સાળંગપુરમાં હનુમાન મંદિરમાં પતંગ-ફીરકીના શણગાર સાથે ચિક્કીનો અન્નકૂટઃ સોમનાથમાં ઉત્તરાયણના વિશેષ દિને ૩૦૦ પરિવારોએ ઑનલાઇન ગૌપૂજા કરી
સાળંગપુરના હનુમાનજીના મંદિરમાં પતંગ-ફીરકીનો શણગાર કરવામાં આવ્યો હતો.
ઉત્તરાયણ પર્વના દિવસનું હિન્દુ ધર્મમાં ધાર્મિક માહાત્મ્ય હોવાથી ગઈ કાલે સોમનાથ, સાળંગપુર અને અમદાવાદના જગન્નાથ મંદિર સહિત ગુજરાતનાં દેવસ્થાનોમાં દર્શન અને દાન-પુણ્ય માટે ભાવિકજનો ઊમટ્યા હતા અને ગૌવંશની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.
મકરસંક્રાન્તિના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા અને ગૌપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી પરોઢે આરતી થઈ હતી તેમ જ સોમનાથ મહાદેવને જળ, દૂધ, દહીં, સાકર સહિતનાં દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક અને સાંજે તલનો શણગાર કરવામાં આવ્યો હતો. સોમનાથમાં ઉત્તરાયણના વિશેષ દિને દેશભરમાંથી ૩૦૦ પરિવારોએ સોમનાથ મંદિરમાં ઑનલાઇન સૂર્યપૂજા અને ગૌપૂજા કરી હતી.
ADVERTISEMENT
સાળંગપુરમાં આવેલા શ્રીકષ્ટભંજનદેવના મંદિરે હનુમાનદાદાની મૂર્તિની આસપાસ તેમ જ મંદિર પરિસરમાં પતંગ-ફીરકીનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીને મમરા અને તલના લાડુ, કાળાં-સફેદ તલ-દાળિયાની ચિક્કી, સિંગની ચિક્કી, કચરિયું, ખજૂર, ડ્રાયફ્રૂટ અને ટોપરાપાકનો અન્નકૂટ ધરાવાયો હતો. વહેલી સવારથી હરિભક્તો હનુમાનદાદાનાં દર્શન માટે ઊમટ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં રખાયેલી ૧૦૮ ગાયનું હરિપ્રકાશદાસ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો તેમ જ હરિભક્તોએ ગૌપૂજન કર્યું હતું અને ગોળની મીઠાઈ ખવડાવી હતી. મંદિર પરિસરમાં પારિવારિક શાંતિ માટે હનુમાન ચાલીસા યજ્ઞ કરવામાં આવ્યો હતો.