Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ગુજરાતમાં સર્જાયું રાજકીય દંગલ

ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ગુજરાતમાં સર્જાયું રાજકીય દંગલ

Published : 16 April, 2026 11:54 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડોદરા અને પાલનપુરમાં કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવારોને મોઢા પર દુપટ્ટા ઓઢાડીને લાવવામાં આવ્યાં પીછેહઠ કરવા : કૉન્ગ્રેસના સંખ્યાબંધ ઉમેદવારો મેદાનમાંથી હટી ગયા એને પગલે ધમાલ થઈ

સુરતમાં કૉન્ગ્રેસના ઉમેદવારે પીછેહઠ કરતાં બબાલ થઈ હતી

સુરતમાં કૉન્ગ્રેસના ઉમેદવારે પીછેહઠ કરતાં બબાલ થઈ હતી


ગુજરાતમાં ગઈ કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ભારે રાજકીય સંગ્રામ સર્જાયો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે રીતસરનું રાજકીય દંગલ સર્જાયું હતું. એમાં પણ વડોદરા અને સુરતમાં જબરદસ્ત ડ્રામા સર્જાયો હતો. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત તેમ જ મધ્ય ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સરકારી ઑફિસોમાં BJP, કૉન્ગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. BJP ડરાવી-ધમકાવીને ઉમેદવારી પાછી ખેંચાવતી હોવાનો કૉન્ગ્રેસે આક્ષેપ કર્યો હતો.  

વડોદરામાં વૉર્ડ નંબર-૨ના કૉન્ગ્રેસનાં ઉમેદવાર ભૂમિ પ્રજાપતિને ચહેરા પર દુપટ્ટો ઓઢાડીને બાઇક પર બેસાડીને ઉમેદવારી પાછી કરવા સમા વિસ્તારમાં આવેલી મામલતદાર ઑફિસમાં BJPના કાર્યકરો લઈ આવ્યા હોવાનો આક્ષેપ કૉન્ગ્રેસે કર્યો હતો. મામલતદારની ઑફિસમાં BJP અને કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે ઘમસાણ મચી ગયું હતું. એવામાં લિફટમાં વધુ સંખ્યામાં લોકો ઊભા રહી જતાં લિફ્ટ અધવચ્ચે અટકી ગઈ હતી જેના કારણે ઉમેદવાર સહિતના લોકોને સલામત રીતે બહાર કાઢવા પડ્યા હતા.



પોલીસ-પ્રોટેક્શન સાથે ભૂમિ પ્રજાપતિને BJPના કાર્યકરો લઈને આવતાં કૉન્ગ્રેસના કાર્યકરોએ ઑફિસની જાળી બંધ કરી દીધી હતી. જોકે પોલીસ જાળી ખોલાવીને ભૂમિ પ્રજાપતિને ઑફિસમાં લઈ ગઈ હતી અને ભૂમિએ ઉમેદવારી પાછી ખેંચી હતી.


પોલીસે કૉન્ગ્રેસના કાર્યકરોને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા અને કેટલાક કાર્યકરોની અટકાયત કરીને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા.
પાલનપુર પ્રાંત ઑફિસમાં પણ આવો જ રાજકીય ડ્રામા સર્જાયો હતો. કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવાર આરતી ઠાકોરને મોઢા પર દુપટ્ટો ઓઢાડીને ઉમેદવારી પાછી ખેંચવા માટે BJPના કાર્યકરો ઑફિસમાં લઈ આવ્યાં હતાં જેના કારણે કૉન્ગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.

ક્યાં-ક્યાં પીછેહઠ કરી ઉમેદવારોએ?


સુરતમાં કૉન્ગ્રેસના ઉમેદવાર બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચતાં મામલો ઉગ્ર બન્યો હતો. અઠવાલાઇન્સ કચેરીમાં પોલીસ અને કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. BJP પોલીસનો ઉપયોગ કરી રહી હોવાનો તેમ જ નીલેશ કુંભાણી પછી બોની પટેલ બીજો ગદ્દાર બન્યો હોવાનો આક્ષેપ કૉન્ગ્રેસે કર્યો હતો.

મધ્ય ગુજરાતમાં ડભોઈમાં કૉન્ગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતાં BJPના વિધાનસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં BJP અને કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ડભોઈ તાલુકા પંચાયતની લિંગાસ્થડી બેઠક અને બાણજ બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતાં હોબાળો મચ્યો હતો.  

સુત્રાપાડા, રાજકોટ, ગોંડલ, છોટાઉદેપુર સહિતનાં સ્થળોએ કૉન્ગ્રેસના ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવા લવાતાં BJP અને કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.

અમદાવાદમાં પણ કૉન્ગ્રેસના ચાર ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 11:54 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK