ગામથી માંડ થોડે દૂર ગયા અને જીવલેણ દુર્ઘટનામાં પિતા, પુત્ર અને પુત્રી કાળનો કોળિયો બની ગયાં : એકસાથે ત્રણ અર્થી ઊઠી ત્યારે આખું ગામ હીબકે ચડ્યું
રમેશ પઢિયાર અને તેમનાં સંતાનો, બે વર્ષનો દીકરો અને ચાર વર્ષની દીકરી વેદિકા.
મુજપુર ગામે રહેતી પઢિયાર ફૅમિલી બગદાણામાં ગુરુપૂર્ણિમાએ દર્શન કરવા જતી હતી. તેઓ ગામથી હસતા-રમતા નીકળ્યા એની થોડી જ મિનિટોમાં આ પરિવાર વીંખાઈ ગયો હતો. મુજપુર ગામથી થોડે દૂર આવેલો ગંભીરા પુલ તૂટી પડવાની જીવલેણ દુર્ઘટનામાં પિતા, પુત્ર અને પુત્રી કાળનો કોળિયો બની જતાં પઢિયાર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને ગામમાં શોક છવાઈ ગયો હતો. સાંજે એકસાથે પિતા, પુત્ર અને પુત્રીની અર્થીઓ ઊઠી ત્યારે ગામ આખું હીબકે ચડ્યું હતું.
પઢિયાર પરિવારના સભ્ય મહીપતસિંહ પઢિયારે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર રમેશ મારો ભાણો થાય છે. તે તેની પત્ની અને બે બાળકો સાથે ગુરુપૂર્ણિમા આવે છે એટલે ગાડીમાં બેસીને બગદાણા દર્શન કરવા જતો હતો. તેઓ ત્યાં રોકાવાના હતા. ગઈ કાલે સવારે તેઓ ખુશી-ખુશીથી ગામેથી નીકળ્યા હતા અને હજી તો ગામ છોડ્યાને થોડી મિનિટ થઈ હશે ત્યાં ગામ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં જ બ્રિજ તૂટી પડતાં તેમની ગાડી નીચે નદીમાં પડી હતી. એમાં મારો ભાણો રમેશ, તેની દીકરી વેદિકા અને દીકરા નૈતિકનાં મૃત્યુ થયાં છે, જ્યારે મારાં ભાણાની પત્ની સોનલ બચી ગઈ છે.’
ADVERTISEMENT
મહીપતસિંહ પઢિયારે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘તંત્રની બેદરકારીને લીધે જ પુલ તૂટ્યો છે અને આટલો મોટો અકસ્માત થયો છે. બ્રિજ બની ગયો હોત તો આ અકસ્માત થયો ન હોત. એ ખખડધજ હાલતમાં હતો. એને રિપેર કરવા માટે અને નવો બ્રિજ બનાવવા માટે કેટલીયે વાર રજૂઆતો કરવા છતાં તંત્રએ વાતને ધ્યાનમાં લીધી નહીં. જો બ્રિજ બની ગયો હોત તો આજે અમારા પરિવાર સહિતના બધા લોકો બચી ગયા હોત.’

