સ્થાનિક લોકોએ જીવની પરવા કર્યા વગર નદીમાં કૂદી પડીને ડૂબતા લોકોના જીવ બચાવવા કામગીરી હાથ ધરી : NDRF અને SDRFની ટીમ, પોલીસ, વહીવટી તંત્ર, ફાયર-બ્રિગેડ, ઍમ્બ્યુલન્સ તેમ જ મેડિકલ ટીમો ઘટનાસ્થળે દોડી ગયાં
બ્રિજ પરથી સાતથી વધુ વાહન નદીમાં ખાબક્યાં હતાં, પણ એક ટૅન્કર લટકી પડ્યું હતું.
કી હાઇલાઇટ્સ
- તો શું એ ખરેખર જીવલેણ બને ત્યાં સુધી રાહ જોવાઈ રહી હતી?
- જોખમી બ્રિજ બંધ કરવાની લેખિત રજૂઆત સુધ્ધાં બહેરા કાને અથડાઈ હતી
- એક જ પરિવારનાં પિતા-પુત્રી-પુત્રની હૃદયદ્રાવક વિદાય
ગુજરાતમાં ગઈ કાલે વધુ એક પુલ-દુર્ઘટના બની હતી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગામ નજીક અને આણંદ તેમ જ વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર ગંભીરા બ્રિજ ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યાની આસપાસ વચ્ચેથી ધડાકાભેર તૂટી જતાં પુલ પરથી પસાર થઈ રહેલાં સાતથી વધુ વાહનો નીચે નદીમાં ખાબક્યાં હતાં જેના કારણે ૧૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મોતનો બ્રિજ બની ગયેલા આ બ્રિજની હાલત સામે લોકોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો.
સવારે બની ગોઝારી ઘટના
ADVERTISEMENT
મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજની વચ્ચોવચ બે પિલર વચ્ચેના ભાગનો સ્લૅબ તૂટી પડ્યો હતો જેના કારણે બ્રિજના બે ટુકડા થઈ ગયા હતા. આ ગોઝારી ઘટનામાં બ્રિજ પરથી પસાર થઈ રહેલાં બે ટ્રક, બે વૅન, ૧ પિકઅપ વૅન, ૧ રિક્ષા તેમ જ બાઇક નીચે નદીમાં પટકાયાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ બ્રિજ નજીક આવેલા મુજપુર, એકલબારા સહિતનાં આસપાસનાં ગામોથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવકામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, ૨૦થી વધુ ફાયર જવાનો સાથે ફાયર-બ્રિગેડ, એક નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ, એક સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમ, ૧૦થી વધુ ઍમ્બ્યુલન્સ, પાંચથી વધુ મેડિકલ ટીમો ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. નદીમાંથી સાંજ સુધીમાં ૧૨ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને વડોદરાની સર સયાજીરાવ જનરલ હૉસ્પિટલ તેમ જ પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહોનાં પોસ્ટમૉર્ટમ કરાયાં હતાં અને સ્વજનોને ડેડ-બૉડી સોંપાઈ હતી.
નદીમાં ખાબકેલી ટ્રક
ગામવાસીઓને સલામ
ગંભીરા બ્રિજ તૂટી પડતાં પાસે આવેલા મુજપુર ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત એકલબારા સહિતનાં આસપાસનાં ગામોથી લોકો દોડી આવ્યા હતા. નદીમાં કમર સુધીનાં પાણી ઉપરાંત નદીના કિનારા પર પગ ખૂંપી જાય એટલાં કાંપ-કીચડમાં દોડીને ડૂબી રહેલા લોકોને બચાવવા પોતાના જીવની પરવા કર્યા વગર નદીમાં દોડી ગયા હતા અને પ્રશાસન પહોંચે એ પહેલાં ગામવાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
ઘટનાની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને બે લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને ૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
બચાવ ટીમો સાથે સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
રાજ્ય સરકારે સહાય જાહેર કરી
ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના વિશે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારોને ૪ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે તેમ જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેકને ૫૦ હજાર રૂપિયાની સહાય ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.’
ગુજરાતમાં ૨૦૦૭થી ગઈ કાલ સુધીમાં તૂટી પડ્યા બાવીસ બ્રિજ
આ દાવો ગુજરાત કૉન્ગ્રેસે કરીને માનવજિંદગીના મૃત્યુ વિશે સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટના સિટિંગ ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસની કરી માગણી
આણંદ-વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ગઈ કાલે તૂટી જતાં ૨૦૦૭થી ગઈ કાલ સુધીમાં ગુજરાતમાં બાવીસ બ્રિજ તૂટ્યા હોવાનો દાવો કરીને ગુજરાત કૉન્ગ્રેસે માનવજિંદગીના મૃત્યુ વિશે સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટના સીટિંગ ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસ સમિતિની માગણી કરી છે.
સ્થાનિક લોકો બચાવકામગીરી માટે નદીમાં દોડી ગયા હતા.
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગોઝારી દુર્ઘટનાઓ બાદ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું એક જ રટણ હોય છે કે તપાસ થશે. આવી જાહેરાતો વચ્ચે ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાઈ છે. ગંભીરા બ્રિજની ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય એ માટે ઘટનાની ન્યાયી અને પારદર્શક તલસ્પર્શી તપાસ સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટના જજની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા થાય એવી અમારી માગણી છે. ગુજરાતમાં ૨૦૦૭થી ગઈ કાલ સુધીમાં બાવીસ બ્રિજ તૂટ્યા છે જેમાં મોરબીનો ઝૂલતો પુલ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ બ્રિજ, બનાસકાંઠામાં પાલનપુરનો બ્રિજ, મહેસાણા જિલ્લામાં ઊંઝા હાઇવે પરનો બ્રિજ, વડોદરામાં સિઘરોટ બ્રિજ, અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ અને મમતપુરા બ્રિજ, મહેસાણામાં બાયપાસ બ્રિજ, સુરતમાં પીપલોદ ફ્લાયઓવર બ્રિજ સહિતના બ્રિજનો સમાવેશ થાય છે.’

