Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફ‍ુટબૉલવાળી છોકરીઓનું ગામ કેમ કહેવાય છે ગુજરાતના મહાદેવપુરાને?

ફ‍ુટબૉલવાળી છોકરીઓનું ગામ કેમ કહેવાય છે ગુજરાતના મહાદેવપુરાને?

Published : 29 August, 2026 11:15 AM | IST | Patan
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

પાટણ જિલ્લાના મહાદેવપુરાની છોકરીઓ આજે ગામની ઓળખ બની છે, જે છોકરીઓ ગામની બહાર ભાગ્યે જ જતી તેઓ આજે પહોંચી છે નૅશનલ લેવલે: પ્રાથમિક સ્કૂલના શિક્ષકે ફુટબૉલની રમતમાં દીકરીઓની એવી તે રુચિ કેળવી કે આજે મહાદેવપુરા ગામ ઓળખાય છે ફુટબૉલવાળી છોકરીઓનું ગામ તરીકે

શિક્ષક રંગતજી ઠાકોર,  ફુટબૉલની રમતમાં ટ્રોફી જીતી લાવેલી ગામની દીકરીઓની ટીમ સાથે શિક્ષક રંગતજી ઠાકોર (સફેદ ટી-શર્ટમાં).

કરન્ટ ટૉપિક

શિક્ષક રંગતજી ઠાકોર, ફુટબૉલની રમતમાં ટ્રોફી જીતી લાવેલી ગામની દીકરીઓની ટીમ સાથે શિક્ષક રંગતજી ઠાકોર (સફેદ ટી-શર્ટમાં).


દીકરીઓને ઊડવા માટે પાંખો આપો તો તેઓ શું નથી કરી શકતી એનું ઉત્તમ ઉદાહરણ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલું મહાદેવપુરા ગામ છે. આજે નૅશનલ સ્પોર્ટ્‌સ ડે છે ત્યારે જાણીએ કે ફુટબૉલની રમતમાં પાવરધી બનેલી ગામની દીકરીઓ ગામની ઓળખ કઈ રીતે બની છે. પ્રાથમિક સ્કૂલના શિક્ષકે ફુટબૉલની રમતમાં દીકરીઓની એવી રુચિ કેળવી કે આજે મહાદેવપુરા ગામ ‘ફુટબૉલવાળી છોકરીઓનું ગામ’ તરીકે ઓળખાય છે. આ ગામની પચાસથી વધુ છોકરીઓ નૅશનલ લેવલે ફુટબૉલ સ્પર્ધાઓમાં રમી આવી છે અને મેડલો પણ જીતી લાવી છે. એટલું જ નહીં, આ ગામની દીકરીઓ જ્યારથી ફુટબૉલ રમતી થઈ છે ત્યારથી ભણતી થઈ ગઈ છે.

મહાદેવપુરા ગામની પ્રાથમિક સ્કૂલના શિક્ષક રંગતજી ઠાકોરે સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફુટબૉલ રમતી કરી એની વાત રસપ્રદ છે. આ મુદ્દે વાત કરતાં શિક્ષક રંગતજી ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને પોલીસવાળાએ એક ફુટબૉલ આપ્યો હતો. એ મારી પાસે પડ્યો હતો. ૨૦૧૦માં ખેલ મહાકુંભની જાહેરાત થઈ એ સમયે વ્યાયામના શિક્ષકોએ મને કહ્યું કે તમારી પાસે ફુટબૉલ પડ્યો છે તો સ્પર્ધામાં તમારી સ્કૂલની ટીમ ઉતારો. એટલે ખેલ મહાકુંભમાં ફુટબૉલની રમત હતી એમાં મહાદેવપુરા ગામની સ્કૂલની અન્ડર-14ની છોકરીઓની ટીમ ઉતારી. સ્કૂલની છોકરીઓને એના માટે તાલીમ પણ આપી. પહેલી વાર અમારી સ્કૂલની ટીમ ફુટબૉલની સ્પર્ધામાં ઊતરી હતી અને પાટણ જિલ્લાકક્ષાએ અમારી સ્કૂલની છોકરીઓની ટીમનો પહેલો નંબર આવ્યો. ટીમને ૩૦૦૦ રૂપિયાનો ચેક મળ્યો જેનાથી દીકરીઓ ખૂબ જ પ્રોત્સાહિત થઈ. સ્કૂલની છોકરીઓની ટીમ પહેલી વાર ફુટબૉલ રમી હતી અને પાટણ જિલ્લામાં પહેલો નંબર આવવાની સાથે રાજ્યકક્ષાએ સેમી-ફાઇનલ સુધી પહોંચી હતી. અંકલેશ્વરમાં રાજ્યકક્ષાની સ્પર્ધા હતી એમાં ફુટબૉલના જાણકારો તેમ જ કેટલાક કોચે મારી સ્કૂલની દીકરીઓની રમત જોઈને મને સૂચન કર્યું કે તમારી સ્કૂલની છોકરીઓને રેગ્યુલર ફુટબૉલ રમાડજો, બે-ત્રણ વર્ષ પછી તમને આ છોકરીઓ રિઝલ્ટ આપશે. આ સલાહને મેં પકડી લીધી. બીજી તરફ જે દીકરીઓ ગામની બહાર ભાગ્યે જ જતી તે ફુટબૉલ રમવા માટે બીજાં નગરો અને શહેરોમાં સ્પર્ધામાં રમવા જતી થતાં સ્કૂલની છોકરીઓને ફુટબૉલની રમતમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે અમારા સ્કૂલના મેદાનમાં સ્કૂલ છૂટ્યા પછી સાંજે મેં તેમને નિઃશુલ્ક પ્રૅક્ટિસ કરાવવાનું શરૂ કર્યું. પછી તો સ્કૂલના મેદાનમાં રોજ છોકરીઓ ફુટબૉલની પ્રૅક્ટિસ કરવા લાગી જે આજ સુધી ચાલી રહી છે.’



એક વખત સ્કૂલની દીકરીઓનો ફુટબૉલની રમતમાં રસ કેળવાયો એ પછી મહાદેવપુરા ગામની છોકરીઓએ પાછું વળીને જોયું નથી. રંગતજી ઠાકોરે આ મુદ્દે કહ્યું હતું કે ‘સ્કૂલમાં સાંજે તો ફુટબૉલની પ્રૅક્ટિસ કરે છે, પરંતુ રિસેસમાં પણ છોકરીઓ ફુટબૉલ લઈને રમે છે. અમારી સ્કૂલમાં અત્યારે અન્ડર-14, અન્ડર-17 અને ઓપન કૅટેગરીની ટીમો છે. એમાં ગામની ૬૦ જેટલી છોકરીઓ ફુટબૉલ રમે છે. આ દીકરીઓમાં ગામની સ્કૂલથી લઈને કૉલેજમાં જતી છોકરીઓ પણ ફુટબૉલની ટીમમાંથી રમે છે. ફુટબૉલની સ્પર્ધામાં ભાગ લેતી દીકરીઓમાંથી ૪ દીકરીઓને ગુજરાત સરકારની સ્પોર્ટ્‌સ એક્સલન્સ યોજના હેઠળ દર મહિને ૪૫૦૦ રૂપિયા સ્ટાઇપન્ડ મળતું હતું તેમ જ આવવા-જવા માટે ભાડું મળતું હતું. સ્કૉલરશિપ મળતી થઈ એટલે ગામની છોકરીઓને ફુટબૉલની રમતમાં રસ પડવા લાગ્યો. જે છોકરીઓ ગામની બહાર નહોતી જતી તે આજે બીજાં રાજ્યો સુધી પહોંચી છે. ફુટબૉલ રમવાને કારણે ગામની છોકરીઓ બહાર જતી થઈ છે. પહેલાં તો છોકરીઓ ગામની બહાર ભણવા પણ નહોતી જતી, પરંતુ ફુટબૉલ રમવાને કારણે ગામની ઘણી છોકરીઓ કૉલેજ જતી થઈ છે. 
કેટલીયે છોકરીઓએ કૉલેજનું શિક્ષણ પૂરું કર્યું છે.’


ગામની છોકરીઓ નૅશનલ સ્પર્ધાઓમાં પણ ઝળકી રહી છે એની વાત કરતાં રંગતજી ઠાકોરે કહ્યું હતું કે ‘૨૦૧૦થી લઈને અત્યાર સુધીમાં ગામની ૧૦૦થી વધુ છોકરીઓ ફુટબૉલની રમત શીખી છે. બાવન જેટલી છોકરીઓ નૅશનલ રમી આવી છે. અત્યાર સુધીમાં રાજ્યકક્ષાની ૬૦ જેટલી ટુર્નામેન્ટમાં સ્કૂલની છોકરીઓની ટીમોએ એકથી ત્રણમાં સ્થાન મેળવીને મેડલો અને ટ્રોફી જીત્યાં છે. આ ઉપરાંત ગામની ૨૦ છોકરીઓએ નૅશનલ મેડલ જીત્યા છે. આ છોકરીઓ અન્ડર-14, અન્ડર-17 તેમ જ અન્ડર-19ની ટીમમાં સિલેક્ટ થાય છે અને રમવા જાય છે. અમારા ગામની સ્કૂલની છોકરીઓને ૨૦૧૪થી સતત ગુજરાતની ટીમમાં સ્થાન મળે છે. ખેલો ઇન્ડિયાની સ્પર્ધા અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની ફુટબૉલની સ્પર્ધાઓમાં ગામની છોકરીઓ રમે છે અને મેડલો જીતી રહી છે.’ 

મારી મોટી બહેનને ફુટબૉલ રમતી જોઈને મને ઇન્ટરેસ્ટ પડ્યો : કમુ ઠાકોર


મહાદેવપુરા ગામની દીકરી કમુ ઠાકોર આજે નૅશનલ લેવલની સ્પર્ધાઓમાં ઝળકી રહી છે અને મેડલ જીતી રહી છે. કૉલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહેલી કમુ ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નૅશનલ લેવલે હું ખેલો ઇન્ડિયા તેમ જ ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશનની સ્પર્ધાઓમાં ઓડિશા, હરિયાણા અને ઝારખંડમાં રમી આવી છું. ૨૦૨૧માં હરિયાણામાં બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો, જ્યારે ઓડિશાના કટકમાં પણ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી ફુટબૉલ રમી રહી છું. મારી મોટી બહેન શિલ્પા ફુટબૉલ રમવા સ્કૂલના ગ્રાઉન્ડમાં જતી ત્યારે હું પણ તેની સાથે ગ્રાઉન્ડમાં જતી હતી એટલે તેને રમતી જોઈને મને પણ ફુટબૉલની રમતમાં રસ જાગ્યો અને ફુટબૉલ રમતી થઈ હતી. મારા ગામની અને બીજા ગામની છોકરીઓને હું મેસેજ આપીશ કે અભ્યાસની સાથે-સાથે ફુટબૉલ જેવી રમતમાં પણ રસ કેળવવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 11:15 AM IST | Patan | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK