લોકોને પણ નજીવી ઈજા થઈ હતી. જોકે ગાવડે હૉસ્પિટલમાં દાખલ પ્રેમજીભાઈ અને નિર્મલાબહેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
એક્સપર્ટનો ઓપિનિયન લેવામાં આવશે : પોલીસ
સાક્ષીઓનાં નિવેદનો પરથી ડ્રાઇવર વિલાસ ગવાણકર ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. પોલીસને તે દારૂના નશામાં હોવાની શંકા છે. જોકે વિલાસ ગવાણકરે તેણે અચાનક કાર પરથી કાબૂ ગુમાવ્યો હોવાનો દાવો કર્યો છે. આ દાવો સાચો છે કે નહીં એ જાણવા માટે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા ઉપરાંત એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે.
