ભીખુદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો વિધાનસભાગૃહમાં ચાલતી કામગીરીથી અવગત થયાં
ગુજરાત વિધાનસભામાં કલાકારોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ સમયે કેટલાક પ્રધાનો અને વિધાનસભ્યો પણ હાજર રહ્યા હતા.
ગુજરાત સહિત દેશ-વિદેશમાં સ્ટેજ પર છવાઈ જઈને ગુજરાતી ગરબા, ગીતો અને લોક સાહિત્ય રજૂ કરતા ગુજરાતના કલાકારોએ ગઈ કાલે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી અને વિધાનસભા ગૃહમાં ચાલી રહેલી કાર્યવાહીને નિહાળી હતી.
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલી સંસદીય પ્રણાલીને પ્રત્યક્ષ નિહાળવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું જેને માન આપીને ભીખુદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ સહિતના કલાકારો એકસાથે ગુજરાત વિધાનસભામાં ગયાં હતાં અને ત્યાં બેસીને ગૃહની કાર્યવાહી નિહાળી હતી. આ કલાકારો લગભગ સાડાત્રણથી ચાર કલાક ત્યાં રહ્યાં હતાં. આ દરમ્યાન કલાકારોએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે તેમ જ કેટલાક પ્રધાનો સાથે મુલાકાત કરી હતી અને અધ્યક્ષ શંકર ચૌધરી સાથે સૌ કલાકારોએ સાથે બેસીને લંચ લીધું હતું.

