ગઈ કાલે જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળના પરિસંવાદમાં ૫૦ જેટલા આગાહીકારો એકઠા થયા અને આવું તારણ નીકળ્યું
વર્ષા વિજ્ઞાન મંડળના પરિસંવાદમાં આગાહીકારો તથા રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી. પી. ચોવટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ગઈ કાલે વર્ષા વિજ્ઞાન મંડળના પરિસંવાદમાં આગાહીકારોનું એવું તારણ નીકળ્યું હતું કે આ વખતે ગુજરાતમાં સોળ આની ચોમાસું રહેશે.
વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પરિસંવાદ યોજાયો હતો જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના ૫૦ જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા અને વરતારો કાઢ્યો હતો. આ પરિસંવાદમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ પરંપરાગત જ્ઞાન આવનારી પેઢીને પણ આપવા અનુરોધ કર્યો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી. પી. ચોવટિયાએ કહ્યું હતું કે ‘પરંપરાગત જ્ઞાનના આધારે આગાહી કરતા આ આગાહીકારો એક વેધર સ્ટેશન સમાન છે. ગયા વર્ષે ૩૦માંથી પાંચ આગાહીકારોની ૧૦૦ ટકા આગાહી સાચી પડી હતી. બીજા ૭ આગાહીકારોની એક જિલ્લાને બાદ કરતાં ૯૦ ટકા આગાહી સાચી પડી હતી. એકંદરે ૬૦ ટકા જેટલી આગાહી સાચી રહી હતી.’
ADVERTISEMENT
વર્ષા વિજ્ઞાન મંડળ સાથે જોડાયેલા આગાહીકારો આકાશમાં ગર્ભ બંધાતાં એનાં નિરીક્ષણો, વનસ્પતિનાં નિરીક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, કીડી-મંકોડા-માખીઓના હલનચલન, હવામાંના ભેજ, ગરમી-ઠંડીની અસર, ભડલી વાક્ય અને જ્યોતિષવિજ્ઞાનના આધારે વરસાદની આગાહી કરે છે.

