આકરા તાપ સાથે ભારે ગરમ પવન ફૂંકાવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની આગાહી : ગઈ કાલે સૌથી વધુ કંડલામાં ૪૪, સુરેન્દ્રનગરમાં ૪૩.૬ અને રાજકોટમાં ૪૩.૨ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની શરૂઆતની સાથે જ ગુજરાતમાં ગરમી માઝા મૂકી રહી છે. આટલું ઓછું હોય એમ આજથી બે દિવસ કચ્છમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે અને કચ્છમાં સિવિયર હીટવેવ ફૂંકાવાની સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવ ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
કચ્છ સહિત ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ગરમીનો પારો ઊંચો રહે એવી સંભાવના છે. આજે અને આવતી કાલે કચ્છના કેટલાક વિસ્તારમાં રેડ અલર્ટ સાથે સિવિયર હીટવેવની વૉર્નિંગ આપવામાં આવી છે. કચ્છના ભુજમાં ગઈ કાલે ગરમીનો પારો ૪૩.૨ ડિગ્રીએ આંબી ગયો હતો જેને કારણે ભુજવાસીઓએ આકરા તાપનો સામનો કરવો પડ્યો હતો. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં હીટવેવ ફૂંકાશે. ૮ અને ૯ એપ્રિલે માત્ર હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ગઈ કાલે ગરમીનો પારો ઊંચે ચડ્યો હતો. સૌથી વધુ કંડલા ઍરપોર્ટ વિસ્તારમાં ૪૪ ડિગ્રી તાપમાન હતું, જ્યારે કંડલા પોર્ટ વિસ્તારમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ૪૩.૬, રાજકોટમાં ૪૩.૨, ભુજમાં ૪૨.૯, ડીસામાં ૪૨.૮, અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૨, અમરેલીમાં ૪૨.૧, કેશોદમાં ૪૧.૭, વડોદરામાં ૪૧.૨, વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૩ અને પોરબંદરમાં ૪૦ ડિગ્રી તાપમાન હતું.

